પદાધિકારીઓની ગાડીઓ પણ ઉભી રાખી વેક્સિનના સર્ટિફીકેટ ચેક કરાયા: પ્રવેશ દ્વાર પર જ કડક ચેકીંગથી ટ્રાફિક જામ

 

અબતક, રાજકોટ

રાજ્ય સરકારના આદેશના પગલે આજથી કોર્પોરેશનની તમામ ઝોન કચેરી અને સિવિક સેન્ટર ખાતે વેક્સીનના બંને ડોઝ લેનાર વ્યક્તિને જ એન્ટ્રી આપવાનું શરૂ કરવામાં આવતા ભારે અફરાતફરી જેવો માહોલ સર્જાઇ ગયો હતો. ડેપ્યુટી મેયર અને શાસક પક્ષના નેતા સહિતના પદાધિકારીઓની ગાડીઓ ઉભી રાખી વેક્સીનના સર્ટીફીકેટનું ચેકીંગ શરૂ કરી દેવામાં આવ્યું હતું. પ્રવેશ દ્વાર પર જ કડક ચેકીંગના કારણે ઢેબર રોડ પર ટ્રાફીક જામની સમસ્યા સર્જાઇ હતી અનેક લોકો પાસે વેક્સીનના બંને ડોઝ લીધા હોવાનું પ્રમાણપત્ર ન હોવાના કારણે તેઓએ મુસીબતનો સામનો કરવો પડ્યો હતો.

રાજ્ય સરકાર દ્વારા ગત સપ્તાહે એવો આદેશ આપવામાં આવ્યો હતો કે 1 જાન્યુઆરીથી તમામ સરકારી કચેરીમાં વેક્સીનના બંને ડોઝ લેનાર વ્યક્તિને જ પ્રવેશ આપવામાં આવશે. ગત શનિવારથી કોર્પોરેશનમાં આ નિયમની અમલવારી શરૂ કરવામાં આવી ન હતી. દરમિયાન આજથી વેક્સીનના બંને ડોઝ લીધા હોય તેના સર્ટીફીકેટનું ચેકીંગ કરવામાં આવતું હતું.

જેના કારણે ભારે અફરાતફરી જેવો માહોલ સર્જાઇ ગયો હતો. ડેપ્યુટી મેયર ડો.દર્શિતાબેન શાહ અને શાસક પક્ષના દંડક સુરેન્દ્રસિંહ વાળા સહિતના પદાધિકારીઓની ગાડી પ્રવેશ દ્વાર ખાતે ઉભી રાખીને વેક્સીનના ડોઝ અંગે ચેકીંગ કરવામાં આવ્યું હતું. ઉઘડતાં સપ્તાહે આજે અરજદારોની ભીડ સામાન્ય દિવસો કરતા વધુ માત્રામાં હોય છે. આજથી નવા નિયમની અમલવારી શરૂ કરી દેવામાં આવતા લોકોએ પણ ભારે હાલાકી વેઠવી પડી હતી.

બીજી તરફ જે લોકોએ વેક્સીનનો પ્રથમ ડોઝ લઇ લીધો છે અને બીજો ડોઝ લેવામાં બાકી છે તેવા લોકો માટે એક કાઉન્ટર શરૂ કરવામાં આવ્યું હતું. જે લોકોએ બંને ડોઝ લીધા છે અને તેમણે ઓનલાઇન સર્ટીફીકેટ ડાઉનલોડ કરતા આવડતું નથી તેના માટે પણ અલાયદી સુવિધા ઉભી કરવામાં આવી હતી. જો કે, વેક્સીનના બંને ડોઝ ન લીધા હોય તેવા કોઇ અરજદારને કોઇ અગત્યનું કામ હોય તો કચેરીમાં તેઓને પ્રવેશ આપવામાં પણ આવતો હતો. જડ અમલવારી કરવામાં આવી ન હતી. આ નિયમ પાછળનો એકમાત્ર ઉદેશ તમામ લોકોને 100 ટકા વેક્સીન આપી કોરોના સામે સુરક્ષિત કરવાનો છે.

 

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.