આગામી ૧૬ જાન્યુઆરીના રોજ યોજાનારી રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સની કારોબારીની ચૂંટણી માટે મહાજન પેનલે કમરકસી
રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝની કારોબારી માટે આગામી ૧૬ જાન્યુઆરીના રોજ ચૂંટણી માટે મતદાન થવાનું છે ત્યારે મહાજનની પેનલે ‘અબતક’ની મુલાકાત લીધી હતી.
જેમાં છેલ્લી ૩૦ મિનિટની વાર હતી ત્યારે ફોર્મ ભરી ઉમેદવારી દાખલ કરાવનાર સમીરભાઈ શાહે કહ્યું હતું કે, છેલ્લા બે વર્ષથી મહાજન સંસ્થા વેપારી તેમજ ઉદ્યોગોના પ્રશ્ર્નોને હલ કરવાને બદલે આંતરીક રાજકારણ અને વ્યક્તિગત હુંસાતુસીમાં સમય પસાર કરી રહ્યું છે.
જો કે, હજુ ચેમ્બરમાં કેટલાક એવા લોકો છે જે ખરેખર કામ કરવા ઈચ્છે છે. પરંતુ આ તો સિધ્ધાંતોની લડાઈ છે, જેમાં વેપાર ઉદ્યોગ માટે જે જરૂરી છે એ જ થવું જોઈએ.
કુલ ૨૪ માંથી ૨૩ સીટો માટેની ઉમેદવારી નોંધાઈ હતી. જેમાંથી આખરી સીટ માટે મને ઘણા બધા લોકોએ લેખીત તેમજ મૌખીક તેમની લાગણી હતી કે, ૨૪માં ઉમેદવાર તરીકે જો સમીરભાઈ શાહ આવે તો ચેમ્બર ઓફ કોમર્સની સ્થિતિ હજુ પણ સુધારી શકાય છે.
જયારે મેં ઉમેદવારી ફોર્મ ભર્યું ત્યારે બન્ને પક્ષોએ સમાધાન કરી લેવાનો નિર્ણય લીધો કે હવે તો સમીરભાઈ આવી રહ્યાં છે. ત્યારથી જ મને જીતનો અહેસાસ થયો છે. ત્યારે હવે ચેમ્બરની સ્થિતિ કઈ રીતે સુધારવી તેને લઈને પણ કાર્યવાહી કરવામાં આવશે.
વાયબ્રન્ટ સૌરાષ્ટ્રનું ભવ્ય આયોજન, વેપારીઓના પ્રશ્ર્નો, સામાન્ય નાગરિકોના પ્રશ્ર્નો અને સચ્ચોટ રજૂઆતને લઈ વેપાર ઉદ્યોગના હિતલક્ષી કાર્યો કરવામાં આવશે. મહાજનની પેનલમાં સમીરભાઈ મધુભાઈ શાહ, અરવિંદભાઈ રાયચંદ્ર શાહ, અશ્ર્વિનભાઈ ભાલોડીયા, રાજુભાઈ જુંજા, શ્યામભાઈ શાહ, રાજેશભાઈ ધામી, નરેશભાઈ જી.શેઠ, રાજેશભાઈ સવનીયા, પ્રણયભાઈ શાહ, સુનિલભાઈ ધામેચા અને ભાવિનભાઈ ભાલોડીયાનો સમાવેશ થાય છે.
રાજુભાઈ જુંજા
૨૬ વર્ષથી એડવર્ટાઈઝમેન્ટ, ૧૭ વર્ષથી પત્રકાર તરીકે સેવા આપી રહેલ રાજુભાઈ જુંજા વર્ષોથી ચેમ્બર ઓફ કોમર્સ સાથે જોડાયેલા છે. તેઓ ૧૫ વર્ષની ઉંમરથી જ સેવાના કામ સાથે જોડાયેલા છે. જે શહેરની ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે લોક જાગૃતિ અભિયાનમાં જોડાયેલ છે. મ્યુનિસિપલ કોર્પોરેશન ઉપરાંત ઘણી બધા સામાજીક કાર્યો કરવામાં રાજુભાઈ અગ્રેસર રહ્યાં છે.
