શેર બજારમાં નુકશાની જતાં
ઘરેથી ઓફીસે ગયા બાદ યુવાન જાતે ચાલ્યો ગયાનું ખુલ્યું: દિલ્હી હોવાની જાણ કરતાં પરિવાર અને પોલીસે હાશકારો અનુભવ્યો
મોરબી હળવદ હાઇવે ઉપર આવેલ ચરાડવા ગામે જેટકોની ઓફિસમાં ફરજ બજાવતો હેલ્પર ઘર આવવા માટે ઓફિસેથી નીકળ્યો હતો ત્યાર બાદ તેનું કોઈ અજાણ્યા બે શખ્સો દ્વારા અપહરણ કરવામાં આવ્યું હોવાનું અને તેને કોઈ જગ્યાએ ગોંધી રાખ્યો હોવાની કર્મચારીનાં ભાઈ દ્વારા હળવદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવવામાં હતી. જયારે પોલીસે સમગ્ર મામલે તપાસ કરતા ચોંકાવનારી વિગતો સામે આવી હતી.
મળતી માહિતી અનુસાર, મોરબી નજીકના મહેન્દ્રનગર ગામે રહેતા મેહુલભાઈ મનસુખભાઈ ઈઢાટીયાએ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે તેના ભાઈ અમિત મનસુખભાઈ ઈઢાટીયાનું અપહરણ થયું હોવા અંગેની ફરિયાદ નોંધાવી હતી. જેમાં જણાવ્યાનુસાર ફરિયાદીનો ભાઈ અમિત મનસુખભાઈ ઇટાલીયા ચરાડવા ગામે આવેલ જેટકોની ઓફિસમાં ફરજ બજાવે છે.
ગત તા. 04/04/2023 ના રોજ સવારે નિયત સમયે નોકરી ઉપર જવા માટે અમિત ઘરેથી નીકળ્યો હતો ત્યારબાદ ઘરે આવ્યો ન હતો. જેથી તેને શોધતા હતા અને ગુમ થયા અંગેની નોંધ છે હળવદ પોલીસ મથકે કરાવી હતી દરમ્યાન ગુમ થયેલ યુવક અમિતે તા.7 ના રોજ પિતાને ફોન કરીને બે અજાણ્યા માણસો દ્વારા તેનું અપહરણ કરવામાં આવ્યું છે તેવી માહિતી આપતાં અમીતના ભાઈ દ્વારા અપહરણ અંગેની ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ત્યારે ફરિયાદ નોંધી પોલીસે તપાસ શરૂ કરી હતી.
જે તપાસ દરમિયાન ગુમ થયેલ યુવક અમિત હેમખેમ દિલ્હીથી તેના પરિવારજનોને મળી આવેલ હતો અને કાર્યવાહી અનુસાર પોલીસે અમિતની પૂછપરછ કરતા તેને જણાવ્યું હતું કે, તેને શેરબજારમાં તેને નુકશાન થયું હતું જેની ભરપાઈ માટે પોતાનું બાઇક પણ ગીરવે પડ્યું હતું અને તેને પોતાના મકાનનું ભાડું પણ આપવાનું હોય. જેથી કરીને આર્થિક ભીંસમાં આવી જતા તે ઘરેથી ઓફિસે ગયા પછી પોતાની જાતે જ ચાલ્યો ગયો હતો અને બાદમાં અને તેના પરિવારના સભ્યને ફોન કરીને પોતે દિલ્હીમાં હોવાની જાણ કરી હતી. જેથી તેના પરિવારજનો તેને દિલ્હીથી લઈને આવ્યા છે.