ચંદ્રયાન-૨ સમક્ષ અનેક પડકારો: યાનની ઝડપ ઘટાડવામાં આવશે
ચંદ્રયાન-૨ આગામી ૭ સપ્ટેમ્બરનાં રોજ ચંદ્રનાં દક્ષિણ ધ્રુવ પર ઉતરાણ કરશે તે પહેલા ચંદ્રયાન-૨ ચંદ્રની ભ્રમણ કક્ષામાં પ્રવેશ કરશે ત્યારે ઈસરો દ્વારા યાનની ઝડપ ઘટાડવામાં આવશે જેથી તે ચંદ્ર પર ઉતરાણ સરળતાથી કરી શકે. આ પ્રસંગે ઈસરોનાં ચેરમેનને જણાવ્યું હતું કે, ચંદ્રયાન-૨ ચંદ્રની કક્ષામાં પ્રવેશતા જ તેની સાચી પરીક્ષા શરૂ થશે જેથી ચંદ્રની ગુરુત્વાકર્ષણ શકિતનાં પ્રભાવ હેઠળ ચંદ્રયાન-૨ અથડાઈ શકે તેમ હોય તેનાં કારણોસર ઈસરો દ્વારા યાનની ગતિને ઘટાડવામાં આવશે જો આ સમય ઈસરો દ્વારા સાચવી લેવામાં આવે તો દેશમાટે ૭મી સપ્ટેમ્બર ઐતિહાસિક બની રહેશે.
ચંદ્રયાન-૨ ચંદ્રની ભ્રમણ કક્ષામાં આવતાની સાથે જ ૪ વખત ચંદ્રની પ્રદક્ષિણા કરશે તે સમય તેની ઝડપ ઉપર નિયંત્રણ મેળવવામાં આવશે અને અંતિમ ભ્રમણ બાદ તેને ચંદ્રનાં દક્ષિણ ધ્રુવ પર ઉતરાણ કરાશે. ચંદ્રની ભ્રમણ કક્ષાએ પહોંચ્યા બાદ ચંદ્રયાન-૨ માટેનાં ચડાણ ખુબ જ કપરા બની રહેશે જેમાં પ્રથમ તો એ કે ચંદ્ર અને પૃથ્વી વચ્ચે આશરે ૩.૫૦ લાખ કિલોમીટરનું અંતર છે જેમાં ચંદ્રયાન-૨ની ઉર્જા પણ એટલી જ સીમીત છે ત્યારે કોમ્યુનિકેશન માટે જે રેડિયો સિગ્નલ પૃથ્વી ઉપર મોકલવામાં આવતા હોય તે નબળા પડી જતા હોય છે.
ચંદ્ર માટે મોકલવામાં આવેલ દેશનું બીજુ સ્પેસક્રાફ્ટ ચંદ્રયાન-૨ મંગળવારના રોજ સવારે ચંદ્રની કક્ષામાં પ્રવેશ કરશે. ભારતીય સ્પેસ એજન્સી ઈસરોએ આ જાણકારી આપી છે. ઈસરોના જણાવ્યા મુજબ, ચંદ્રયાન-૨ પર લાગેલી બે મોટરોને સક્રિય કરવાથી આ સ્પેસક્રાફ્ટ ચંદ્રની કક્ષામાં પહોંચી જશે. ચંદ્રયાન-૨ ચંદ્રની કક્ષામાં પહોંચશે ત્યારબાદ ઈસરો કક્ષાની અંદર સ્પેસક્રાફ્ટની દિશામાં ચાર વખત (૨૧, ૨૮ અને ૩૦ ઓગસ્ટ તથા ૧ સપ્ટેમ્બર) વધુ પરિવર્તન કરશે. ત્યારબાદ આ ચંદ્રના ધ્રુવની ઉપરથી પસાર થઈને તેની સૌથી નજીક ૧૦૦ કિલોમીટરના અંતરની પોતાની અંતિમ કક્ષામાં પહોંચી જશે. ત્યારબાદ વિક્રમ લેન્ડર ૨ સપ્ટેમ્બરના રોજ ચંદ્રયાન-૨થી અલગ થઈને ચંદ્ર પર ઉતરશે. ઈસરોએ જણાવ્યું કે ચંદ્ર પર તારીખ ૭ સપ્ટેમ્બર ૨૦૧૯ના રોજ લેન્ડરથી ઉતરતા પહેલા ધરતી પરથી બે કમાન્ડ આપવામાં આવશે, જેથી લેન્ડરની ગતિ અને દિશા સુધારી શકાય અને તે ધીરેથી ચંદ્ર પર ઉતરે.
