સવારે ગુલાબી ઠંડી અને બપોર બાદ બફારાનો અનુભવ થતા મિશ્ર ઋતુનો માહોલ
સૌરાષ્ટ્ર-કચ્છમાં શિયાળો પુરેપુરો બેસે તે પહેલા જ મિશ્ર ઋતુનો માહોલ જોવા મળી રહ્યો છે. તાપમાનનો પારો છેલ્લા બે દિવસથી ૨ થી ૪ ડિગ્રી ઉંચકાયો છે જેને લઈને વાત કરીએ તો સવારે અને મોડીરાતે ઠંડીનો અહેસાસ થાય છે અને બપોરે બફારાનો અનુભવ થતા મિશ્ર ઋતુનો માહોલ જોવા મળી રહ્યો છે.
રાજકોટમાં સતત ચાલતા મિશ્ર ઋતુનાં દૌર વચ્ચે ગઈકાલે અને આજે ઠંડીનો ચમકારો અનુભવ્યા બાદ તાપમાનો મહતમ પારો ૩૩.૭ ડિગ્રી સુધી પહોંચતા ઠંડી ગાયબ થવા સાથે સવારે ફુલ ગુલાબી ઠંડીનો અહેસાસ લોકોને થતો હતો. આજે સવારે હવામાં ૮૨ ટકા ભેજ નોંધાયો હતો. પવનની સરેરાશ ઝડપ ૪ કિલોમીટર પ્રતિકલાકની રહી હતી. આજે વહેલી સવારે રાજકોટનું લઘુતમ તાપમાન ૧૯.૧ ડિગ્રી નોંધાયું છે. હજુ ચાલુ મહિનામાં સામાન્ય ઠંડી સાથે મિશ્ર ઋતુનો માહોલ રહેશે તેવી શકયતા હવામાન વિભાગે દર્શાવી છે.
ચાલુ સપ્તાહમાં ઉતર-પૂર્વનાં સુકા પવનની અસર હેઠળ લગભગ તમામ સ્થળે તાપમાનનો પારો પટકાતા ઠંડીનો ચમકારો શરૂ થયો હતો. મોટાભાગનાં સ્થળોએ લઘુતમ તાપમાનનો પારો ૧૫ ડિગ્રી કે તેની નજીક પહોંચવા પામ્યો હતો જોકે છેલ્લા બે થી ત્રણ દિવસમાં પારો ગગડવાના બદલે ઉંચકાયો છે અને ઠંડીએ પોતાનો મિજાજ બદલ્યો છે. આ દરમિયાન લોકોએ સામાન્ય ઠંડીનાં ચમકારાનો અનુભવ કરાવી કુદરતે મુડ બદલી દીધો છે. દિવસે ગરમી અને બફારાનું પ્રમાણ અને સવારે અને રાતે ગુલાબી ઠંડીનો લોકો અનુભવ કરી રહ્યા છે.
આજે સવારે ૮:૩૦ કલાકે અમદાવાદનું લઘુતમ તાપમાન ૧૮.૬ ડિગ્રી, ડિસાનું ૧૯ ડિગ્રી, વડોદરાનું ૧૯ ડિગ્રી, સુરતનું ૨૨ ડિગ્રી, રાજકોટનું ૧૯.૧ ડિગ્રી, ભાવનગરનું ૨૦.૪ ડિગ્રી, વેરાવળનું ૨૧.૯ ડિગ્રી, દ્વારકાનું ૨૨ ડિગ્રી, ઓખાનું ૨૩.૯ ડિગ્રી, ભુજનું ૧૮.૨ ડિગ્રી, સુરેન્દ્રનગરનું ૨૦ ડિગ્રી, નલીયાનું ૧૮ ડિગ્રી, ન્યુ કંડલાનું ૧૯.૩ ડિગ્રી, ગાંધીનગરનું ૧૭.૪ ડિગ્રી, મહુવાનું ૧૮.૭ ડિગ્રી, દિવનું ૨૦.૮ ડિગ્રી, વલસાડનું ૨૦.૧ ડિગ્રી અને વલ્લભવિદ્યાનગરનું ૨૦.૨ ડિગ્રી જેટલું લઘુતમ તાપમાન નોંધાયું હતું. હવામાન વિભાગની આગાહી મુજબ ચાલુ મહિને વાતાવરણમાં મિશ્ર ઋતુ સર્જાશે જોકે ડિસેમ્બરનાં આરંભે ઠંડીનું જોર વધે તેવી શકયતા સેવાઈ રહી છે.
