બ્રિજની નવી ડિઝાઇન બનાવાતા ઊંચાઇમાં 1.50 મીટર અને લંબાઇમાં 50 થી 60 મીટરનો ઘટાડો થશે
આવતા સપ્તાહે નવી ડિઝાઇન કોર્પોરેશન રેલવે વિભાગ સમક્ષ રજૂ કરશે: નવી ડિઝાઇનને રેલવેની મંજૂરી મળતા ટેન્ડર પ્રસિદ્વ
શહેરના જામનગર રોડ પર આવેલા વર્ષો જૂના સાંઢીયા પુલની આવરદા હવે પૂરી થઇ જવા પામી છે. અહિં ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે અને બ્રિજની બંને બાજુએ મોટી લોખંડની એંગલ ફીટ કરી દેવામાં આવી છે. ટ્રાફીકની સમસ્યા હલ કરવા માટે કોર્પોરેશન દ્વારા સાંઢીયા પુલની જગ્યાએ 56 કરોડના ખર્ચે નવો ફોર લેન બ્રિજ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
આ માટે ડિઝાઇન તૈયાર રેલવે વિભાગની મંજૂરી માટે રજૂ કરી દેવામાં આવી છે. દરમિયાન રેલવેએ ડિઝાઇનમાં ફેરફાર કરવા માટેના કેટલાક સૂચનો આપ્યા છે. બ્રિજની ડિઝાઇનમાં ઊંચાઇ ઘટાડવા અને લંબાઇ પણ ઘટાડા માટે તાકીદ કરી હતી. જે અંતર્ગત કોર્પોરેશન દ્વારા નવી ડિઝાઇન બનાવવામાં આવી છે. જેમાં બ્રિજની ઊંચાઇમાં 1.50 મીટર અને લંબાઇમાં 50 થી 60 મીટરનો ઘટાડો કરવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. દરમિયાન આગામી સપ્તાહે કોર્પોરેશન દ્વારા નવી ડિઝાઇનના રેલવે વિભાગ સમક્ષ રજૂ કરી દેવામાં આવશે.
ગત શુક્રવારે સાંસદ મોહનભાઇ કુંડારિયાની અધ્યક્ષતામાં કોર્પોરેશનની કચેરી ખાતે રેલવેના અધિકારીઓ, કોર્પોરેશનના પદાધિકારીઓ અને અધિકારીઓ વચ્ચે એક બેઠક યોજાઇ હતી. જેમાં રેલવેને લગતા અલગ-અલગ પ્રશ્ર્નો અંગે ચર્ચા-વિચારણાં કરવામાં આવી હતી. જામનગર રોડ પર સાંઢીયા પુલની જગ્યાએ નવો બ્રિજ બનાવવા માટે હાલ જે બ્રિજ કોર્પોરેશન દ્વારા રેલવે વિભાગ સમક્ષ રજૂ કરવામાં આવી છે તેમાં રેલવે વિભાગ દ્વારા કેટલાક સુધારા-વધારા સૂચવવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું રહ્યું છે.
નવા ફોનલેન બ્રિજ માટે 56 કરોડ રૂપિયાનો ખર્ચ થવાનો અંદાજ છે. જે પૈકી રેલવેના પાર્ટ બ્રિજનું જે કામ કરવાનું થાય છે તેનો ખર્ચ આશરે 6 કરોડ જેવો થવા પામે છે. મિટિંગમાં રેલવે વિભાગના અધિકારીઓએ કોઇ ખર્ચ આપવામાં આવશે નહિં તેવું જણાવી દીધું છે. સાથોસાથ એવું પણ સૂચન કર્યું છે કે જો બ્રિજની ડિઝાઇનમાં થોડો ફેરફાર કરવામાં આવે તો ખર્ચમાં પણ ઘટાડો થઇ શકે છે.
જેમાં બ્રિજની ઊંચાઇમાં ઘટાડો કરવા અને સાથોસાથ લંબાઇમાં પણ ઘટાડો કરવા માટે તાકિદ કરવામાં આવી છે. રેલવેના સૂચન બાદ કોર્પોરેશનના અધિકારીઓએ નવી ડિઝાઇન તૈયાર કરી લીધી છે. આવતા સપ્તાહે રેલવે વિભાગ સમક્ષ મંજૂરી અર્થે રજૂ કરી દેવામાં આવશે. મુંબઇ થી બ્રિજની ડિઝાઇનને મંજૂરી મળ્યા બાદ ટેન્ડર પ્રસિદ્વ કરાશે. બ્રિજના નિર્માણ માટે કુલ 56 કરોડનો ખર્ચ થવાનો અંદાજ છે. જો કે, ડિઝાઇનમાં ફેરફાર કરવામાં આવતા કોસ્ટિંગમાં પણ ઘટાડો થવાની પૂરી શક્યતા છે.
હાલ નવી ડિઝાઇન મોટા ભાગે તૈયાર થઇ ગઇ છે. જે આવતા સપ્તાહે રેલવે વિભાગ સમક્ષ રજૂ કરી દેવામાં આવશે. આ વર્ષે બ્રિજ માટે 10 કરોડની ફાળવણી કરવામાં આવશે. જ્યારે આવતા વર્ષના બજેટમાં 27 કરોડની ફાળવણી કરવામાં આવી છે. એક થી બે માસમાં સાંઢીયા પુલ બ્રિજનું નિર્માણ કામ શરૂ થઇ જાય તેવી શક્યતા હાલ નકારી શકાતી નથી. નવી ડિઝાઇન તૈયાર થઇ ગઇ છે. જેમાં ઊંચાઇમાં 1.50 મીટર અને લંબાઇમાં 50 થી 60 મીટરનો ઘટાડો કરવામાં આવ્યો છે.