રાજ્યની માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક સ્કૂલોની પ્રથમ પરીક્ષા ૧૪મી સપ્ટેમ્બરથી શરૂ થનાર હતી. પરંતુ હાલમાં સ્કૂલોમાં સ્વચ્છતા પખવાડીયાની ઉજવણી કરવાની સૂચના આપવામાં આવેલ છે. જેથી શિક્ષણ વિભાગે પરીક્ષા કરતાં સ્વચ્છતા ઉજવણીને વધુ મહત્ત્વ આપી પરીક્ષાના કાર્યક્રમમાં ફેરફાર કરી દીધો છે. જેમાં હવે તમામ સ્કૂલોની પ્રથમ પરીક્ષા ૩જી ઓક્ટબરથી શરૂ થશે જે ૧૩મી સુધીમાં પૂર્ણ કરવાની રહેશે
કારણ કે, શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરાયેલ કેલેન્ડરમાં ૧૬મી ઓક્ટોબરથી દિવાળી વેકેશન પડી જાય છે. જેથી દિવાળી વેકેશન પહેલાં પરીક્ષા પૂર્ણ કરવાની સૂચના આપવામાં આવી છે. શિક્ષણ બોર્ડ દ્વારા સ્કૂલોના આખા વર્ષના વિવિધ કાર્યક્રમો, પરીક્ષા તેમજ વેકેશનની તારીખ સાથેના કાર્યક્રમનું કેલેન્ડર જાહેર કરવામાં આવતું હોય છે. ત્યારે આ વખતે જાહેર કરેલ કેલેન્ડર મૂજબ પ્રથમ પરીક્ષાઓ ૧૪મી સપ્ટેમ્બરથી શરૂ થનાર હતી. જોકે એક બાજુ પરીક્ષાઓ શરૂ થતી હતી અને બીજી તરફ ૧લીથી ૧૫મી સપ્ટેમ્બર સુધી સ્કૂલોમાં સ્વચ્છતા પખવાડિયુ ઉજવવાની સૂચના આપવામાં આવી હતી. જોકે એક બાજુ વિદ્યાર્થીઓ પરીક્ષાની તૈયારી કરે કે સ્વચ્છતા પખવાડિયાની ઉજવણી કરે. આમ આ અંગેની ફરિયાદો ઊઠતા શિક્ષણ બોર્ડે આખા કાર્યક્રમમાં ફેરફાર કર્યો છે. બીજી તરફ શિક્ષણ બોર્ડના અધિકારીઓ જણાવે છે કે, આ વખતે થયેલા ધોધમાર વરસાદના પગલે કેટલાક વિસ્તારની સ્કૂલો લાંબા સમયસુધી બંધ રહી હતી જેને કારણે અભ્યાસક્રમ પૂર્ણ થઈ શક્યો નથી. માટે પરીક્ષા કાર્યક્રમમાં ફેરફાર કરાયો છે.