દૂધસાગર રોડ પર આર.એસ.ગૃહ ઉદ્યોગમાં ચેકીંગ દરમિયાન જીવાતવાળા અને ફૂગ વળી ગયેલા દાબેલા ચણાનો જથ્થો મળી આવ્યો
ચોક્કસ બાતમીના આધારે કોર્પોરેશનની આરોગ્ય શાખા સંલગ્ન ફૂડ વિભાગ દ્વારા ગઇકાલે શહેરના દૂધસાગર રોડ પર આર.એસ.ગૃહ ઉદ્યોગમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જ્યાં આરોગ્ય માટે જોખમી એવો ચાર ટન ચણા જોર ગરમનો જથ્થો મળી આવ્યો હતો. જેનો નાશ કરી નોટિસ ફટકારવામાં આવી છે.
આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ ફડ ડેઝીગ્નેટેડ ઓફિસર ડો.હાર્દિક મેતા સહિતની ટીમ ગઇકાલે સાંજે શહેરના દૂધસાગર રોડ પર ચુનારાવાડ શેરી નં.1માં રબીબભાઇ બસંતભાઇ ગુપ્તાની માલિકીના આર.એસ.ગૃહ ઉદ્યોગમાં ત્રાટકી હતી. અહિં ચણા જોર ગરમ, દાબેલા મગનો ઉત્પાદન કરવામાં આવે છે. ચેકીંગ દરમિયાન 2000 કિલો એટલે કે બે ટન જેટલા પલાળેલા ચણા તેમજ ફ્લોર પર ઢગલો કરેલા 2000 કિલો ચણામાં ફૂગ વળી ગઇ હતી અને જીવાત ગદબદતી હતી. ચણાનો જથ્થો દુર્ગંધ મારતો હતો સાથોસાથ અનહાઇજેનીંગ ક્ધડીશનમાં રાખવામાં આવ્યો હતો.
ચાર ટન ચણાનો જથ્થો તથા 30 કિલો દાઝીયા તેલનો નાશ કરવામાં આવ્યો હતો. પેઢીના માલિકને નોટિસ ફટકારવામાં આવી હતી. આ ઉપરાંત ચણા મસાલા, સિઝનીંગ પાવડર, દાઝીયા તેલના નમૂના લઇ પરિક્ષણ અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા. આ ઉપરાંત જૂની ધરમ સિનેમા પાસે પી.વી.આર. લીમીટેડમાંથી પ્રિપેડ સમોસા, ટેસ્ટી પિકલ્સ પ્રોફેશન ટોમેટો કેચઅપ અને ગીતાનગર શેરી નં.6માં ભાવના ફ્રૂટ્સ પ્રોડક્ટમાંથી ઉપહાર બ્રાન્ડ ખજૂરનો નમૂનો લેવામાં આવ્યો હતો.
કોઠારીયા રોડ પર ખાણીપીણીની 31 દુકાનોમાં ચેકીંગ
શહેરના કોઠારિયા રોડ પર હોર્ક્સ ઝોનમાં ફૂડ વિભાગ દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જે અંતર્ગત 31 દુકાનોમાં ચેકીંગ દરમિયાન 13 કિલો વાસી અને અખાદ્ય ખોરાકનો જથ્થો મળી આવ્યો હતો. જેનો નાશ કરી 11 ધંધાર્થીઓને ફૂડ લાઇસન્સ સંદર્ભે નોટિસ આપવામાં આવી હતી. એમજીએમ ચાઇનીઝ અને પંજાબીમાંથી સાત કિલો વાસી મન્ચુરીયન અને પ્રિપેડ ફૂડનો નાશ કરાયો હતો. જ્યારે નિખીલ ઘુઘરામાં ચાર કિલો દાઝીયા તેલ અને કનૈયા પેટીસમાં બે કિલો દાઝીયા તેલનો નાશ કરવામાં આવ્યો હતો. કટક-બટક ફાસ્ટ ફૂડ, સંતોષ દાળ-પકવાન, જય માતાજી ગુજરાતી થાળી, સદ્ગુરૂ ફાસ્ટ ફૂડ, રાજ પાઉંભાજી, જય ગણેશ મદ્રાસ કાફે, જય ભવાની પાઉંભાજી અને ગણેશ પાઉંભાજીને નોટિસ આપવામાં આવી છે.
એક્સપાયર થયેલી છાશના 20 પાઉચ મળી આવ્યા
રૈયા રોડ પર પરફેક્ટ આમલેટમાં વાહન નં.જીજે01-એવાય-8952માં ચેકીંગ હાથ ધરવામાં આવતા વાહનમાં સંગ્રહ કરેલી અને એક્સપાયર થયેલી 160 મીલી પેકીંગ છાશના 20 પાઉચ મળી આવતા જેનો સ્થળ પર નાશ કરવામાં આવ્યો હતો અને નોટિસ ફટકારવામાં આવી છે.