સમીર શાહ
બી.ઈ.કેમીકલનો અભ્યાસ કરેલ રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝના ભૂતપૂર્વ પ્રમુખ ૫૯ વર્ષની ઉંમર ધરાવે છે. હાલમાં તેઓ સૌરાષ્ટ્ર ઓઈલ મીલ એસોસીએશનના પ્રમુખ તરીકે ફરજ બજાવે છે. તેઓ ઉદ્યોગ ક્ષેત્રે તેમજ સામાજિક ક્ષેત્રે પણ ખુબજ સક્રિય રહ્યાં છે. ઉદ્યોગલક્ષી પ્રશ્ર્નોને તેઓ વાંચા આપતા રહ્યાં છે.
અરવિંદભાઈ શાહ
અરવિંદભાઈ શાહ છેલ્લા કેટલાક સમયથી ઉદ્યોગ ક્ષેત્રે તેમજ સામાજિક કાર્યો કરતા આવ્યા છે. તેઓ અવિરત ઉદ્યોગના વિકાસને લઈને તટસ્થ રહ્યાં છે. અરવિંદભાઈ છેલ્લા ૬૫ વર્ષથી સોની કામના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેઓ જૈન સમાજમાં પણ આગવી પ્રતિષ્ઠા ધરાવે છે. રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સમાં ૨૦૧૨ થી લઈ અવિરત કામગીરી કરી રહ્યાં છે.
શ્યામ શાહ
બી.કોમનો અભ્યાસ કરેલ ૪૬ વર્ષીય રાજકોટ નિવાસી શ્યામ એમ.શાહ ૧૯૯૩થી વેપાર અને ઉદ્યોગ સાથે જોડાયેલા છે. અખુટ આત્મવિશ્ર્વાસ અને સમજણ શક્તિથી કામ કરવાના જુસ્સા સાથે તેઓ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ કારોબારીની ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવેલ છે.
સુનિલ ધામેચા
બી.કોમ.નો અભ્યાસ કરેલ સુનિલ એમ.ધામેચા જીઆઈડીસી ઈન્ડસ્ટ્રીઝ એસોસીએશનમાં ચાર વર્ષથી કમીટી મેમ્બર છે. તેઓ રાજકોટ પ્રિન્ટીંગ અને પેકેજિંગ એસોસીએશનના સેક્રેટરી રહી ચૂકયા છે. આ સાથે જ કર્મ ફાઉન્ડેશનના ચેરમેન પદ ઉપરાંત રાજકોટ સાયકલ કલબના પણ સક્રિય સભ્ય છે.
અશ્ર્વિન ભાલોડીયા
અશ્ર્વિન છગનભાઈ ભાલોડીયાનો જન્મ ૬/૫/૧૯૬૬માં થયો હતો. અશ્ર્વિનભાઈ ગોંડલ ખાતે વિરલ બેટરી સર્વિસ સાથે જોડાયેલ છે. તેમજ બિઝનેશ બેટરી એકસાઈડનો પણ બિઝનેશ ધરાવે છે. વેપાર અને ઉદ્યોગને વેગ મળે તે માટે અશ્ર્વિનભાઈ ખુબજ નાની ઉંમરથી સેવાકાર્યોમાં અવિરત જોડાયેલ છે.
રાજેશ સવનીયા
એમડી એન્ડ્રોઈડ કોર્પોરેશન પ્રા.લી.ના રાજેશભાઈ લાલજીભાઈ સવનીયા જીએસટી કન્સલટન્ટ છે. તેઓ પ્રોજેકટ ફાયનાન્સ અને સબસીડીના નિષ્ણાંત સાથે સાથે રાજકીય અને સામાજિક યુવા અગ્રણી પણ છે. છેલ્લા એક વર્ષમાં તેમણે ૫૦૦થી વધુ લોકોના માં અમૃતમ કાર્ડ કઢાવવાની કામગીરી પૂર્ણ કરી છે.
પ્રણય શાહ
ડિઝલ એન્જીન અને સ્પેર્સના બિઝનેસ સાથે સંકળાયેલા પ્રણય જે.શાહ બી.કોમનો અભ્યાસ કરેલ છે. તેઓ છેલ્લા કેટલાક વર્ષોથી સામાજિક કાર્યો સાથે જોડાયેલ છે. તેઓ રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી સાથે ૨૦૧૨થી બોર્ડના મેમ્બર તરીકે જોડાયેલ છે અને એકસ્પોર્ટ કમીટીના ચેરમેન પણ છે. આ સાથે તેઓ રોટરી કલબ રાજકોટ ગ્રેટરમાં પણ એક્ટિવ છે.