વજન ઘટાડવા માટે ભાત અને રોટલી ખાવાનું ટાળતા લોકો માટે ખાસ વાંચવા જેવું
ખાવા પીવાના શોખીનો જમવા બેસે ત્યારે ૫૬ ભોગ પીરસવામાં આવે અને જો એવા રોટલી કે ભાત ન હોય તો સંતોષ મળતો નથી. એવી જ રીતે ઘણા લોકો એવા છે જે હોટલમાં ભલેને જમવા ગયા હોય પરંતુ રોટલી અને ભાત જયાં સુધી ન ખાય ત્યાં સુધી તેમને અમીનો ઓડકાર આવતો નથી. સામાન્ય રીતે રસોઈ ઘરમાં રોટલી અને ભાત બનતા જ હોય છે જે ભારતીય ખોરાકનું હૃદય છે. પરંતુ આજના સમયમાં વજન ઘટાડવાની હરોળમાં કેટલાક લોકોએ રોટલી અને ભાત ખાવાનું જ બંધ કરી દીધું છે.
જો તમને ભોજનમાં રોટલી કે ભાત બન્નેમાંથી માત્ર એક જ લેવાનો વિકલ્પ આપવામાં આવે તો ? મહતમ અંશે લોકો તેને સ્વીકારતા નથી. શરૂઆત શાક-રોટલીથી અને અંત દાળ-ભાતથી ન થાય ત્યાં સુધી ભોજન અધૂરું ગણાતું હોય છે. રોટલી આખા ઘઉંના લોટમાંથી તૈયાર થતું સૌથી વધુ સ્વાસ્થ્યવર્ધક ખોરાક છે. ત્યારે ભાત પણ ખૂબજ હેલ્ધી અને બેટર ઓપશન છે. ઘણી વખત લોકો ભાત અને રોટલીમાંથી કોઈ એક ખોરાક ખાવાનું છોડી દેતા હોય છે અને વજન ઘટાડવા માટે છોડયા હોવાનું કહેતા હોય છે પરંતુ શું હકીકતમાં રોટલી કે ભાત છોડવાની વજન ઘટે છે ?
રોટલી અને ભાતમાં કાર્બો હાઈડ્રેટ અને કેલેરીની માત્રા લગભગ સરખી હોય છે. માટે કહી શકાય કે, તે શરીરના બ્લડ પ્રેસરને સરખી રીતે નિયંત્રીત કરે છે. રોટલી અને ભાત બન્નેમાં પુરતા પ્રમાણમાં જ આઈરનની માત્રા હોય છે. આમ રોટલી અને ભાતના ગુણો તો સરખા છે પરંતુ તેમાંથી મળતા કેટલાક ન્યુટ્રીયન્સ વિવિધ પ્રકારના છે. ભાતની સરખામણીએ રોટલીમાં ઉંચી માત્રામાં ડાયેટરી ફાયબર હોય છે. એટલે તમે રોટલી ખાવ તો લાંબા સમય સુધી પેટ ભર્યું રહે છે. જયારે ભાતમાં વધુ પ્રમારમાં સ્ટાર્ચ હોવાથી તે જલ્દી પચી જાય છે. રોટલીમાં પોટેશીયમ, મેગ્નેશીયમ, સોડીયમ અને પ્રોટીન જેવા વિટામીન તત્ત્વો હોય છે. પરંતુ આમ છતાં ભાતના ગુણોને અવગણી ન શકાય. જો હેલ્ધી લાઈફ સ્ટાઈલ જોઈતી હોય તો ભાત અને રોટલીને યોગ્ય પ્રમાણમાં ખોરાકમાં લેવાની સાથે કસરત પણ જરૂરી છે. વજન ઘટાડવા માટે માત્ર ભાત અને રોટલી બંધ કરી દેવાથી વજન ઘટતો નથી તેના માટે શારીરિક કસરત પણ ખૂબજ જરૂરી છે. આમ રોટલી અને ભાત બન્ને હેલ્થ માટે વરદાન સ્વરૂપ છે પરંતુ જો તેનો સમાવેશ યોગ્ય રીતે ડાયેટ ચાર્ટમાં કરવામાં આવે તો જ તે ઉપયોગી નિવડી શકે છે.