ભારતનું ચંદ્ર પર પહોંચવાનું સપનું થશે સાકાર: ચંદ્ર પર પહોંચતા જ ભારત સિદ્ધિ પ્રાપ્ત કરતો પાંચમો દેશ બનશે
ભારત અત્યારે અવકાશ સંશોધન ક્ષેત્રે વિકાસની હરણફાળમાં સૌથી આગળ દોડી રહ્યું છે. ઈસરોએ આગામી થોડા જ મહિનાઓમાં ચાંદ ઉપર પહોંચવાની તૈયારીઓનું કાઉન્ટડાઉન શરૂ કર્યું છે. ઈસરોનું ચંદ્રની ભૂમિ પર પર્દાપણ અંગે ચલાવવામાં આવતું મિશન ચંદ્રયાન-૨ ૯ જુલાઈથી ૧૬ જુલાઈ સુધી પૂર્ણ કરી સંભવિત રીતે ૬ સપ્ટેમ્બરનાં દિવસે ચંદ્ર સુધી પહોંચી જશે.
ઈસરોએ ગઈકાલે ચંદ્રયાન-૨ને ચંદ્રભૂમી પર ઉતારવાનાં મિશનની જાહેરાત કરી દીધી છે. ઈસરોનું ચંદ્રયાન-૨ સંભિવત રીતે છઠ્ઠી સપ્ટેમ્બરે ચંદ્રની ભૂમિ પર ઉતરાણ કરવા માટે સજજ બન્યું છે. ચંદ્રયાન-૨ ભ્રમણ કક્ષામાં અલગ-અલગ તબકકામાં પ્રવેશ કરી જીએસએલવીએમકે-૩ લોન્ચર પેડ દ્વારા લેન્ડ રોવરને ચંદ્ર ઉપર ઉતારશે. ચંદ્રયાન-૨ ચંદ્રની કક્ષામાં પ્રવેશ કર્યા બાદ વિક્રમ (લેન્ડર) અલગ થઈને ચંદ્રના દક્ષિણ ધ્રુવ પાસે ઉતરાણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.
ઈસરોનાં ચેરમેને જણાવ્યું હતું કે, એક વખત વિક્રમ ચંદ્રની ભૂમિ પર છઠ્ઠી સપ્ટેમ્બરે ઉતરાણ થયા બાદ રોવર એટલે કે પ્રયાણ થયા બાદ તેમાંથી બહાર આવશે અને ચંદ્રની ભૂમિ પર ૩૦૦થી ૪૦૦ મીટર ફરશે અને તે પૃથ્વીનાં હિસાબે ૧૪ દિવસનો સમય ચંદ્ર પર વિતાવશે અને ત્યાં વિવિધ પ્રકારનાં વૈજ્ઞાનિક પરીક્ષણો કરશે. ૧૩ જેટલા વિવિધ પ્રોગ્રામનાં કાર્યક્રમો પણ આ પ્રોજેકટ સાથે સામિલ કરવામાં આવ્યા છે જેમાં ૧૪ દિવસનાં રોકાણ દરમિયાન ચંદ્રની સપાટીની પરિસ્થિતિ અને તસવીરો ૧૫ મિનિટમાં જ મોકલતું થઈ જશે. ભારતે અગાઉ એપ્રિલ મહિનામાં ચંદ્ર પર પહોંચવાનું મિશન શ‚ કર્યું હતું .
પરંતુ કેટલીક વિસંગતતાઓ માટે તે શકય બન્યું ન હતું ત્યારે હવે છઠ્ઠી સપ્ટેમ્બરે ભારત પોતાનું સ્વપ્ન પુરું કરશે. ૪ પગવાળા વિક્રમનાં એક પગમાં પરીક્ષણ દરમિયાન ક્ષતિ આવતા ભારતને ઈઝરાયલની રેસમાંથી છેલ્લી ઘડીએ પાછળ રહેવું પડયું હતું. રશિયા, અમેરિકા, ચાઈના પછી ઈઝરાયલ ચંદ્રની ભૂમિ પગ મુકનાર ચોથો દેશ બન્યો હતો જયારે ભારત આ સિદ્ધિ માટે પાંચમો દેશ બનશે. ભારતનું ચંદ્રયાન-૨ ૩૨૯૦ કિલો વજનનું છે. ઈઝરાયલનાં બ્રેસીટ સાથે ટેકનિકલ હરીફાઈમાં ચંદ્રયાનને વધુ સક્ષમ બનાવવામાં આવ્યું છે.