સૈન્યમાં હવે મહિલાઓને પુરૂષ ‘સમોવડી’ ગણીને પરમેનેન્ટ કમાન્ડ પોસ્ટીંગ આપવા સુપ્રીમ કોર્ટની બંધારણીય બેન્ચનો કેન્દ્ર સરકારને આદેશ

હાલના ૨૧મી સદીના યુગમાં સમાજની પુરૂષપ્રધાનત્વની માનસિકતા વચ્ચે પણ મહિલાઓ તમામ ક્ષેત્રમાં આગળ વધી રહી છે. મહિલાઓને હાલમાં મોટાભાગના ક્ષેત્રોમાં પુરૂષ સમોવડી તરીકેનું સન આપવામાં આવી રહ્યું છે. ત્યારે દેશની સરહદોની સુરક્ષા કરતા સૈન્યમાં અત્યાર સુધી મહિલાઓને અબળા સમજીને પુરૂષ કરતા નીચલા સ્તરની ગણીને કમાન્ડીંગ પોસ્ટ જેવા મહત્વપૂર્ણ સ્થાનો પર નિમણૂંક આપવામાં આવતી ન હતી. આ મુદ્દે સુપ્રીમ કોર્ટમાં થયેલી અપીલની સુનાવણીમાં કેન્દ્ર સરકારે પણ મહિલાઓને અબળા ગણાવવા ઉપરાંત પુરૂષ સૈનિકો મહિલા અધિકારીઓને ઉપરી તરીકે સ્વીકારતા ન હોવાની માનસિકતા ધરાવતા હોવાની રજૂઆત કરી હતી. આ અપીલના ચુકાદામાં સુપ્રીમ કોર્ટની બંધારણીય બેન્ચે ‘અબળા’ની માનસિકતા બદલવા કેન્દ્ર સરકારને ટકોર કરી હતી.

સુપ્રીમ કોર્ટે સોમવારે સેનામાં મહિલા અધિકારીઓને સ્થાયી કમિશનની માંગવાળી અરજી પર સુનાવણી કરતાં કેન્દ્ર સરકારને ફટકાર લગાવી હતી અને મહિલાઓને સેનામાં સ્થાયી કમિશનનો ફેંસલો અમલી કરવા માટે ત્રણ મહિનાની મુદ્દત આપી હતી. ન્યાયમૂર્તિ ડી.વાય. ચંદ્રચૂડ અને અજય રસ્તોગીની ખંડપીઠે મહત્ત્વનો ફેંસલો આપતા કહ્યું હતું કે, સામાજિક અને આર્થિક કારણ બતાવીને મહિલા અધિકારીઓને વંચિત રાખવી ભેદભાવપૂર્ણ છે અને અસ્વીકાર્ય છે. સુપ્રીમ કોર્ટે કડક ટિપ્પણી કરતા કહ્યું હતું કે, કેન્દ્ર સરકારે પોતાના દૃષ્ટિકોણ અને માનસિકતામાં બદલાવ કરવો જોઈએ. સેનામાં મહિલા અધિકારીઓની નિયુક્તિ એક વિકાસવાદી પ્રક્રિયા છે. દિલ્હી વડી અદાલતના ફેંસલા પર મોહર લગાવતાં સર્વોચ્ચ અદાલતે મહિલાઓને સેનાના ૧૦ વિભાગોમાં સ્થાયી કમિશન આપવાનો આદેશ કર્યો હતો.

જોકે, યુદ્ધ ક્ષેત્રમાં મહિલા અધિકારીઓને તૈનાત નહીં કરાય, તમામ નાગરિકોને અવસરની સમાનતા અને લૈંગિક ન્યાય સેનામાં મહિલાઓની ભાગીદારીનું માર્ગદર્શન કરશે તેવું સુપ્રીમે નોંધ્યું હતું. સુપ્રીમકોર્ટે કહ્યું હતું કે, સેનામાં સાચી સમાનતા લાવવી પડશે. ૩૦ ટકા મહિલાઓ વાસ્તવમાં યુદ્ધ ક્ષેત્રમાં તૈનાત છે.

