સ્કૂલમાં નક્કી કરાયેલા વિદ્યાર્થીઓની સંખ્યા સામે વધારાના કર્મચારી હશે તો તે જગ્યા રદ કરવામાં આવશે
રાજ્યની ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોમાં વહિવટી કર્મચારીની નિમણૂંક બાબતે સરકારે જોગવાઈઓમાં ફેરફારો કરતા હવે જે તે સ્કૂલમાં વિદ્યાર્થી સંખ્યા મુજબ વહિવટી કર્મચારીઓની નિમણુંક કરવામા આવશે. જે સ્કૂલમાં નક્કી કરાયેલી વિદ્યાર્થી સંખ્યા સામે વધારાના કર્મચારી હશે તે જગ્યાઓ રદ કરવામા આવશે.
શિક્ષણ વિભાગે જાહેર કરેલા નવા ઠરાવની જોગવાઈઓ અને સુધારા મુજબ હવે ૩૦૦થી વધુ વિદ્યાર્થી સામે ધો.૯થી૧૨ની ગ્રાન્ટેડ સ્કૂલમાં એક જ જુનિયર કારકૂન રહેશે જ્યારે ૩૦૧થી૬૦૦ વિદ્યાર્થી સંખ્યા સામે એક સીનિયર અને એક જુનિયર સહિત બે કારકૂન તથા ૬૦૧થી૧૦૦૦ વિદ્યાર્થી સંખ્યા સામે જુનિયર,સીનિયર અને મુખ્ય સહિત ૩ કારકૂનની જગ્યા મંજૂર થશે. ૧૦૦૦થી ૧૪૦૦ વિદ્યાર્થી સંખ્યા સામે ચાર કારકૂન અને ૧૪૦૧થી ૨૦૦૦ની વિદ્યાર્થી સંખ્યા સામે અને બે હજારથી વધુ વિદ્યાર્થી સંખ્યા ધરાવતી સ્કૂલોમાં બે જુનિયર કારકૂન તથા એક સીનિયર અને એક મુખ્ય કારકૂન સાથે એક ઓફિસ સુપ્રિ.સહિત પાંચ જગ્યા મંજૂર થશે.
વિદ્યાર્થીઓની સંખ્યા દર વર્ષે બદલાતી રહે છે તેથી દર વર્ષે નવા માપદંડ મુજબ વિદ્યાર્થીઓની સંખ્યા આધારીત વહિવટી કર્મચારીઓનું સંખ્યા બળ પણ બદલાશે અને જે સ્કૂલોએ કમિશ્નર ઓફ સ્કૂલની કચેરી ખાતેથી નવુ કર્મચારી સેટઅપ મંજૂર કરાવી લેવાનું રહેશે.
નવા સેટ-અપ મજુબ ઘટાડો થયેલ જુનિયર કારકૂન અને સીનિયર કારકૂનની જગ્યાઓ રદ કરવાની રહેશે તેમજ રદ કરેલ જગ્યાઓ નજીકના ભવિષ્યમાં ઉભી પણ નહી કરી શકાય. શિક્ષણ વિભાગે સ્કૂલોમાં ઓફિસ સુપ્રિ.ની નવી જગ્યા મંજૂર કરી છે અને વધારાની જગ્યા માટે નવી બાબત તરીકે રજૂ કરી અલગથી બજેટ જોગવાઈ કરાશે. નક્કી થયેલી વહિવટી કર્મચારી સંખ્યાથી વધુ કર્મચારી સ્કૂલ રાખી શકશે નહી અને તે માટે ગ્રાન્ટ પણ મળશે નહી.મહત્વનું છે કે સ્કૂલોમાં અગાઉની જોગવાઈ મુજબ ૧૦૦૧થી૧૪૦૦ વિદ્યાર્થી સંખ્યા સામે બે સીનિયર કલાર્ક મળતા હતા તેમાં એક કલાર્ક ઘટાડી હેડ ક્લાર્કની જોગવાઈ કરાઈ છે.ઉપરાંત અગાઉ ૨ હજારથી વધુ વિદ્યાર્થી ધરાવતી સ્કૂલોમાં ૬ વહિવટી કર્મચારીની જગ્યા મંજૂર થતી હતી.