- ધોરણ 12 સામાન્ય પ્રવાહ બોર્ડની પરીક્ષાની તારીખોમાં ફેરફાર
- હોળી ધુળેટીના તહેવારોને કારણે 13 માર્ચે પૂરી થતી પરીક્ષા હવે 17 માર્ચે પૂરી થશે
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા 15 ઓક્ટોબરના રોજ ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરી દેવામાં આવ્યો હતો. પરંતુ હવે આ કાર્યક્રમમાં એક નાનો ફેરફાર કરવામાં આવ્યો છે. તેમજ ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષામાં ફેરફાર થયો છે. ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષા 27 ફેબ્રુઆરીથી શરૂ થશે અને 17 માર્ચ દરમિયાન યોજાવામાં આવશે.
શું થયો ફેરફાર
શિક્ષણ બોર્ડના જૂના કાર્યક્રમ પ્રમાણે ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 14 માર્ચે પરીક્ષા હતી. પરંતુ 14 માર્ચે ધૂળેટીની જાહેર રજા હોવાને કારણે પરીક્ષામાં ફેરફાર કરવામાં આવ્યો છે. ત્યારે હવે 13 અને 14 માર્ચે બોર્ડની પરીક્ષા દરમિયાન હોળી અને ધૂળેટીની રજા રહેશે.આ દરમિયાન શિક્ષણ બોર્ડ દ્વારા પોતાની સત્તાવાર વેબસાઈટ પર પરીક્ષાનો નવો કાર્યક્રમ જાહેર કરી દેવામાં આવ્યો છે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના સંયુક્ત નિયામકે પરિપત્ર જાહેર કરીને જણાવ્યુ હતું કે ધોરણ-10 (SSC), સંસ્કૃત પ્રથમા અને ધોરણ-12 (HSC) વિજ્ઞાન પ્રવાહ તથા સામાન્ય પ્રવાહ, ઉચ્ચતર ઉત્તર બનિયાદી પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, સંસ્કૃત મધ્યમાના વિદ્યાર્થીઓની ફેબ્રુઆરી-માર્ચ-2025માં લેવાનાર મુખ્ય પરીક્ષા-2025નો કાર્યક્રમ તા.15-10-25 ના રોજ બોર્ડની વેબસાઈટ પર પ્રસિધ્ધ કરવામાં આવ્યો હતો. જેમાં રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2024-25ની જાહેર રજાઓ જાહેર કરવામાં આવી હતી.
ધૂળેટીની રજા તારીખ 14-03-2025 ના રોજ જાહેર થઈ હોવાથી હોળી 13-03-2025 ના રોજ ઉજવાશે. આ દરમિયાન ફક્ત ધોરણ-12 સામાન્ય પ્રવાહની પરીક્ષાના કાર્યક્રમમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જે મુજબ ધોરણ-12 સામાન્ય પ્રવાહની બોર્ડની પરીક્ષા તા.27-02 થી 17-03 દરમિયાન યોજાશે. આ રીતે ધોરણ-12 સામાન્ય પ્રવાહની પરીક્ષાનો સુધારેલ કાર્યક્રમ બોર્ડની વેબસાઈટ www.gseb.org ઉપર મૂકવામાં આવેલ છે. જેની નોંધ લાગુ પડતા તમામ વિદ્યાર્થીઓએ, વાલીઓએ તથા શાળાના આચાર્યએ લેવું તેવું યાદીમાં જણાવવામાં આવ્યું છે.