ગુજરાતમાં એગ્રીકલ્ચર એન્ડ પ્રોસેસ્ડ ફૂડ પ્રોડકટસ એકસપોર્ટ ડેવલપમેન્ટ ઓથોરિટીની રિજિયોનલ ઓફિસ શરૂ કરવી જોઇએ: વિજયભાઈ રૂપાણી
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી નવી દિલ્હીમાં હાઇપાવર્ડ કમિટી ઓફ ચીફ મિનીસ્ટર્સ ફોર ટ્રાન્સફોરમેશન ઓફ ઇન્ડીયન એગ્રીકલ્ચરની યોજાયેલી પ્રથમ બેઠકમાં સહભાગી થયા હતા.
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસના ક્ધવીનર પદે આ હાઇપાવર્ડ કમિટીનું ગઠન નીતિ આયોગે કર્યુ છે અને તેમાં ગુજરાતના મુખ્યમંત્રી સહિત યુ.પી., અરૂણાચલ પ્રદેશ, મધ્યપ્રદેશ અને કર્ણાટક તથા હરિયાણાના મુખ્યમંત્રીઓનો પણ સમાવેશ કરવામાં આવેલો છે.
આ હાઇપાવર્ડ કમિટિની મળેલી આ પ્રથમ બેઠકમાં કૃષિ લોન, સૌરઊર્જા, ગ્રામીણ કૃષિ બજાર, ઇ-નામ અને માઇક્રો ઇરીગેશન જેવા વિષયો પર ગહન ચર્ચાઓ હાથ ધરવામાં આવી હતી.
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ બેઠકની ચર્ચાઓમાં ભાગ લેતાં દેશના કિસાનોની આવક બમણી કરવાનો હેતુ પાર પાડવા માર્કેટ સિસ્ટમ બજાર વ્યવસ્થામાં બદલાવની જરૂરિયાત સમજાવતાં કહ્યું કે, ખેડૂતોની આવકની ગણતરી કરવાનો માપદંડ તેના નફા પર આધારિત હોવો જોઇયે. બજારો-માર્કેટની ભુમિકામાં બદલાવ લાવીને ખેડૂતોને સીધો વધુ ફાયદો આપી શકાશે એમ પણ તેમણે ઉમેર્યુ હતું.
વિજયભાઇ રૂપાણીએ આવશ્યક ચીજવસ્તુ ધારો-૧૯પપ, (એસેન્શીયલ કોમોડીટીઝ એકટ-૧૯પપ)ના સંદર્ભમાં સ્પષ્ટપણે જણાવ્યું કે, નાના વેપારીઓ, એફ.પી.ઓ અને અન્ય સંસ્થાઓ દ્વારા ઉત્પાદિત થતા જે પાક માટે કેન્દ્ર સરકાર મિનીમમ સપોર્ટ પ્રાઇસ (લઘુત્તમ ટેકાના ભાવ) જાહેર કરે છે તેવી વસ્તુઓને આ કાયદામાંથી મુકિત અપાવી જોઇએ.
મુખ્યમંત્રીએ આ બેઠકની ચર્ચાઓમાં પોતાના અન્ય સૂચનો રજૂ કરતાં ગ્રામીણ કૃષિ બજારને સ્ટોરેજ ફેસેલીટીઝ સાથે જોડવા-લીન્ક કરવાની ભલામણ કરી હતી.
આ સંદર્ભમાં તેમણે જણાવ્યું કે, જો કોઇ કિસાન બજાર સાથે સંકળાયેલા સ્ટોરેજની સવલતોનો ઉપયોગ કરે તો તેને વેરહાઉસ રસીદ, ક્રેડિટ-લોનની સુવિધા પૂરી પાડવી જોઇયે. સ્થાનિક કક્ષાએ આવા સ્ટોરેજની સ્થાપના ખેડૂતને આ હેતુસર વધુ મદદરૂપ થઇ શકે એવો મત તેમણે દર્શાવ્યો હતો.
મુખ્યમંત્રીએ કૃષિ નિકાસ પ્રોત્સાહન અંગેના સુચનો કરતાં ઉમેર્યુ કે, એગ્રીકલ્ચરલ કોમોડીટીઝમાં કેમીકલ પેસ્ટીસાઇડસના અવશેષોના આંતરરાષ્ટ્રીય ધોરણો સાથે ઇન્ટરનેશનલ ડિમાન્ડના ચોક્કસ ક્ષેત્રો આઇડેન્ટીફાય કરવામાં સરકારની સામેલગીરી વધુ સુદ્રઢ થવી જરૂરી છે.
વિજયભાઇ રૂપાણીએ આયાતકારોની આવશ્યકતા, જરૂરિયાત જાણી શકાય તેમજ તેને અનુરૂપ ઉત્પાદક-ખેડૂત પોતાના ઉત્પાદનોનું ચોક્કસ ગુણવત્તાયુકત વેચાણ કરી શકે તેવી રાષ્ટ્રીય સ્તરની પધ્ધતિ વિકસાવવાની જરૂરિયાત પર ભાર મૂકયો હતો.
મુખ્યમંત્રીએ ગુજરાતમાં કૃષિ નિકાસને પ્રોત્સાહન આપવા હેતુ એગ્રીકલ્ચર એન્ડ પ્રોસેસ્ડ ફૂડ પ્રોડકટસ એકસપોર્ટ ડેવલપમેન્ટ ઓથોરિટી (એપીઈડીએ)ની રિજિયોનલ ઓફિસની રાજ્યમાં સ્થાપના કરવા પણ સૂચવ્યું હતું.
તેમણે પાણી સંશાધનોના કાર્યક્ષમ ઉપયોગ માટે માઇક્રો ઇરીગેશનની હિમાયત પણ કરી હતી. વિજયભાઇ રૂપાણીએ આ સંદર્ભમાં ગુજરાતની સૂર્યશકિત કિસાન યોજના સ્કાયનું ઉદાહરણ આપ્યું હતું.
તેમણે કહ્યું કે, રાજ્ય સરકાર આ સ્કાય યોજના તહેત ૬૦ ટકા સહાય આપે છે તેમજ ૩પ ટકા બેન્ક લોન પણ અપાય છે. રાજ્યમાં માઇક્રો ઇરીગેશનની સ્થાપના માટે સરકાર ૮પ ટકા સુધી સહાય પૂરી પાડે છે એમ તેમણે ઉમેર્યુ હતું.