- જામનગર સહિતનો હાલાર પંથક એટલે જીરુંનો ગઢ
- વાતાવરણમાં બદલાવ આવતા જીરુના પાકમાં 50 ટકા નુકસાનનો દાવો
- અંતમાં જીરૂમાં રોગચાળો આવતા ખેડૂતોને નુકશાન
જામનગર સહિતનો હાલાર પંથક એટલે જીરુંનો ગઢ. અહી જીરૂનું સૌથી સારું વાવેતર થાય છે અને ઉત્પાદન પણ થાય છે. તેમજ જીરુનું હોંશભેર વાવેતર કરી અને ખેડૂતો ખૂબ સારા ઉત્પાદનની આશા રાખી રહ્યા હતા. જીરુના પાકને વાતાવરણ ખૂબ અસર કરતું હોવાથી ઝાકળને લઈ જીરૂમાં રોગ આવતા હોય છે. આથી વાતાવરણમાં પલટો આવતાની સાથે જ તાત્કાલિક જંતુનાશક દવાની શરૂઆત કરતાં હોય છે, છતાં પણ હાલ જીરૂમાં સુકારા નામનો અને કારિયા નામનો રોગ આવી ગયો છે. પરંતુ વાતાવરણમાં બદલાવ આવતા જીરુના પાકમાં હાલ 50 ટકા જેટલો ઘટાડો નોંધાય તેવો ખેડૂતો દાવો કરી રહ્યા છે. આ સમયે હવે અંતની ઘડીએ જીરૂમાં રોગચાળો આવતા ખેડૂતોને નુકશાન થયું છે.
જામનગર અને દેવભૂમિ દ્વારકા સહિતનો હાલાર પંથક એટલે જીરુંનો ગઢ. જીરૂનું અહીં સૌથી સારું વાવેતર પણ થાય છે અને ઉત્પાદન પણ થાય છે. પરંતુ આ વર્ષે વાતાવરણની પ્રતિકૂળતાએ જીરું પકવતા ખેડૂતોની કમર તોડી નાખી છે. જીરુંનું હોંશભેર વાવેતર કરી અને ખેડૂતો ખૂબ સારા ઉત્પાદનની આશા એવી રહ્યા હતા. પરંતુ આ આશા ઠગારી નીવડી છે અને વાતાવરણ વેરી બનતા જીરુના પાકમાં હાલ 50 જેટલો ઘટાડો નોંધાય તેવો ખેડૂતો દાવો કરી રહ્યા છે.
જામનગર જિલ્લાના જાંબુડા ગામના ખેડૂત ધીરજલાલ મોહનલાલ કાનાણીએ જણાવ્યું કે અમે જીરું ઉપરાંત ઘઉં અને ચણાનું શિયાળુ પાક તરીકેનું વાવેતર કર્યું હતું પરંતુ છેલ્લા કેટલાક સમયથી હાલારના વાતાવરણમાં બદલાવ જોવા મળી રહ્યો છે. આ બદલાવ અમારા માટે વેરી સાબિત થયો છે. જીરુના પાકને વાતાવરણ ખૂબ અસર કરતું હોવાથી ઝાકળને લઈ જીરૂમાં રોગ આવતા હોય છે. આથી વાતાવરણમાં પલટો આવતાની સાથે જ અમે તાત્કાલિક જંતુનાશક દવાની શરૂઆત કરી હતી જોકે છતાં પણ હાલ જીરૂમાં સુકારા નામનો અને કારિયા (જેમા જીરૂનો છોડ કાળો પડી જાય અને દાણાનો ભુક્કો થઈ જાય છે) નામનો રોગ આવી ગયો છે. પરિણામે જીરુના ઉત્પાદનમાં ધાર્યા કરતા 50% જેટલો ઘટાડો નોંધાય શકે છે.
જામનગર જિલ્લાના જાંબુડા ગામના રામજીભાઈ ભગવાનજી સપોવડિયા નામના ખેડૂતે જણાવ્યું કે છેલ્લા સાતથી આઠ દિવસથી જામનગર જિલ્લામાં વાતાવરણમાં બદલાવ જોવા મળી રહ્યો છે. દિવસે ખૂબ તડકા પડી રહ્યા છે તો વહેલી સવારે ઝાકળ વર્ષા થતી હોવાથી જીરુના પાકમાં રોગચાળો એ માથું ઊંચક્યું છે. જીરુંનો પાક એક બાજુ તૈયાર છે બીજી બાજુ હાલ રોગચાળો આવતા ઉત્પાદનમાં જબરો ઘટાડો નોંધાશે.
ખેડૂતોએ એક બાજુ મોંઘીદાટ દવાઓ અને બિયારણ તેમજ મજૂરી ચડાવી જીરુંના પાકને જીવની જેમ સાચવી તૈયાર કર્યો હતો તેવા સમયે હવે અંતની ઘડીએ જીરૂમાં રોગચાળો આવતા ખેડૂતોને માથે ઓઢી રોવાનો વારો આવ્યો છે. મોઢે આવેલો કોળીયો છીનવાઈ જતા ખેડૂતો કાકલૂદી કરી રહ્યા છે.
અહેવાલ: સાગર સંઘાણી