દેશની પચાસ હજાર ગ્રામ પંચાયતોને ગરીબીમાંથી મુકત કરવા સરકારનો માસ્ટર પ્લાન
ગરીબી, બેરોજગારી જેવા પાયાના પ્રશ્ર્નોના ઉકેલ માટે સરકાર અથાગ પ્રયત્નો કરી રહી છે ત્યારે ગરીબીના પ્રમાણને ચકાસવા સરકારે ગરીબીની વ્યાખ્યામાં ફેરફાર કર્યા છે. જેમાં કહેવાયું છે કે, ગામડાઓમાં રૂ.૧૦,૦૦૦ સુધીની બચત કરનાર લોકો ગ્રામીણ ગરીબ કહેવાશે. આ દ્વારા સરકારે નવો ગરીબી આંક નકકી કર્યો છે.
ગ્રામ પંચાયતોમાં ગરીબીના પ્રમાણને જાણવા સરકારે આ માટે અમુક પેરામીટર્સ નકકી કર્યા છે અને ખાતેદારોના બેંકખાતાઓ પરથી ગામડાઓમાં અર્થતંત્રના વિકાસ અંગે ખ્યાલ મળશે. આ ઉપરાંત, ગ્રામ્ય વિકાસ મંત્રાલયે ગરીબીરેખા માટે એકવીસ પેરામીટર્સ નકકી કર્યા છે. તેમજ મિશન અંત્યોદયા હેઠળ ગ્રામ પંચાયતોના માળખાનું વર્ગીકરણ અને દેશની ૫૦ હજાર પંચાયતોને ગરીબીમુકત કરવાનો લક્ષ્યાંક સેવ્યો છે.
૫૦ હજાર ગ્રામ પંચાયતોને ગરીબીમાંથી બહાર લાવવા અને વિકાસ સાધવા સરકાર ખેતી સિવાયના અન્ય કામો અને રોજગારી પર ભાર મુકશે.
આ ઉપરાંત ગુજરાન માટે બેંક લોન, ડેરી અને પશુપાલન ઉધોગમાંથી રોજગારી મેળવતા લોકો પોતાની આવડતથી ખેતી સિવાયના અન્ય કામોમાંથી રોજગારી, બેકિંગ વ્યવસ્થા વગેરે જેવા પરિબળો પરથી ગ્રામ્ય વિસ્તારોમાં ગરીબી રેખા નકકી થશે.
આ માટે સરકારે ‘ઈન્ફ્રાસ્ટ્રકચર’, ‘સોશ્યલ ડેવલપમેન્ટ એન્ડ પ્રોટેકશન’ અને ‘ઈકોનોમીક’ ડેવલોપમેન્ટ એન્ડ ડાયવર્સીફીકેશન એમ ત્રણ પરિબળો નકકી કર્યા છે. ગ્રામ્ય વિસ્તારોના વિકાસ માટે ત્રણ વર્ષના બાળકોમાં અપુરતા પોષણના પ્રમાણને ઘટાડવું અને રોગોમાંથી મુકત કરવા તેમજ છોકરીઓને ઉચ્ચતર શિક્ષણ મળે તે પર ધ્યાન દેવાશે. દેશની ૫૦ હજાર ગ્રામ પંચાયતોને ગરીબી મુકત કરવા સરકારે આ ૫૦ હજાર ગ્રામ પંચાયતોનું લીસ્ટ પણ બનાવી દીધું છે. જેમાં રોડ, રસ્તા, પાણી, ઈન્ટરનેટ કનેકટીવીટી બેકિંગ વ્યવસ્થા, શિક્ષણની ઉચ્ચ સુવિધા સહિતના પાસાઓ પર પગલા લેવાશે અને ગ્રામ પંચાયતોના હેલ્થી વિકાસ માટે લોકોને સલામત ઘરો મળી રહે તે માટે પણ પ્રયાસો હાથ ધરાશે.