500 વર્ષ જુનું રાજરાજેશ્વરી મહાદેવનું મંદિર આજી નદીના કાંઠે હજુ હયાત
શ્રાવણ માસનો પ્રારંભ થતા જ શિવ મંદિરોમાં મોટી સંખ્યામાં ભાવિકો ભાવવિભોર બને છે ત્યારે રાજકોટના પુરાતન મંદિરોમાં આ વખતે 500 વર્ષ જૂના મંદિરનો ભકતોને પરિચય કરાવવા જઈ રહ્યા છે.આવી જ એક ધટનાની અહિં વાત કરવી છે. જયારે આ રાજકોટ પુરું વિકસ્યું ન હતું કહેવાય છે કે ત્યારે અમુક માલધારીનાં નેસ નાં રૂપમાં જ હતું . રાજકોટ એવું નામાભિધાન પણ થયું ન હતું ત્યારની ઘટના. વ ( સંવત 1250 ) મા ઘટાટોપ જંગલની ને જાડીઓ વચ્ચે આજી નદીનાં પાણી ખળ ખળ વહી જાય છે.
નિર્મળને ચોખ્ખું પાણી ! તળીયે પડેલી રેતીનાં કણ દેખાય તેવું ચોખ્ખુ પાણી ! અડા ભીડ જંગલની વચ્ચે વાંકોચૂકો રસ્તો કરતી આજી નદી વહી જાય છે. જેમ કોઇ નવોઢા માથે હેલ મુકીને મલપતિ ચાલી જાતી હોય તેમ ! માલધારી અને તેમનાં ઢોર અમૃત જેવાં આજીના પાણી પી ને અમીનાં ઓડકાર ખાય છે. અને થોડે દૂર છીછરાં પાણીમાં પાંચ – સાત ભેંસોનું ખાડું પાણીમાં બેઠું છે. પક્ષીઓ કલરવ કરી રહયાં છે . મોરલાનાં ગહેકારનાં પડધા ધૂમરાયને પાછા સંભળાય છે. ઉનાળાનો સમય છે . બરોબર સૂર્યનારાયણ બપોરે માથે તપી રહ્યાં છે .
કાળઝાળ ગરમી છે . પશુપંખીઓ પણ ઝાડની ડાળનાં છાંયે આરામ કરી રહયાં છે . ખાવે સમયે એક વેલળું નદીને કાંઠે આવીને ઊભું રહે છે . વેલડું (ગાડુ) કોઇ આધેડ પુરૂષ ચલાવે છે . અને અંદર 20 વર્ષની યુવાન સ્વરૂપવાન ઘૂંઘટો કાઢેલી એક માણાંત યુવતી બેઠી છે. પુરૂષ કે છે વહુ બેટા ! બપોર થઇ ગઇ છે . આપણે અહિંયા જ બપોરા કરી લઇએ (જમી લઇએ ) હાં બાપા ! આટલું કરીને નવોઢા ગાડામાંથી ઊતરે છે . ચારણની દીકરી છે. મોઢા ઉપર તેજ તપે છે જાણે જગદંબાનો અવતાર ! નામ એનું રાજબાઇ છે .
રાજબાઇ શિવજીનાં પરમ ઉપાસક છે . શિવજીની પૂજા કર્યા વેના યજ્ઞ કર્યા વિના તેઓ અનાજ ન લેવી એવી તેમની ટેક હતી . પણ અહિંયા સ્નાન વિધી કર્યા પછી નજર કરી પણ કયાંય શિવજીનું મંદિર નથી દેરું પણ નથી . શિવજીને ધર્યા વિના કેમ જમવું ? એટલે નદીનાં કાંઠે વેળુનો ઢગલો કર્યો તેમાંથી સ્વયંભુ અનાદીકાળનું શિવલીંગ પ્રગટ થયું . રાજબાઇએ હરખથી યજ્ઞમાં અન્નદાન કરી ભોજન પુરું કર્યુ અને શિવલીંગની બાજુમાં સમાધી લગાવી તેના સસરા કહે જોઇ મોટી ભકતાણી ? જોયાં તારાં મહાદેવ ! અને તે શિવલીંગ પરથી વેલડાને ચલાવ્યું ત્યાંં એકાએક શિવલીંગમાંથી રકતધારા નીકળી . આ ચમત્કારથી રાજબાઇમાં પરિવર્તન આવ્યું .
તેમણે સંસાર માંડવાનું માંડી વાળ્યું. એ જ વખતે નિર્ણય કર્યો કે હવેનું જીવન મહાદેવને સમર્પિત કરવું. આ ધટનાંની ત્યારનાં રાજવી (રાજકોટના) શ્રી બાવાજીરાજ બાપુને ખબર પડી રકતધારા અને શિવલીંગનાં દર્શન કર્યા . પછી અહીંયા સવંત 1250 માં શેવલીંગની વિધીવત પ્રાણપ્રતિષ્ઠા કરી . અને રાજ રાજેશ્વર મહાદેવ એમ નામાભિધાન કર્યુ . એક લોકવાયકા પ્રમાણે રાજબાઇએ એમ કહયું હતું કે , હું રાજબાઇ મારાં મહાદેવનું નામપણ મારાં નામ સાથે રાજ રાજેશ્વર મહાદેવ , અને આ ગામનું નામ પણ રાજકોટ. પછી તે જગ્યા મંદિરને કાયમી દાનમાં આપી .
રાજબાઇએ જીવંત પર્યંત મહાદેવની ઉપાસના કરેલી અને સમય જતા અંતકાળે આ જ મંદિરમાં સમાધિ લીધી . આજે પણ લોકો તેમની સમાધિનાં દર્શન કરે છે . અને શિવલીંગ ઉપર ફરી વળેલા પૈડાનું નિશાન ઘટનાની સાબિતી આપે છે.
એક જ પથ્થરમાંથી નિર્મિત બધી મૂર્તિનું નિર્માણ
રાજરાજેશ્ર્વરી મંદિરમાં ભોલેનાથની સાથે એક જ પથ્થરમાંથી નિર્મિત ગણેશજી અને રિધ્ધિ-સિધ્ધની મૂર્તિ છે તો નાગાબાવાઓ દ્વારા સ્થાપિત મહાકાળી માતાજી પણ બિરાજે છે જેનુંપુજન અર્ચન કરી ભકતો પોતાની મનોકામના પૂર્ણ કરે છે.