- પાસપોર્ટ અંગે પતિ-પત્ની માટે નવો નિયમ
- જાણો શું અને ક્યારે થશે લાગુ
- પાસપોર્ટમાં પત્ની કે પતિનું નામ ઉમેરવું થશે સરળ
- સરકારે નિયમોમાં કર્યો મોટો ફેરફાર
સરકાર દ્વારા પાસપોર્ટ સંબંધિત નિયમોમાં મોટો બદલાવ કરવામાં આવ્યો છે. પાસપોર્ટ અંગે એક નવો નિયમ અમલમાં આવ્યો છે. હવે પતિ-પત્નીએ પાસપોર્ટમાં પોતાનું નામ ઉમેરવા માટે એક નવો દસ્તાવેજ સબમિટ કરવો પડશે. અત્યાર સુધી લાગુ દસ્તાવેજો અંગે એક નવો આદેશ જારી કરવામાં આવ્યો છે. ચાલો જાણીએ કે હવે નવો નિયમ શું છે?
ભારત સરકાર દ્વારા પાસપોર્ટ સંબંધિત એક મહત્વપૂર્ણ અને સહજ ફેરફાર લાવવામાં આવ્યો છે, જે હવે કરોડો ભારતીયોને મોટી રાહત આપશે. વિદેશ મંત્રાલયે જાહેર કર્યું છે કે હવે પાસપોર્ટમાં પતિ કે પત્નીનું નામ ઉમેરવા માટે લગ્ન પ્રમાણપત્ર ફરજિયાત નથી.
મેરેજ સર્ટિફિકેટની જરૂર નહીં રહે
પહેલાં પાસપૉર્ટમાં જીવનસાથીનું નામ ઉમેરવા માટે એક લાંબી પ્રક્રિયામાંથી પસાર થવું પડતું હતું. તેમજ આ માટે મેરેજ સર્ટિફિકેટ પણ રજૂ કરવું ફરજિયાત હતું. પરંતુ હવે નિયમ બદલાતા તમે મેરેજ સર્ટિફિકેટ વગર જ તમારા પાસપૉર્ટમાં તમારા જીવનસાથીનું નામ ઉમેરી શકશો. આ માટે તમારે ફક્ત તમારા બંનેનો ફોટો શેર કરવાનો રહેશે અને તેના પર બંનેની સહી કરવાની રહેશે. આ રીતે, સ્વ-પ્રમાણિત લગ્નના ફોટોગ્રાફને એક દસ્તાવેજ તરીકે ગણવામાં આવશે અને તેના આધારે, જીવનસાથીનું નામ પાસપૉર્ટમાં ઉમેરવામાં આવશે.
વિદેશ મંત્રાલયે આપ્યો Annexure Jનો વિકલ્પ
આ માટે, વિદેશ મંત્રાલય દ્વારા Annexure Jનો વિકલ્પ આપવામાં આવ્યો છે. જેમાં તમારે તમારા લગ્નનો ફોટો અથવા તમારા બંનેનો કોઈપણ અન્ય સંયુક્ત ફોટો અપલોડ કરી શકો છો. આને પ્રમાણપત્ર તરીકે ગણવામાં આવશે. સામાન્ય રીતે, મેરેજ રજિસ્ટ્રેશન એક જટિલ પ્રક્રિયા છે અને લોકો તેનાથી બચવા માટે તેને વર્ષો સુધી પેન્ડિંગ રાખે છે. પછી જ્યારે પણ નોકરીમાં ટ્રાન્સફરની જરૂર પડે છે કે પાસપૉર્ટ વગેરેની જરૂર પડે છે, ત્યારે તેમને સમસ્યાઓનો સામનો કરવો પડે છે. હવે વિદેશ મંત્રાલયે પાસપૉર્ટમાં જીવનસાથીનું નામ ઉમેરવાની સમસ્યાને સંપૂર્ણપણે દૂર કરી દીધી છે.
વિદેશ મંત્રાલયે વિકલ્પ તરીકે જોઇન્ટ ફોટો ડિક્લેરેશનની સુવિધા પૂરી પાડી છે. આ અંતર્ગત પાસપૉર્ટ માટે અરજી કરનારાઓએ પોતાના નામ જાહેર કરવા પડશે. આ પછી તમારે તમારા જીવનસાથીનું નામ દાખલ કરવું પડશે. પછી Annexure J પર જોઈન્ટ ફોટો અપલોડ કરીને બંનેની સહી કરવાની રહેશે.
