હવે મોટા ઉધોગોને પરવાનગી જીપીસીબીનાં ચેરમેન, મધ્યમ ઉધોગોની પરવાનગી સભ્ય સચિવ તથા નાના ઉધોગોની પરવાનગી પર્યાવરણ ઈજનેર આપશે

કેન્દ્ર સરકાર દ્વારા લઘુ-મધ્યમ અને મોટાઉધોગોની વ્યાખ્યામાં ફેરબદલ કર્યો છે. દેશની અર્થવ્યવસ્થામાં અત્યંત મહત્વપૂર્ણ ભાગ ભજવનાર એમએસએમઈ ક્ષેત્રને કેવી રીતે બેઠુ કરી શકાય તે દિશામાં હાલ સરકાર દ્વારા અનેકવિધ પગલાઓ લેવામાં આવે છે. સરકાર દ્વારા જે માહિતી આપવામાં આવી છે અને લઘુ, મધ્યમ અને મોટા ઉધોગોની વ્યાખ્યા જે બદલાઈ છે તેમાં માઈક્રો ઉધોગો કે જેમાં રોકાણ ૧ કરોડથી ઓછું અને ૫ કરોડથી ઓછું ટર્નઓવર હોય તો તેને નાના ઉધોગોનો દરજજો આપવામાં આવશે જયારે બીજી તરફ સ્મોલ ઉધોગોની જો વાત કરવામાં આવે તો ૧૦ કરોડથી ઓછા રોકાણ અને ૫૦ કરોડથી ઓછું ટર્નઓવર ધરાવતી કંપનીઓને નિર્ધારીત કરાઈ છે એવી જ રીતે ૨૦ કરોડથી ઓછું રોકાણ અને ૧૦૦ કરોડથી ઓછું ટર્નઓવર ધરાવતા ઉધોગોને મીડિયમ સ્કેલ તરીકે પણ પ્રસ્થાપિત કરાયું છે.

જે ઉધોગકારો એમએસએમઈ ક્ષેત્રમાં પોતાનો પગદંડો જમાવવા અથવા પગપેસારો કરવા ઈચ્છતા હોય તો તેઓએ હવે ઓનલાઈન એપ્લીકેશન કરવી પડશે. આ કિસ્સામાં પણ સરકારે ઉધોગોની વ્હારે આવી મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે જેમાં મોટા ઉધોગોની પરવાનગી જીપીસીબીનાં ચેરમેન દ્વારા આપવામાં આવશે જયારે મીડિયમ ઉધોગો સ્થાપિત કરવા ઈચ્છતા ઉધોગકારોને પરવાનગી સભ્ય સચિવ દ્વારા અપાશે. અંતે જે નાના અને માઈક્રો ઉધોગ સ્થાપિત કરવા ઈચ્છતા હોય તે માટેની પરવાનગી પર્યાવરણ ઈજનેર દ્વારા અપાશે. સરકારનું માનવું છે કે, આ પ્રક્રિયા હાથ ધરાતાની સાથે જ જે પારદર્શકતાનો અભાવ જોવા મળતો હતો તે હવે જોવા નહીં મળે. બીજી તરફ લઘુ ઉધોગો સ્થાપિત કરવા ઈચ્છુક ઉધોગકારોને ઘણીખરી તકલીફોનો સામનો પણ કરવો પડતો હતો તેમાં તેઓને પરવાનગીને લઈ ઉદભવિત થતા પ્રશ્ર્નોમાં પણ ઘણા ફેરબદલ જોવા મળતા હતા જે હવે પૂર્ણત: શકય થઈ જશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.