ચૂંટણીની સમગ્ર કાર્યવાહી સંભાળવા હરકિશોરભાઈ બચ્છાના ચેરમેન પદે ત્રણ સભ્યોની સમિતિની રચના
રાજકોટ ચેમ્બરની કાર્યવાહક સમિતિની ૨૪ સભ્યોની વર્ષ ૨૦૧૭-૧૮, ૨૦૧૮-૧૯ અને ૨૦૧૯-૨૦ના ત્રણ વર્ષની ચુંટણી તા.૨૯/૪/૨૦૧૭ શનિવારના રોજ યોજવામાં આવી છે. ચુંટણીની કાર્યવાહી સંભાળવા અને સમગ્ર ચુંટણીની કાર્યનું સંચાલન કરવા વર્તમાન કારોબારી સમિતિએ ચુંટણી સમિતિની રચના કરી છે. જેના ચેરમેન તરીકે હરકિશોરભાઈ બચ્છા અને સભ્ય તરીકે જયંતભાઈ દેસાઈ, જગદીશભાઈ ભિમાણીને તથા આમંત્રિત સભ્ય તરીકે જીતુભાઈ દેસાઈની નિમણુક કરી જવાબદારી સોંપેલ છે.
રાજકોટ ચેમ્બરની કારોબારી સમિતિની ચુંટણી કાર્યક્રમ મુજબ ઉમેદવારી પત્ર તા.૬/૪ થી તા.૮/૪ દરમ્યાન આપવામાં આવશે. જે ચેમ્બરની ઓફિસમાં તા.૧૦/૪ના રોજ સાંજના ૫:૦૦ વાગ્યા સુધી રજુ કરી શકાશે. જેની ચકાસણી તા.૧૧/૪ ના રોજ ચુંટણી સમિતિ કરશે અને ઉમેદવારી પત્ર ચકાસણી બાદ ત્રણ દિવસમાં સ્વિકૃત અને નામંજુર થયેલ ઉમેદવારી પત્રની યાદી ચેમ્બરના નોટિસ બોર્ડ ઉપર મુકાશે. ઉમેદવારી પત્ર તા.૧૨/૪ થી તા.૧૪/૪ સુધીમાં પાછુ ખેંચી શકાશે તથા માન્ય ઉમેદવારોની આખરી યાદી તા.૧૫/૪ ના રોજ ચેમ્બરના નોટિસ બોર્ડ ઉપર મુકાશે.
ચુંટણી તા.૨૯/૪ના રોજ કાલાવડ રોડ પર આવેલ સૌરાષ્ટ્ર હાઈસ્કુલ હોલમાં યોજાશે. ચુંટણી માટે મતદાનનો સમય સવારના ૯ થી ૬ વાગ્યા સુધીનો નિર્ધારીત કરાયો છે અને મતદાન પુ‚ થયા બાદ બીજા દિવસે તા.૩૦/૪ રવિવારના રોજ એજ સ્થળે મતગણતરી કાર્યવાહી હાથધરાશે. તેમ ચુંટણી સમિતિવતી ચેરમેન હરકિશોરભાઈ બચ્છાએ અખબારી યાદીમાં જણાવ્યું છે.