હવામાન વિભાગનાં જણાવ્યા અનુસાર ૧૫ નવેમ્બરથી શિયાળાનો વિધિવત પ્રારંભ થવાનો હતો જોકે છેલ્લા અઠવાડિયાથી સૌરાષ્ટ્ર સહિત ગુજરાતભરમાં મિશ્ર ઋતુ વર્તાઈ રહી છે. સવારે અને મોડીરાત્રે લોકોને ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે અને બપોરનાં સમયે એકદમ બફારાનો અનુભવ થાય છે. વહેલી સવારે ઠંડીમાં વોકિંગ કરવા માટે લોકો નિકળી રહ્યા છે. ગરમ વસ્ત્રોની પણ માંગ વધી છે જોકે શિયાળાનું જોર હજુ વઘ્યું નથી. આગામી સમયમાં એટલે કે ડિસેમ્બરનાં પ્રારંભે શિયાળાનું જોર વધે તેવી શકયતા દેખાઈ રહી છે. સમગ્ર રાજયમાં છેલ્લા બે દિવસથી મહતમ તાપમાનનો પાર ૨ થી ૪ ડિગ્રી સુધી ઉંચકતા સવારે ખુશનુમા હવામાન અને બપોર પછી લોકોને બફારાનો અનુભવ થતો જોવા મળે છે. મોટાભાગનાં સ્થળોએ લઘુતમ તાપમાનનો પારો પટકાતા ૧૫ ડિગ્રી કે તેની નજીક નોંધાવવા લાગ્યો હતો. નલીયામાં બે દિવસ પહેલા ૧૩.૬ ડિગ્રી સુધી તાપમાન નીચે પટકાતા લોકોને ઠંડીનો અહેસાસ થઈ રહ્યો હતો અને ચાલુ સપ્તાહથી શિયાળાનો સેટ થઈ જશે. મોટાભાગનાં સ્થળે તાપમાન ૧૫ ડિગ્રી આસપાસ થશે તેવું અનુમાન લગાવાયું હતું જોકે મિશ્ર ઋતુ હોવાથી શિયાળાએ ઠંડીનું જોર પકડયું નથી પરંતુ ડિસેમ્બર મહિનામાં ઠંડીનું પ્રમાણ વધે અને પારો ૧૨ થી ૧૩ ડિગ્રી સુધી પહોંચી જાય તેવું અનુમાન લગાવાઈ રહ્યું છે. સૌરાષ્ટ્ર સહિત રાજયભરમાં ઠંડીની ધીમે-ધીમે શરૂઆત થઈ રહી છે ત્યારે લોકો સવારે અને રાત્રીનાં સમયે ગરમ વસ્ત્રો ધારણ કરી વોકિંગ માટે નિકળી રહ્યા છે. રાજકોટમાં સતત ચાલતા મિશ્ર ઋતુનાં દૌર વચ્ચે મંગળવાર, બુધવાર અને ગુરુવારે અને આજે સામાન્ય ઠંડીનો ચમકારો અનુભવ્યા બાદ તાપમાનનો પારો ૧૫ ડિગ્રી જેટલો ઉંચકતા ન્યુનતમ તાપમાન ૧૮.૭ ડિગ્રીએ પહોંચતા ફુલગુલાબી ઠંડીનો અહેસાસ લોકોને થતો હતો. રાજકોટમાં સવારે ૭૫ ટકા જેટલો ભેજ નોંધાયો હતો. પવનની ઝડપ સરેરાશ ૪ કિલોમીટર પ્રતિ કલાકની રહી હતી તો ગઈકાલે મહતમ તાપમાન ઉંચકાઈને ૩૩.૭ ડિગ્રી સુધી પહોંચી ગયું હતું હજુ ચાલુ મહિનામાં આ પ્રકારે સામાન્ય ઠંડી સાથે મિશ્ર ઋતુનો માહોલ ચાલુ રહેશે તેવી શકયતા હવામાન વિભાગે દર્શાવી છે.