ચંદ્રયાન-૨ને તારીખ ૨૨ જુલાઈના રોજ ધરતી પરથી અંતરિક્ષમાં રવાના કરવામાં આવ્યું હતું. તેનું પ્રક્ષેપણ દેશનું ભારે વજન ઉઠાવનાર રોકેટ જિયોસિંક્રોનસ સેટેલાઈટ લોન્ચ વ્હીકલ માક ૩ (જીએસએલવી એમકે ૩)થી કરવામાં આવ્યું હતું. આ સ્પેસક્રાફ્ટના ત્રણ ખંડ છે, જેમાં ઓર્બિટર (વજન ૨,૩૭૯ કિલોગ્રામ, આઠ પેલોડની સાથે), લેન્ડર વિક્રમ (૧,૪૭૧ કિલોગ્રામ, ચાર પેલોડની સાથે) અને રોવર પ્રજ્ઞાન ૯ (વજન ૨૭ કિલોગ્રામ, બે પેલોડની સાથે) સામેલ છે. ઈસરોના ચીફ સિવને કહ્યું હતું કે ચંદ્રની સપાટીથી ૩૦ કિમી દૂર ચંદ્રયાન-૨ની લેન્ડિંગ માટે તેની સ્પીડ ઓછી કરવામાં આવશે. વિક્રમને ચંદ્રની સપાટી પર ઉતરવાનું કામ મુશ્કેલ હશે. આ દરમિયાન ૧૫ મિનિટ ખૂબ પડકારજનક જોવા મળી શકે છે. અમે પહેલી વખત સોફ્ટ લેન્ડિંગ કરીશું. સોફ્ટ લેન્ડિંગમાં સફળતા મળતા જ ભારત આવું કરનાર દુનિયાનો ચોથો દેશ બની જશે. અત્યાર સુધી અમેરિકા, રશિયા અને ચીનની પાસે આ વિશેષતા છે.
ધરતી અને ચંદ્ર વચ્ચેનું અંતર આશરે ૩ લાખ ૮૪ હજાર કિલોમીટર છે. ચંદ્રયાન-૨માં લેન્ડર-વિક્રમ અને રોવર-પ્રજ્ઞાન ચંદ્ર સુધી પહોંચશે. ચંદ્રની સપાટી પર ઉતરવાના ૪ દિવસ પહેલા રોવર વિક્રમ જ્યાં ઉતરવાનું છે તે જગ્યાની તપાસ કરવાનું શરૂ કરશે. લેન્ડર યાનથી ડિબૂસ્ટ થશે. વિક્રમ સપાટીની વધુ નજીક પહોંચશે. ઉતરવાવાળી જગ્યાનું સ્કેનિંગ શરૂ થઈ જશે અને પછી ૬-૮ સપ્ટેમ્બર દરમિયાન શરૂ થશે લેન્ડિંગની પ્રક્રિયા. લેન્ડિંગ બાદ લેન્ડર (વિક્રમ)નો દરવાજો ખુલશે અને તે રોવર (પ્રજ્ઞાન)ને રિલીઝ કરશે. રોવરને નીકળવામાં આશરે ૪ કલાકનો સમય લાગશે. બાદમાં તે વૈજ્ઞાનિક પરીક્ષણ માટે ચંદ્રની સપાટી પર નીકળી જશે. તેની ૧૫ મિનિટમાં જ ઈસરોને લેન્ડિંગના ફોટોગ્રાફ્સ મળશે.