યુવા પેઢીને સ્વદેશીથી અવગત કરવા આયોજન: વિવિધ પ્રવૃતિમાં ભાગ લેવા વિર્દ્યાથીઓની પડાપડી
ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતિ નિમિતે ખરા અર્થમાં શ્રદ્ધાંજલિ આપવા ગાંધી સ્મૃતિ ટ્રસ્ટ દ્વારા સ્વદેશી અપનાવાની પહેલ કરવામાં આવી છે. રાજકોટ ની લાલ બહાદુર શાસ્ત્રી શાળા ખાતે હેલીબેન ત્રિવેદીની આગેવાનીમાં આજની યુવા પેઢીને સ્વદેશીથી અવગત કરાવા ખાસ ગાંધીયન માધવજીની ઉપસ્થિતિ માં ચરખા કાંતવા સહિતની પ્રવૃતિઓ માટે વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે. હાલ ૧૦-૧૦ વિદ્યાર્થીઓની બેચ બનાવી હાલ પ્રવૃત્તિ શરૂ કરવામાં આવી છે જેમાં ભાગ લેવા વિદ્યાર્થીઓ પડા પડી કરી રહ્યા છે. ગાંધીજીની જન્મ જયંતિ નિમિતે આયોજિત આ વર્કશોપમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઉપકુલપતિ ડો. વિજય દેશાણીએ ખાસ હાજરી આપી હતી. તેમજ ચરખા કાંતવાનો અવિસ્મરણીય અનુભવ લીધો હતો. હાલ વિદ્યાર્થીઓને તમામ પ્રવૃતિઓ મૂળ પુણેના માધવજી શહશ્રબુધે શીખવાડી રહ્યાં છે અને વિદ્યાર્થીઓ આ પ્રવૃત્તિ સંપૂર્ણપણે લાભ લઇ રહ્યા છે.
આ તકે ડો. વિજય દેશાણી (ઉપકુલપતિ – સૌરાષ્ટ્ર યુનિવર્સિટી)એ જણાવ્યું હતું કે, આજે ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતી છે ત્યારે મેં આજે ગાંધીજીએ જે સ્વદેશીની વાત કરી હતી તેનો ખરા અર્થમાં લાભ લીધો છે. મેં જાતે આજે ચરખા કાંતવાનો અવિસ્મરણીય અને અદભુત અનુભવ કર્યો છે. આ સમયે મારા મનમાં એક અલગ પ્રકારની અભૂતપૂર્વ અનુભૂતિ થઈ જે શબ્દોમાં વર્ણવી ન શકાય. તેમણે આ તકે કહ્યું હતું કે હું આજે લોકોને એટલી જ અપીલ કરીશ કે ફક્ત ગાંધી જયંતિ નિમિતે નહીં પરંતુ આખું વર્ષ ગાંધીજીની વિચારધારા નલનું અનુસરણ કરીએ.
આ તકે માધવજી શહશ્રબુધે ઉદાહરણ સ્વરૂપે કહ્યું હતું કે, સ્વદેશી એટલે એ નહીં કે કલકત્તાની બનાવટની સુરતમાં વહેંચાય પરંતુ સુરતમાં બનેલી વસ્તુનું સુરત માં જ વેચાણ થાય. લોકોએ ગાંધીજીના વિચારો તરફ વળવું જ પડશે ને તેની શરૂઆત સ્વદેશીથી થશે. સ્વદેશીના કારણે લોકલ ક્ષેત્રે સ્થાનિકોને રોજગાર મળશે, લોકલ ઇકોનોમીને સમર્થન મળશે. તેમણે કહ્યું હતું કે હાલ લોકોને આ મામલે જાગૃત કરવા થોડા મુશ્કેલ છે કેમકે ટેકનોલોજીનો વ્યાપ ખૂબ વધી રહ્યો છે પરંતુ અમે સતત પ્રયત્નશીલ છીએ જેનો પ્રતિસાદ પણ મળી રહ્યો છે. જ્યારે લોકો સંપૂર્ણપણે સ્વદેશી તરફ વળશે ત્યારે ખરા અર્થમાં ગાંધીજીની વિચારધારાની અમલી થશે.
આ તકે હેલીબેન ત્રિવેદી અબતક સાથેની વિશેષ વાતચીત માં જણાવ્યું હતું કે ચપ્પા ચપ્પા ચરખા ચલેની ઉક્તિને ખરા અર્થ માં આજે ગાંધી સ્મૃતિ ટ્રસ્ટ સાર્થક કરી રહી છે. આજના આધુનિક યુગમાં ગાંધી અને તેમની વિચારધારાનો વ્યાપ વધારવા ચરખા કાંતવાથી માંડીને સ્વદેશીને લગતી તમામ પ્રવૃતિઓ કરવામાં આવી રહી છે. ગત પાંચ દિવસોથી આ પ્રકારના બેચની શરૂઆત કરવામાં આવી છે જેમાં વિદ્યાર્થીઓનો અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો છે. વિદ્યાર્થીઓ આ બેચ માં જોડાવા પડા પડી કરી રહ્યા છે તેવું કહીએ તો પણ અતિશયોક્તિ નહી. હાલ વિદ્યાર્થીઓ ની ૧૦ – ૧૦ બેચ કાર્યરત છે જે એક સાંકળ સ્વરૂપે ચાલી રહી છે પહેલાં એક બેચ પોતે શીખે અને તે બેચ પછી આગળની બેચને શીખવાડે તે પ્રકારે હાલ આ પ્રવૃત્તિ વધી રહી છે. ઉપરાંત તેમણે કહ્યું હતું કે ગાંધીજી ના વિચારો જેવા કે સ્વરાજ્ય, સ્વદેશી અને સ્વનિર્ભરતા એ અત્યંત મહત્વપૂર્ણ છે જેનો વ્યાપ અમે આ વર્કશોપના માધ્યમથી વધારી રહ્યા છીએ.