એસ.આર.પટેલ, સમીર ધડુક, જે.પી.રાઠોડ, નિરજ વ્યાસ, એસ.એ.મંકોડી સહિતનાં અધિકારીઓનાં વિભાગ બદલાયા
મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલ દ્વારા જાહેર સેવાનાં હિતાર્થે વહિવટી સરળતા ખાતર આસીસ્ટન્ટ કમિશનર અને આસીસ્ટન્ટ મેનેજર સહિત ૧૨ અધિકારીઓની અરસ-પરસ બદલી કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. આસીસ્ટન્ટ મેનેજર જે.પી.રાઠોડની સામાન્ય વહિવટ વિભાગમાંથી આસીસ્ટન્ટ મેનેજર ટ્રાફિક એન્ડ ટ્રાન્સપોર્ટ શાખા, આરટીઆઈ લીગલ શાખા અને એચ.આર.પટેલ હસ્તકની મધ્યાહન ભોજનને લગતી કામગીરી સોંપવામાં આવી છે. આસીસ્ટન્ટ મેનેજર સમીર ધડુકની વેસ્ટ ઝોન કચેરીની વેરા વસુલાત શાખામાંથી આસિસ્ટન્ટ મેનેજર ધોણીયા હસ્તકની કરસેલની કામગીરી, શોપ એન્ડ એસ્ટાબીલીસ્ટમેન્ટ, એસ્ટેટ વિજિલન્સ ઓફિસર તરીકેની કામગીરી અને મહેકમ શાખાની કામગીરી સોંપવામાં આવી છે. જયારે આસિસ્ટન્ટ કમિશનર એચ.આર.પટેલથી કામનું ભારણ ઘટાડવામાં આવ્યું છે. તેઓને સેન્ટ્રલ ઝોનનાં આસીસ્ટન્ટ કમિશનર તરીકે યથાવત રાખવામાં આવ્યા છે. પ્રોજેકટ, સાંસ્કૃતિક વિભાગ સહિતનાં વિભાગો તેઓની પાસે યથાવત છે.
જયારે મધ્યાહન ભોજનની કામગીરીનું સુપરવિઝન કરવામાંથી તેઓને મુકત કરાયા છે. પ્રોજેકટ શાખાનાં આસીસ્ટન્ટ મેનેજર નિરજ વ્યાસને વેરા વસુલાત શાખા અને ફાયર એન્ડ ઈમરજન્સી વિભાગમાં મુકવામાં આવ્યા છે. જયારે આવાસ યોજના વિભાગમાં હાલ આસીસ્ટન્ટ મેનેજર તરીકે કામગીરી બજાવતા ભુમી પરમારને પ્રોજેકટ શાખાનાં આસીસ્ટન્ટ મેનેજર બનાવાયા છે. આરોગ્ય શાખાનાં આસીસ્ટન્ટ મેનેજર અને ઈન્ચાર્જ કૌશિક ઉનાવાને આવાસ યોજના વિભાગનો હવાલો સોંપાયો છે. સોલીડ વેસ્ટ શાખાનાં આસીસ્ટન્ટ મેનેજર તરીકે ફરજ બજાવતા એન.કે.રામાનુજને કમિશનર વિભાગનાં આસીસ્ટન્ટ મેનેજર બનાવાયા છે. જયારે એસ.એ.મંકોડીને આરોગ્ય શાખામાં આસીસ્ટન્ટ મેનેજરની જવાબદારી સોંપવામાં આવી છે.
ગાંધી મ્યુઝીયમ ખાતેની કામગીરી અને અન્ય કરની કામગીરી કરતા વિપુલ ધોણીયાને મહેકમ શાખામાં મુકાયા છે. મહેકમ શાખાનાં આસીસ્ટન્ટ મેનેજર કાશ્મીરાબેન વાઢેરને સામાન્ય વહિવટ વિભાગનો હવાલો આપવામાં આવ્યો છે. ટ્રાફિક એન્ડ ટ્રાન્સપોર્ટ શાખાનાં આસીસ્ટન્ટ મેનેજર મનિષ વોરાને સોલીડ વેસ્ટ શાખામાં મુકવામાં આવ્યા છે. જયારે ઈસ્ટ ઝોન કચેરીની બાંધકામ શાખામાં જુનિયર કલાર્ક તરીકે જવાબદારી નિભાવતા પ્રણવ પંચોલીને સેન્ટ્રલ સ્ટોર વિભાગમાં ઈન્ચાર્જ સ્ટોર સંચાલકની કામગીરી સોંપવામાં આવી છે.