સાફ સફાઈના વિવિધ પાસાઓ પર રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના સચિવો પાસેથી તાત્કાલિક મંતવ્યો મેળવવા સૂચન
સુપ્રીમ કોર્ટે બુધવારે ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલયના સચિવને સામાજિક ન્યાયના પ્રભારી તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના સચિવો સાથે વિવિધ પાસાઓ પર ચર્ચા કરવા માટે બેઠક બોલાવવા જણાવ્યું હતું. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને કહ્યું છે કે, હાલની તારીખમાં પણ મેલું સાફ કરવા માટે સફાઈ કામદારનો ઉપયોગ થઇ રહ્યો છે ત્યારે તાત્કાલિક અશરથી આ પદ્ધતિ બદલવાની જરૂરિયાત છે.
ન્યાયમૂર્તિ રવિન્દ્ર ભટ અને દીપાંકર દત્તાની બેન્ચે એમિકસ ક્યુરી અને એડિશનલ સોલિસિટર જનરલને કોર્ટમાં બેઠક માટે સંભવિત ‘ચર્ચા મુદ્દાઓ’ સૂચવવા માટે પણ નિર્દેશ આપ્યો હતો.
કોર્ટ દેશમાં મેલું સાફ કરવા મેન્યુઅલ સફાઈ કામદારોની ભરતી પર અંકુશ લગાવવા માટે પગલાં લેવાની અરજી પર વિચારણા કરી રહી હતી. ફેબ્રુઆરીમાં કોર્ટે યુનિયન ઓફ ઈન્ડિયાને મેન્યુઅલ સ્કેવેન્જર્સ તરીકે રોજગાર પર પ્રતિબંધ અને તેમના પુનર્વસન અધિનિયમ, 2013 મુજબ મેન્યુઅલ સફાઈ કરવાની પદ્ધતિને અટકાવવા માટે લીધેલા પગલાંને રેકોર્ડ પર મૂકવાનો નિર્દેશ આપ્યો હતો.
સફાઈ કર્મચારી આંદોલનના ચુકાદામાં કોર્ટે મેન્યુઅલ સફાઈ કામદારોના પુનર્વસન માટે ઘણી માર્ગદર્શિકા જારી કરી હતી. જેમાં રોકડ સહાય, તેમના બાળકો માટે શિષ્યવૃત્તિ, રહેણાંક પ્લોટની ફાળવણી, આજીવિકા કૌશલ્યની તાલીમ અને માસિક સ્ટાઈપેન્ડ, રાહત લોન વગેરેનો સમાવેશ થાય છે. ગટરમાં મેલું સાફ કરવાના મામલે મૃત્યુના કેસોમાં લઘુત્તમ વળતર નિર્ધારિત પણ જારી કર્યું અને રેલ્વેને પાટા પર મેન્યુઅલ સફાઈ પર પ્રતિબંધ મુકવા અંગે પણ નિર્દેશ આપ્યા હતા.
સુનાવણી દરમિયાન એમિકસના એડવોકેટ કે પરમેશ્વરે બેંચને માહિતી આપી હતી કે, ભારતીય રેલ્વેએ રક્ષણાત્મક ગિયરનો ઉપયોગ કરીને ‘ઈન્સેનેટરી લેટ્રીન’ માટે સફાઈ કામદારોને કામે રાખ્યા છે. આ મેન્યુઅલ સ્કેવેન્જિંગની વ્યાખ્યામાંથી છટકી જાય છે, એમ તેમણે જણાવ્યું હતું.હવે આ મામલે વધુ સુનાવણી 19 એપ્રિલના રોજ થનારી છે.