રાજમાર્ગો પર ભીનાશ: સવારના સમયે ઠંડકનો અનુભવ: વિઝિબિલિટીમાં ઘટાડાથી વાહન ચાલકોને ભારે હાલાકી
રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં આજે સવારે જોરદાર ઝાકળ વર્ષા થવા પામી હતી. રાજકોટ જાણે હિલ સ્ટેશન હોય તેવો આહ્લાદક નજારો જોવા મળ્યો હતો. રાજમાર્ગો પર ભિનાશ છવાઇ જવા પામી હતી. વિઝિબિલિટીમાં ઘટાડો નોંધાતા વાહન ચાલકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. સવારના સમયે ઠંડકનો પણ અનુભવ થયો હતો.
શિયાળાની સિઝન વિદાય લઇ રહી છે અને ઉનાળાનો આરંભ થઇ રહ્યો છે. જેના કારણે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધવાના કારણે સવારના સમયે ઝાકળવર્ષા થઇ રહી છે. આજે 7 વાગ્યા આસપાસ અચાનક ગાઢ ધુમ્મસ છવાઇ હતી. રાજકોટમાં સવારના સમયે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 94 ટકાએ પહોંચી જવા પામ્યુ હતું. લઘુત્તમ તાપમાન 17.3 ડિગ્રી સેલ્શીયસ નોંધાયુ હતું.
પવનની સરેરાશ ઝડપ 8 કિ.મી. પ્રતિકલાક રહેવા પામી હતી. ગાઢ ધુમ્મસના કારણે વિઝિબિલિટીમાં જોરદાર ઘટાડો નોંધાયો હતો. વિઝિબિલિટી 800 મીટરની નોંધાઇ હતી એટલે 800 મીટરથી દુરનું કશું દેખાતું ન હતું. રાજકોટમાં સવારના સમયે એકપણ ફ્લાઇટ આવતી ન હોવાના કારણે હવાઇ સેવા પર કોઇ અસર પડી ન હતી. ઝાકળના કારણે રોડ ભીના થઇ ગયા હતા. હાઇવે પર વાહન ચાલકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. વિઝિબિલીટીમાં ઘટાડો થવાના કારણે વાહન ચાલકોએ દિવસે પણ હેડલાઇટ ચાલુ રાખવાની ફરજ પડી હતી.
સવારના સમયે વાતાવરણમાં ઠંડકનો અનુભવ થતો હતો. આવતીકાલે પણ ઝાકળ વર્ષાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આગામી ત્રણેક દિવસ વાતાવરણ સ્થિર રહેશે. ત્યારબાદ ગરમીનું જોર વધશે. છેલ્લા એકાદ સપ્તાહથી ઝાકળ વર્ષા થઇ રહી છે. ક્યારેય વહેલી સવારે જ્યારે અમૂક દિવસોએ મોડી સવારે ઝાકળ વર્ષા થાય છે. આજે રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ગાઢ ધુમ્મસનું આવરણ છવાયું હતું.