70માંથી 30ની આજુબાજુના એવરેજ ગુણ આપી દેવાતા વિદ્યાર્થીઓએ કુલપતિને રજુઆત કરી
વિદ્યાર્થીઓની ફરિયાદ ગંભીરતા પૂર્વક ધ્યાને લઈ સમગ્ર ઘટનાનો પરીક્ષા નિયામક ડો.નીલેશ સોની પાસેથી વિસ્તૃત અહેવાલ મંગાવતા કુલપતિ ડો.નીતીનભાઈ પેથાણી
સૌરાષ્ટ્રભરમાંથી વિદ્યાર્થીઓ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસ ખાતે અંગ્રેજી ભવનમાં એમ.એ. (અંગ્રેજી)ના અભ્યાસ અર્થે આવે છે. સૌ. યુનિ. દ્વારા તાજેતરમાં લેવાયેલ એમ.એ. (અંગ્રેજી) સેમેસ્ટર-4ની પરીક્ષામાં અંગ્રેજી ભવનના મોટાભાગના તેજસ્વી વિદ્યાર્થીઓને ઈંગ્લીશ લેંગ્વેજ ટીચીંગ અને ઈન્ડીયન પોએટીકસ એમ બે વિષયમાં પેપર સારા લખેલા હોવા છતા પરીક્ષકો દ્વારા બંને વિષયની ઉતરવહીઓ વાંચ્યા વગર જ તેજસ્વી વિદ્યાર્થીઓને પણ 70માંથી 30ની આજુબાજુના એવરેજ ગુણ આપી દીધાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. કેટલાંક વિદ્યાર્થીઓએ ભવનના વડા પ્રો. સંજય મુખરજી અને ભવનના વરિષ્ઠ અધ્યાપકોનું આ બાબતે ધ્યાન દોરેલ.
પરંતુ વિદ્યાર્થીઓના હિતરક્ષક હોવાની સુફિયાણી વાતો કરતાં અને એ.બી.વી.પી., અખિલ ભારતીય શૈક્ષિક મહાસંઘ અને સુટાની નેતાગીરીમાં હંમેશા અગ્રેસર રહેતા પોતાના ગુરૂજનો તરફથી અપેક્ષિત સાથ સહકાર ન મળતા “આપ મુવા વગર સ્વર્ગે ન જવાય” તે ઉક્તિ ચરિતાર્થ કરતા અંગ્રેજી ભવનના વિદ્યાર્થીઓ લેખિત ફરિયાદ લઈને કુલપતિ ડો.નીતીનભાઈ પેથાણીના દરબારમાં ન્યાયની અપેક્ષા સાથે પહોંચ્યા. પોતાના ગુણપત્રકોની નકલો સાથે તર્કબધ્ધ રીતે કુલપતિને રજુઆત કરી.
તેજસ્વી વિદ્યાર્થીઓએ કુલપતિ સમક્ષ રજુ કરેલ પોતાની સેમેસ્ટર-4ની માર્કશીટની પ્રાથમિક ચકાસણી થતાં દેખીતી રીતે જ આ વિદ્યાર્થીઓ બે પેપરમાં એવરેજ ગુણને કારણે દંડાયા હોવાનું સ્પષ્ટ ફલિત થાય છે, અન્યાયનો ભોગ બનેલા વિદ્યાર્થીઓ માટે કોરોનાના કપરા કાળમાં પણ હંમેશા રેડ કાર્પેટ પાથરીને પોતાની કાર્યાલયના દ્વાર સદા ખુલ્લા રાખનારા કુલપતિ ડો.નીતિનભાઈ પેથાણી વિદ્યાર્થીઓ સાથે કોઈપણ પ્રકારનું ગેરશિસ્ત થાય અથવાતો તેજસ્વી વિદ્યાર્થીઓની કારકીર્દી સાથે કોઈ પણ પ્રકારના ગંભીર ચેડા થાય તેવી ઘટનાઓમાં ખૂબજ કડક હાથે કામ લેવા સમર્થ છે. ઈતિહાસ સાક્ષી છે કે વિદ્યાર્થીઓ સાથે થયેલ ગેરવર્તણૂંકની બાબતમાં ફરિયાદ પક્ષ પણ નબળો હોય તેવા કિસ્સામાં પણ કુલપતિ ડો.નીતિનભાઈ પેથાણીના કાર્યકાળમાં સમાજમાં દાખલો બેસે તેવી દોષીતોને કડક સજા થઈ છે.
મુલ્યાંકનમાં અન્યાયને ભોગ બનેલી વિદ્યાર્થીનીઓની રજુઆતને ગંભીરતાપૂર્વક ધ્યાને લઈ અને કુલપતિ ડો.નીતિનભાઈ પેથાણીએ ત્વરિત કાર્યવાહીનો આદેશ આપેલ છે અને મુલ્યાંકનમાં થયેલ ગડબડનો વિસ્તૃત અહેવાલ તાકીદે રજુ કરવા પરીક્ષા નિયામક ડો.નીલેશ સોનીને આદેશ આપ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે સૌરાષ્ટ્રભર માંથી અંગ્રેજી સેમેસ્ટર ૪ ના વિદ્યાર્થીઓ હિંમત પૂર્વક કુલપતિ સમક્ષ પોતાને થયેલ અન્યાય ની રજૂઆત કરવા અને ન્યાય મેળવવા આગળ આવી રહ્યા છે. આગામી દિવસો માં સમગ્ર પ્રકરણ માં વાલી મંડળ, વિદ્યાર્થી સંગઠનો તથા ભોગ બનેલી મોટા ભાગની બહેનો હોવાને કારણે નારી સંગઠનો પણ મેદાન માં આવે અને પરીક્ષા નિયામક ડો નિલેશ સોનીનો ઘેરાવ કરે તો નવાઈ નહિ!