કોંગ્રેસ જેના જોરે નીતિ ઘડવાની હતી તેને જ હથિયાર નીચે મૂકી દીધા હોય તેવો ઘાટ
કોંગ્રેસની સ્થિતિ અત્યારે વિકટ બની છે. કારણકે તેના ચાણક્યએ જ હારનો અંદેશો આપી દેતા રાજકારણ ગરમાયુ છે. કોંગ્રેસે જેના જોરે નીતિ ઘડવાની હતી. તેવા પ્રશાંત કિશોરે જ જાણે હથિયાર હેઠા મૂકી દીધા હોય તેવો ઘાટ સર્જાયો છે.
દેશના રાજકારણમાં હાલ જે રણનીતિકારનું નામ ચર્ચાના ચગડોળે ચડ્યું છે તે છે પ્રશાંત કિશોર. તેમણે હાલમાં જે કહ્યું તે કોંગ્રેસ માટે નિરાશાજનક હશે. તેમણે તાજેતરમાં જ રાજસ્થાનના ઉદયપુરમાં કોંગ્રેસની જે ચર્ચિત ચિંતન શિબિર યોજાઈ તેની સાર્થકતા પર સવાલ ઉઠાવ્યો છે. તેમણે તો એક પ્રકારે આ 3 દિવસની શિબિરને અર્થહીન જ ગણાવી દીધી છે. એટલું જ નહીં તેમણે ગુજરાત વિશે પણ કહ્યું છે.
ઉદયપુરમાં હાલમાં જ કોંગ્રેસની 3 દિવસની ચિંતન શિબિર યોજાઈ હતી. આ શિબિરમાં દેશભરમાંથી કોંગ્રેસના દિગ્ગજ નેતાઓએ ભાગ લીધો હતો. શિબિરમાં નેતાઓએ હાલના સમયમાં કોંગ્રેસ માટે ઊભા થયેલા પડકારો અંગે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. આ સાથે જ જે રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીઓ આવી રહી છે તે માટે રણનીતિ પણ તૈયાર કરાઈ.
કોંગ્રેસના આ ચિંતન શિબિર પર પ્રશાંત કિશોરે આજે એક ટ્વીટ કરી. પ્રશાંત કિશોરે ટ્વીટમાં લખ્યું કે મને વારંવાર ઉદયપુર ચિંતન શિબિરના પરિણામ પર ટિપ્પણી કરવાનું કહેવામાં આવતું હતું. તેમણે લખ્યું છે કે ચિંતન શિબિર સાર્થકતા મેળવવામાં નિષ્ફળ રહી છે. મારા મતે યથાસ્થિતિને લાંબી ખેંચવી અને કોંગ્રેસ નેતૃત્વને વધુ સમય આપવા સિવાય કશું નથી. ઓછામાં ઓછું આવનારા સમયમાં ગુજરાત અને હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં મળનારી હાર સુધી. આ રીતે તેમણે ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસની હારની ભવિષ્યવાણી પણ કરી લીધી.
હાલમાં જ કોંગ્રેસ સાથે લાંબી ચાલેલી તેમની વાતચીતનું કોઈ પરિણામ આવ્યું નહતું. ત્યારબાદ પીકેએ કોંગ્રેસ વિશે કહ્યું હતું કે તેમના નેતા એવું માને છે કે સરકારને લોકો પોતે જ ઉખાડીને ફેંકી દેશે અને તેમને સત્તા મળી જશે. તેમણે કહ્યું કે કોંગ્રેસ લાંબા સમય સુધી સત્તામાં રહી અને તેને વિપક્ષમાં રહેતા આવડતું નથી.