સ્થાયી કમિશન આપવાનો ઈન્કાર પરંપરાગત પૂર્વગ્રહોનું પ્રતિનિધિત્વ કરે છે. મહિલા સેના અધિકારીઓએ દેશનું ગૌરવ વધાર્યું છે તેવું સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું.

admin ajax 1

સુપ્રીમ કોર્ટે  કેન્દ્ર સરકારને આદેશ કર્યો છે કે ઈન્ડિયન આર્મીમાં મહિલાઓને પણ પરમેનેન્ટ કમાન્ડ પોસ્ટિંગ આપવામાં આવે. એટલે કે અત્યાર સુધી મહિલા અધિકારીઓ શોર્ટ સર્વિસ કમિશન દ્વારા ભરતી પામી ૧૪ વર્ષ સુધી કામ કરી શકતી હતી. એ નિયમમાં ફેરફાર કરી તેમને કમાન્ડ પોસ્ટ એટલે કે કર્નલ કે તેનાથી ઉપરના હોદ્દા સુધી પ્રમોશન આપવામાં આવે. અગાઉ કેન્દ્ર સરકારે એવી દલીલ કરી હતી કે મહિલાઓની શારીરિક અને માનસિક સ્થિતિ જોતાં તેમને કમાન્ડ પોસ્ટિંગ આપવું હિતાવહ નથી. પરંતુ સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારની આ દલીલ રદ કરી હતી.

સુપ્રીમ કોર્ટની બંધારણીય બેન્ચે તેના ચુકાદામાં જણાવ્યું હતું કે, મહિલાઓને તેમના હક્કથી વંચિત રાખવા તે તેમના અપમાન સમાન છે. વિવિધ ક્ષેત્રોમાં મહિલાઓ આગેકુચ કરીને અને દેશનું નામ રોશન કરી રહી છે ત્યારે સૈન્યમાં મહિલાઓના પરમેનેન્ટ કમિશન સામે સરકારને વાંધો શું છે ? કેન્દ્ર સરકાર વતી એવી દલીલ કરવામાં આવી હતી કે, લશ્કરમાં કામ કરનારા મોટાભાગના પુરૂષ સૈનિકો હોય તેઓ પોતાના ઉપરી અધિકારી તરીકે મહિલા અધિકારીને સ્વીકારવાની માનસિકતા ધરાવતા નથી. ઉપરાંત સરહદ પર કામ કરવા માટે પણ મહિલાઓને શારીરિક અને માનસિક મુશ્કેલીઓ નડી શકે છે. સુપ્રીમ કોર્ટના આ ચૂકાદા બાદ મહિલા લશ્કરી અધિકારીઓ પોતાની ક્ષમતા અને આવડતથી બઢતી મેળવીને કર્નલથી માંડીને લશ્કરી વડા સુધી જગ્યા પર સ્થાન મેળવી શકશે.

મહિલા અધિકારીઓને હવે ૧૪ વર્ષે ફરજિયાત નિવૃત થવું નહીં પડે!

ભારતીય લશ્કરમાં પહેલેથી મહિલા અધિકારીઓ કાર્યરત છે જ પરંતુ તેમને શોર્ટ સર્વિસ કમિશન હેઠળ ભરતી કરવામાં આવે છે. જેથી તેઓને ૧૦ વર્ષ અને એકસેટેન્શન મળે તો ૧૪ વર્ષ બાદ નિવૃત થવું પડે છે. પરમેનેન્ટ કમિશન આપવાથી તેઓને ૧૪ વર્ષે નિવૃત નહીં થવું પડે. ઉપરાંત તેમને કમાન્ડીંગ પોસ્ટીંગ મળવાથી તેઓને સરહદે તૈનાત કરી શકાશે. યુદ્ધ જેવી સ્થિતિમાં મહિલા અધિકારીઓ નેતૃત્વ પણ કરી શકશે. હાલ ભારતીય લશ્કરમાં અધિકારી કક્ષાની ૧૬૫૩ મહિલાએ છે જે સૈન્યના કુલ અધિકારીઓના ૩.૮૯ ટકા સમાન છે.

સુપ્રીમના ચુકાદાનો અમલ કરવા કેન્દ્રને ત્રણ માસનો સમય અપાયો

સુપ્રીમ કોર્ટની બંધારણીય બેન્ચે તેના ચૂકાદાનો અમલ કરવાનો કેન્દ્ર સરકારને ત્રર માસનો સમય આપ્યો છે. જેથી ત્રણ માસની અંદર કેન્દ્ર સરકારને આ ચૂકાદાનો અમલ કરીને મહિલા અધિકારીઓને પરમેનેન્ટ કમિશન હેઠળ લઈને કમાન્ડીંગ પોસ્ટ પર મુકવા પડશે. આ અગાઉ દિલ્હી હાઈકોર્ટે પણ વર્ષે ૨૦૧૦માં સૈન્યમાં મહિલા અધિકારીઓને પરમેનેન્ટ કમિશન હેઠળ નિમણૂંક આપવા હુકમ કર્યો હતો. સુપ્રીમ કોર્ટના આ ચૂકાદાને સૈન્યની મહિલા અધિકારીઓએ સ્વાગત કરીને જણાવ્યું હતું કે, જે પણ મહિલા અધિકારી આ પદ માટે લાયક કરે તેને કમાન્ડીંગની જવાબદારી સોંપવી જોઈએ.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.