પાસપૉર્ટમાં જીવનસાથીનું નામ ઉમેરવા લાંબી પ્રક્રિયામાંથી પસાર થવું નહીં પડે
આ ઉપરાંત, અરજદારે જણાવવાનું રહેશે કે પાસપૉર્ટ તેના જીવનસાથીનું નામ દાખલ કર્યા પછી જ જારી કરવો. Annexure Jમાં આપેલા વિકલ્પ હેઠળ, બંનેની સહી અને ફોટોગ્રાફ ઉપરાંત તમારું નામ, આધાર કાર્ડ નંબર, મતદાર ID નંબર અને પાસપૉર્ટ નંબર વગેરેનો પણ ઉલ્લેખ કરવો પડશે. આ મામલે સરકારનું કહેવું છે કે જો બંનેના ડૉક્યુમેન્ટ સાચા છે અને ફોટો હોય તો સ્વ-પ્રમાણિત કરાવવામાં કોઈ સમસ્યા નથી. આનાથી લોકો ગૂંચવણોથી પણ બચી શકશે.
આ બદલાવથી થતા મુખ્ય ફાયદાઓ:
હવે લગ્ન સાબિત કરવા માટે અલગ પ્રમાણપત્રની જરૂર નહીં રહે
પાસપોર્ટ સંબંધિત પ્રક્રિયા વધુ સરળ અને ઝડપી બની
ગ્રામીણ અને દુર્ગમ વિસ્તારોના નાગરિકો માટે વિશેષ રાહત
વિઝા, વિદેશ યાત્રા કે અન્ય દસ્તાવેજોની પ્રક્રિયામાં સરળતા
નાગરિકોને કાયદાકીય ઔપચારિકતાઓમાંથી મુક્તિ મળશે
સરકાર માટે આ ફેરફાર શા માટે જરૂરી બન્યો
ભારતના ઘણાં વિસ્તારોમાં આજે પણ લગ્નનું નોંધણી પ્રમાણપત્ર મેળવવું કઠિન કામ છે. જેના લીધે લોકોને તેમના જીવનસાથીનું નામ સરકારી દસ્તાવેજોમાં દાખલ કરાવવા માટે મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. આ નવી વ્યવસ્થા દ્વારા સરકાર સામાન્ય નાગરિકોને અણગમતી કાયદાકીય જટિલતાઓથી મુક્તિ આપી રહી છે.
આમ, નવેસરથી લાવવામાં આવેલા આ નિયમો નાગરિક અનુકૂળતા તરફ એક મોટું પગલું છે. હવે લોકો તેમના દસ્તાવેજોમાં સરળતાથી જીવનસાથીના નામ ઉમેરવાની પ્રક્રિયા પુરી કરી શકે છે – અને તે પણ કોઈ પણ પ્રકારના ભારે દસ્તાવેજ વિના.
લોકોને રાહત મળશે
આ ફેરફાર ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોના એવા યુગલોને ફાયદો કરાવશે જેમની પાસે લગ્નનો કોઈ લેખિત પુરાવો નથી. વધુમાં, વિદેશ યાત્રા દરમિયાન ઓળખ સંબંધિત સમસ્યાઓ ઓછી થશે. મંત્રાલયનું કહેવું છે કે નાગરિકોની સુવિધા અને ડિજિટલ ઇન્ડિયાના ધ્યેયને ધ્યાનમાં રાખીને આ પગલું લેવામાં આવ્યું છે.
ક્યારે?
નવા નિયમો તાત્કાલિક અસરથી અમલમાં આવ્યા છે. આ સરળ પ્રક્રિયા હેઠળ પાસપોર્ટ સેવા કેન્દ્રો પર હવે અરજીઓ સ્વીકારવામાં આવી રહી છે. આ ફેરફારને પાસપોર્ટ નિયમોને વધુ લવચીક બનાવવાની દિશામાં એક મોટું પગલું માનવામાં આવી રહ્યું છે.
પાસપોર્ટ બનાવવા માટેની ફી અને પ્રક્રિયા
પાસપોર્ટ બનાવવાની ફી ૧૫૦૦ થી ૨૦૦૦ રૂપિયા છે. તાત્કાલિક પાસપોર્ટ મેળવવા માટે તમારે વધારાની ફી ચૂકવવી પડશે. પાસપોર્ટ મેળવવા માટે, વ્યક્તિએ ઓનલાઈન નોંધણી કરાવવી પડશે. https://portal2.passportindia.gov.in વેબસાઇટ પર લોગિન કરો.
નવા વપરાશકર્તા પર ક્લિક કરીને નોંધણી પૃષ્ઠ પર પહોંચો. નોંધણી કરાવ્યા પછી, પાસપોર્ટ સેવા વેબસાઇટ પર જાઓ. તમે જે શહેરમાં પાસપોર્ટ બનાવવા માંગો છો તે ઓફિસ પસંદ કરો. જરૂરી માહિતી ભરો અને રજીસ્ટર પર ક્લિક કરો.