માતા,પિતા,દાદા,દાદી સફાઈ કામદાર રહી ચુકયા હોય તેવા ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે

રાજકોટ મહાનગરપાલિકામાં આજે સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં સફાઈ કામદારોની ભરતી કરવા માટે નવા ધારાધોરણ નિયત કરવાની દરખાસ્તને બહાલી આપવામાં આવી હતી. અરજીની સંખ્યા વધારે હોય આવા કિસ્સામાં કોમ્પ્યુટરાઈઝ ડ્રો કરીને ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે.

આ અંગે વધુ માહિતી આપતા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ઉદયભાઈ કાનગડે જણાવ્યું હતું કે, હાલ કેન્દ્ર સરકાર દ્વારા સ્વચ્છ ભારત મિશન ચલાવવામાં આવી રહ્યું છે. મહાપાલિકાની હદમાં ભળેલા કોઠારીયા અને વાવડી સહિતના તમામ ૧૮ વોર્ડમાં સફાઈ વ્યવસ્થા સુદ્રઢ બનાવી જરૂરી છે. મહાપાલિકામાં મંજુર થયેલા સેટઅપને ધ્યાનમાં રાખીને સફાઈ કામદારોની ભરતી કરવાની જરૂરીયાત છે. છેલ્લા ઘણા સમયથી જુદા-જુદા સંગઠનો દ્વારા સફાઈ કામદારોની ભરતી અંગે રજુઆત કરવામાં આવી હોય આજે ભરતી કરવા માટે નવા ધારા-ધોરણો નકકી કરવાની દરખાસ્તને બહાલી આપવામાં આવી છે જેમાં સફાઈ કામદારની ભરતી માટે અરજી કરનાર ઉમેદવારની વય મર્યાદા ૧૮ થી ૪૦ વર્ષ વચ્ચેની હોવી જોઈએ. ઉમેદવાર અને તેનો પરીવાર ઓછામાં ઓછા ૨૦ કે તેથી વધુ વર્ષથી રાજકોટમાં વસવાટ કરતો હોવો જોઈએ. આ ઉપરાંત તેના માતા/પિતા, દાદા/દાદી મહાપાલિકામાં સફાઈ કામદાર તરીકે રહી ચુકયા હોય તેની જ પસંદગી કરવામાં આવશે. જે પરીવારના કોઈપણ વ્યકિત સરકારી, અર્ધ સરકારી, પબ્લીક સેકટર યુનિટમાં નોકરી ન કરતા હોય તેની પસંદગી કરવામાં આવશે જો નિયત સંખ્યા કરતા વધારે અરજીઓ આવી હોય તો આવામાં કોમ્પ્યુટરાઈઝડ ડ્રો કરી ઉમેદવારની પસંદગી કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.