2017થી 2022 દરમિયાન નોંધાયેલ 83 કેસોમાં ફેર તપાસ માટે સીટની સરકારમાં દરખાસ્ત
સરકારી અનાજ બારોબાર કરવાના કેસો રી-ઓપન થાય તેવી સંભાવના જોવા મળી રહી છે. કારણકે 2017થી 2022 દરમિયાન નોંધાયેલ 83 કેસોમાં ફેર તપાસ માટે સીટની સરકારમાં દરખાસ્ત કરવામાં આવી છે.
ગુજરાતમાં સરકારી યોજનાનું અનાજ સગેવગે કરનારા લોકો પર સરકારે તવાઈ બોલાવવાનું નક્કી કર્યું છે. સરકારી અનાજ સગેવગે કરવાના કૌંભાડની તપાસ માટે સ્પેશિયલ ઈન્વેસ્ટીગેશન ટીમની રચના કરવામાં આવી હતી. આ સીટની ટીમે સરકારી અનાજના કૌભાંડના કેસ રિ ઓપન કરવાની કરી ભલામણ કરવામાં આવી છે. સીટ દ્વારા કરાયેલ તપાસમાં અનેક કેસમાં અધિકારીઓની સંડોવણી સામે આવી છે. આથી સીટએ જૂના કેસ રિ ઓપન કરવાની ભલામણ કરી છે. 2017થી 2022 સુધીમાં સમગ્ર રાજ્યમાં થયેલા કેસ પૈકી, 83 કેસ રિ ઓપન થશે.
ઉલ્લેખનીય છે કે રાજ્યમાં છેલ્લા થોડા વર્ષોમાં સરકારી અનાજનો જથ્થો બારોબાર કરવાના અનેક કેસ નોંધાયા છે. સરકાર ગરીબ લોકોને ભૂખ્યા ન રહેવું પડે તે માટે મફતમાં તેમજ ટોકનભાવે અનાજ આપવાની યોજના ચલાવે છે. પરંતુ અનેક સસ્તા અનાજના દુકાનદારો પૈસાની લાલચે ગરીબોના હક્કનું અનાજ બારોબાર વેચી મારે છે.
પ્રાપ્ત વિગતો અનુસાર અનેક જિલ્લામાં તંત્ર દ્વારા તપાસનો અભાવ આ ગેરરિતીને પ્રોત્સાહન આપી રહ્યું છે. પરિણામે ગરીબો પોતાના હક્કના અનાજથી વંચિત રહે છે. ત્યારે હવે જો જુના કેસ રી ઓપન થાય તો અનેક નવા ધડાકા થશે. વધુમાં સૌથી મોટું કૌભાંડ બોગસ ફિંગરપ્રિન્ટનું હતું. જેનું કનેક્શન આખા રાજ્યમાં ફેલાયેલ હતું. આ અંગે પણ ઊંડાણ પૂર્વક તપાસ થાય તેવા સંકેતો મળી રહ્યા છે.