ડિપ્લોમાથી ડિગ્રીમાં પ્રવેશ માટે આગામી શૈક્ષણિક વર્ષથી પ્રવેશ પરીક્ષા લેવાની જાહેરાત કરવામાં આવી છે. તાજેતરમાં પ્રવેશ પરીક્ષા માટેનો સીલેબસ પણ જાહેર કરી દેવાયો હતો.આ સીલેબસમાં કેમિસ્ટ્રી વિષયના 50 માર્કસના પ્રશ્નો રાખવામાં આવતાં ભારે વિવાદ ઉભો થયો હતો. જેના અનુસંધાનમાં ઉચ્ચસ્તરે કરાયેલી રજૂઆતો બાદ ડી ટુ ડી માટેની પ્રવેશ પરીક્ષાના સીલેબસમાં સુધારો કરવાની જાહેરાત કરી દીધી છે. ધો.10 પછી ડિપ્લોમાં અભ્યાસ કર્યા બાદ સીધા ડિગ્રી ઇજનેરીના બીજા વર્ષમાં પ્રવેશ માટે અત્યાર સુધી સીધા પ્રવેશ ફાળવવામાં આવતાં હતા. નવા શૈક્ષણિક વર્ષથી હવે પ્રવેશ પરીક્ષાના આધારે વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
હવે વિદ્યાર્થીઓએ નવા સીલેબસ પ્રમાણે પ્રવેશ પરીક્ષા આપવાની રહેશે
વિદ્યાર્થીઓએ પ્રવેશ પરીક્ષા કયા આધારે આપવી તે માટે એસીપીસી એટલે કે એડમીશન કમિટી દ્વારા તાજેતરમાં 200 માર્કસનો સીલેબસ પણ જાહેર કરી દેવામાં આવ્યો હતો. આ સીલેબસમાં કેમિસ્ટ્રી વિષયના 50 માર્કસ રાખવામાં આવ્યા હતા. ડિપ્લોમા ઇજનેરીમાં આઇ.ટી., કોમ્પ્યુટર સહિતના કેટલીક બ્રાન્ચમાં પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓએ કેમિસ્ટ્રી વિષય ભણવાનો આવતો નથી. આમ, સીલેબસ જાહેર થતાની સાથે જ વિદ્યાર્થીઓમાં ભારે નારાજગી ઉભી થઇ હતી. આ ઉપરાંત વાલીઓ દ્વારા આ મુદ્દે ઉચ્ચસ્તરે રજૂઆતો પણ કરવામાં આવી હતી.
સીલેબસ યથાવત રાખવામાં આવે તો ડિપ્લોમા આઇ.ટી.-કોમ્પ્યુટર સહિતના કેટલીક બ્રાન્ચોમાં અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓને ડિગ્રીમાં પ્રવેશ માટે ભારે મુશ્કેલી ઉભી થાય તેમ હતી. બીજીબાજુ અન્ય બ્રાન્ચના વિદ્યાર્થીઓ કેમિસ્ટ્રી વિષય ભણ્યા હોવાથી તેઓ સારા માર્કસ મેળવીને ડિગ્રીમાં આઇ.ટી.-કોમ્પ્યુટર જેવી બ્રાન્ચમાં પ્રવેશ મેળવી લેશે તેવી આશંકા પણ ઉભી થઇ હતી. જેના કારણે સ્વનિર્ભર ડિપ્લોમા કોલેજ એસો. દ્વારા ટેકનિકલ શિક્ષણ વિભાગને પત્ર લખીને ડિપ્લોમાથી ડિગ્રીમાં પ્રવેશ માટે પરીક્ષા સ્થગિત કરવા અથવા તો સીલેબસમાં ફેરફાર કરવાની રજૂઆત કરવામાં આવી હતી.
આમ, સીલેબસને લઇને વિવાદ વધુ ઉગ્ર બને તે પહેલા જ પ્રવેશ સમિતિ એટલે કે સીલેબસ તૈયાર કરનારી બોડી એસીપીસી દ્વારા પ્રવેશ પરીક્ષા માટેના સીલેબસમાં ફેરફાર કરવાની જાહેરાત કરી દીધી છે. તાજેતરમાં ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી અને પ્રવેશ સમિતિની સંયુક્ત બેઠક મળી હતી. આ બેઠકમાં કેમિસ્ટ્રીના 50 માર્કસ રાખવામાં આવ્યા હતા જેના સ્થાને હવે ધો.10ના અભ્યાસક્રમમાંથી 20 માર્કસના પ્રશ્નો લેવામાં આવશે, આ સાથે જ બેઝીક ઇજનેરીના 20 માર્કસ અને ફિઝિક્સના અગાઉ 50 માર્કસ હતા તે વધારીને 60 માર્કસ કરવામાં આવ્યા હતા. આમ, હવે વિદ્યાર્થીઓએ નવા સીલેબસ પ્રમાણે પ્રવેશ પરીક્ષા આપવાની રહેશે.