ભારતે ૨૦૦૮માં જ ચંદ્ર પર પાણી, બરફ હોવાની જાહેરાત કરી હતી: ભારતના ડેટાને આધારે નાસાએ બરફની જાહેરાતને સાચી ઠેરવી
ચંદ્ર પર માનવ જીવન શકય છે તેવી આશા સાથે હવે ચંદ્રના ખુબ જ ઠંડા અને પ્રકાશવિહોણા ધ્રુવીય વિસ્તારોમાં બરફ હોવાની નાસાએ જાહેરાત કરી છે. રસપ્રદ વાત એ છે કે નાસાએ આ દાવો ભારત દ્વારા મોકલાયેલ ચંદ્રયાન-૧એ મોકલેલી માહિતીના આધારે કર્યો છે. ઈસરોએ આજથી દસ વર્ષ અગાઉ ચંદ્રયાન-૧ને અવકાશી સફરે મોકલ્યું હતું.
પ્રોસિડિંગ્સ ઓફ ધ નેશનલ એકેડમી ઓફ સાયન્સીસ (પીએનએએસ) નામની જર્નલમાં પ્રકાશિત થયેલા એક અહેવાલ પ્રમાણે ચંદ્રની ધરતી પર અમુક મિલિ મીટર સુધી બરફ છે અને નીચે પાણી છે. ભવિષ્યમાં ચંદ્ર પર માનવ વસાહતો વસાવવાના અભિયાન શરૂ કરવામાં આવે તો આ પાણીનો ઉપયોગ થઈ શકે તેમ છે. ચંદ્રની સપાટી પરથી મળેલા બરફ પરથી ચંદ્રના પાતાળમાં પણ પાણી હોવાની શકયતા વધી જાય છે. ચંદ્રના દક્ષિણ ધ્રુવ પરથી મળેલો મોટાભાગનો બરફ મોટા ખાડામાં એક જગ્યાએ એકઠો થયેલો છે. જયારે ઉતર ધ્રુવ પર મળેલો બરફ દુર સુધી વિખરાયેલો પડયો છે. આ બરફ ખુબ જ જુનો હોવાનું અનુમાન છે. ઉલ્લેખનીય છે કે, આ દાવો કરતા પહેલા નાસાના વિજ્ઞાનીઓએ મુન મિનરોલોજી મેપર (એમ-૩)નો ઉપયોગ કર્યો હતો જેના આધારે ત્રણ તબકકામાંથી પસાર થયા પછી ચોકકસ માહિતી મળી હતી કે ચંદ્રની સપાટી બરફથી છવાયેલી છે.
મહત્વનું છે કે ઈસરોએ ૨૦૦૮માં ચંદ્રયાન-૧ અવકાશયાનમાં એમ-૩ મોકલ્યું હતું જેને નાસાની જેટ પ્રોયુલસન લેબોરેટરી દ્વારા ડિઝાઈન કરાયું હતું. ચંદ્ર પર નકકર બરફ છે કે નહીં એ તપાસવા માટે જ એમ-૩ ડિઝાઈન કરાયું હતું. વિજ્ઞાનીઓએ ઈન્ફ્રારેડ લાઈટની મદદથી પાણી, ભેજ અને નકકર બરફ વચ્ચેનો ભેદ પારખ્યો હતો અને પછી દાવો કર્યો હતો કે ચંદ્રની સપાટી પર જયા બરફ મળ્યો છે ત્યાંની તાપમાન માઈનસ ૧૫૬ ડિગ્રીથી નીચુ ગયુ નથી. ચંદ્ર પોતાની ધરી પર ફરતી વખતે ખુબ ઓછો નમેલો હોવાથી મોટાભાગના પ્રદેશમાં સુર્યપ્રકાશ પહોંચતો નથી.
ઉલ્લેખનીય છે કે, ચંદ્રયાન-૧ ભારતનું પહેલુ મુનમિશન હતું જેણે ૨૮મી ઓગસ્ટ ૨૦૦૯ના રોજ રેડિયો સિગ્નલ્સ મોકલવાનું બંધ કરી દીધુ હતું એ પછી ઈસરોએ મિશન પૂર્ણ જાહેર કર્યું હતું. ત્યારપછી નાસાએ ૨૦૧૬માં જમીન પર રહેલા રડારની મદદથી ભારતના ચંદ્રયાનને શોધી કાઢયું હતું.