સ્વતંત્રતા પર્વની ઉજવણી નિમિત્તે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ત્રિવિધ કાર્યક્રમો યોજાયા: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના
કુલપતિ પ્રો. ગિરીશભાઈ ભીમાણીના વરદ્ હસ્તે 77મા સ્વતંત્રતા પર્વે ધ્વજવંદન કરવામાં આવ્યું
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 15 મી ઓગસ્ટ, 2023 – 77 મા સ્વતંત્રતા પર્વની ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી.સ્વતંત્રતા પર્વ નિમિત્તે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ત્રિવિધ કાર્યક્રમો યોજાયા.સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ પ્રોફે. ગિરીશભાઈ ભીમાણીના વરદ્ હસ્તે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પરિસર ખાતે ધ્વજવંદન કરવામાં આવ્યું. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ પ્રોફે. ગિરીશભાઈ ભીમાણીએ 77 મા સ્વતંત્રતા પર્વની સૌને શુભેચ્છાઓ પાઠવી હતી.
સ્વતંત્રતા પર્વની ઉજવણી નિમિત્તે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ પ્રોફે. ગિરીશભાઈ ભીમાણી તથા કુલસચિવ ડો. હરીશ રૂપારેલીઆએ સૌપ્રથમ સરદાર વલ્લભભાઈ પટેલ, સ્વામી વિવેકાનંદ, સરસ્વતી દેવીનું મંદિર તથા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પ્રથમ કુલગુરુ ડો ડોલરરાય માંકડની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ પ્રોફે. ગિરીશભાઈ ભીમાણીએ 77 મા સ્વતંત્રતા પર્વની ઉજવણી પ્રસંગે યુવાઓને સંબોધન કરતાં જણાવ્યું હતું કે, ભારત દેશ અખંડ હતો અને પુન: અખંડ બનશે. ભારત એ યુવાઓનો દેશ છે. ભારતની માટીમાં, કણ-કણમાં અને યુવાઓનાં હ્રદયમાં રાષ્ટ્રભકિત રહેલી છે.ભારતના આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીની દીર્ઘદ્રષ્ટિ અને ભારતમાતાની સેવાના ભગીરથ કાર્યોથી યુવાનોના સ્વપ્નના ભારતનું નિર્માણ થયું છે.કુલપતિ એ વધુમાં જણાવ્યું હતું કે, ભારત દેશ વિશ્વગુરુ બની રહ્યું છે. સમગ્ર વિશ્વમાં ભારત દેશે આત્મનિર્ભર બનીને ચંદ્રયાન-3 ની સફળતાના શિખરો સર કર્યા છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સમગ્ર દેશમાં પ્રથમ હરોળમાં સ્થાન ધરાવે છે એનો સંપૂર્ણ યશ હું મારી યુનિવર્સિટીના વ્હાલા વિદ્યાર્થીઓ, સંશોધકો, એલ્યુમનાઈ અને મારા હાથપગ એવાં સૌ કર્મચારીઓને આપું છું.
મેરી માટી, મેરા દેશ” અભિયાન અંતર્ગત સ્વતંત્રતા પર્વની ઉજવણી પ્રસંગે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસ ખાતે 600 જેટલાં વિદ્યાર્થીઓ તથા કર્મચારીઓએ “પંચપ્રાણ પ્રતિજ્ઞા” લીધી હતી.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ રાષ્ટ્રના શહીદો અને વીરોના દેશભકિતના ગીતો પર પિરામિડ ડાન્સ રજૂ કર્યો હતો.77 મા સ્વતંત્રતા પર્વની ઉજવણી પ્રસંગે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિદ્યાર્થીએ દેશભકિત ગીતનું ગાન કર્યું હતું.સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ પ્રોફે. ગિરીશભાઈ ભીમાણીએ સ્વતંત્રતા પર્વ નિમિત્તે પિરામિડ ડાન્સમાં ભાગ લીધેલ વિદ્યાર્થીઓને રુ. 1501/- ના રોકડ પુરસ્કાર તથા દેશભકિત ગીતનું ગાન કરનાર વિદ્યાર્થીને રુ. 201/- ના રોકડ પુરસ્કારની જાહેરાત કરી હતી.77 મા સ્વતંત્રતા પર્વના ઉજવણી કાર્યક્રમનું સંચાલન મનોવિજ્ઞાન ભવનના પ્રાધ્યાપક ડો. ધારાબેન દોશી એ કરેલું હતું.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પરિસરમાં સ્વતંત્રતા પર્વ નિમિત્તે કરવામાં આવેલ ત્રિરંગા લાઈટીંગ તમામ શહેરજનો આજનીની રાત્રી સુધી નિહાળી શકશે.