નિફટીએ પણ ઈન્ટ્રા-ડેમાં 18000ની સપાટી તોડી: પ્રારંભીક કડાકા બાદ શેરબજારમાં જબ્બર રિકવરી
સપ્તાહના પ્રથમ દિવસે આજે ભારતીય શેરબજારમાં 955 પોઈન્ટની અફરા-તફરી બોલી જવા પામી હતી. એક તબક્કે સેન્સેક્સમાં જોરદાર કડાકો બોલી ગયા બાદ નીચા મથાળે ફરી વેંચવાલીનો દૌર શરૂ થતાં બજારમાં જોરદાર રિકવરી આવી હતી. સેન્સેકસ અને નિફટી ફરી ગ્રીન ઝોનમાં કામકાજ કરવા લાગ્યા હતા. અમેરિકી ડોલર સામે આજે ભારતીય રૂપિયામાં ધોવાણ જોવા મળ્યું હતું. સોનુ અને ચાંદીના ભાવમાં સામાન્ય ઉછાળા રહેવા પામ્યા હતા.
આજે સપ્તાહના પ્રથમ ટ્રેડીંગ સેશનમાં ભારતીય શેરબજારના બન્ને આગેવાન ઈન્ડેક્ષ સેન્સેકસ અને નિફટી રેડ ઝોનમાં ખુલ્યા હતા. વેંચવાલીનું દબાણ વધવાના કારણે આજે ઈન્ટ્રા-ડેમાં સેન્સેક્સ ફરી 61,000ની સપાટી તોડી 60449.68ના નીચલા લેવલે પહોંચી ગયો હતો. જ્યારે નિફટીએ પણ 18000ની મનોવૈજ્ઞાનિક સપાટી તોડી હતી અને ઈન્ટ્રા-ડેમાં 17968નો લો બનાવ્યો હતો. જો કે, ત્યારબાદ રોકાણકારોએ નવેસરથી ખરીદીનો દૌર શરૂ કરતા માર્કેટમાં તેજી પાછી ફરી હતી. ઈન્ટ્રા-ડેમાં સેન્સેકસે 61404.99ની સર્વોચ્ચ સપાટી હાસલ કરી હતી. જ્યારે નિફટીએ આજે ઈન્ટ્રા-ડેમાં 18241નો હાઈ બનાવ્યો હતો.
આજે પ્રથમ દિવસે સેન્સેકસમાં 955 અને નિફટીમાં 273 પોઈન્ટની અફરા-તફરી જોવા મળી હતી. અમેરિકી ડોલર સામે આજે ભારતીય રૂપિયામાં ધોવાણ જોવા મળ્યું હતું. જ્યારે બુલીયન બજારમાં તેજીનો માહોલ રહેવા પામ્યો હતો.આ લખાય રહ્યું છે ત્યારે સેન્સેકસ 220 પોઈન્ટના ઉછાળા સાથે 61042 અને નિફટી 41 પોઈન્ટના ઉછાળા સાથે 18156 પોઈન્ટ પર કામકાજ કરી રહ્યાં છે.
બેંક નિફટીમાં પણ 1000 પોઈન્ટનો ઉછાળો જોવા મળી રહ્યો છે. અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયો 10 પૈસાની નબળાઈ સાથે 74.99 પર ટ્રેડ કરી રહ્યો છે. જે રીતે 61000ની સપાટી તોડ્યા બાદ સેન્સેકસે રિબાઉન્સ થઈ ગ્રીન ઝોનમાં આવી ગયો હતો. તે જોતા એવું લાગી રહ્યું છે. ચાલુ સપ્તાહ દરમિયાન બજારમાં સતત તેજી જળવાઈ રહેશે.