26 ફેબ્રુઆરીના રોજ સૌરાષ્ટ્ર હાઈસ્કૂલ ખાતે ચેમ્બરની ચૂંટણીનું મતદાન યોજાશે અને 27મીએ તેનું પરિણામ જાહેર થશે
અબતક, રાજકોટ
વર્તમાન પેનલ સામે પૂર્વ હોદેદારે 9 ફોર્મ ભર્યા : 18મીએ વી.પી.ની પેનલના 15 ઉમેદવારો ફોર્મ પરત ખેંચશે, 24 ઉમેદવારો ચૂંટણી લડશે
રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝની ચૂંટણીના ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ હતો. જેમાં વી.પી.વૈષ્ણવની પેનલે 39 ફોર્મ ભર્યા છે. સામેની પેનલે 9 ફોર્મ ભર્યા છે. એટલે હવે સમરસ બનવાના છેદ ઉડ્યા છે. ચૂંટણી આગામી 26મીએ યોજાશે.
રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સની ચૂંટણીના ફોર્મ ઉપાડવાનો પ્રારંભ ગત તારીખ 10 ફેબ્રુઆરીથી થયો હતો. આજે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ હતો. વર્તમાન પેનલના હોદેદારો વી.પી.વૈષ્ણવ સહિત 39 જેટલા સભ્યોએ ફોર્મ ભર્યા છે. જેમાંથી 14 જેટલા ફોર્મ પરત ખેંચવામાં આવશે અને 24 ઉમેદવારોને ચેમ્બરની ચૂંટણી લડાવાશે. રાજકોટ ચેમ્બરની ચૂંટણીમાં ત્રિપાંખીયો જંગ જામશે તેવું શરૂઆતના સમયથી ચર્ચાઈ રહ્યું હતું. જેમાં ઉપેન મોદી, ટ્રાન્સપોર્ટ એસોસીએશનના પ્રમુખ હસુ ભગદેવના માર્ગદર્શન હેઠળ ચેમ્બરની ચૂંટણીમાં અન્ય પેનલ ઝંપલાવશે તેવી ચર્ચા જોરશોરથી ચાલી રહી હતી પરંતુ અંતિમ ઘડીએ ઉપેન મોદી અને હસુ ભગદેવે ચૂંટણી નહીં લડવાના નિર્દેશ આપી દેતાં ચેમ્બરની ચૂંટણી બિનહરીફ થવાની અને વર્તમાન પેનલ જ ફરી ચેમ્બરનું સુકાન સંભાળશે તેવુ કહેવામાં આવી રહ્યું હતું. પણ ગૌતમ ધમસાણીયા નામના પૂર્વ હોદેદારોએ 9 ફોર્મ ભર્યા હોવાનું જાણવા મળ્યું છે. જેથી હવે સમરસ બની શકે તેમ નથી. ઉલ્લેખનીય છે 15 ફેબ્રુઆરીએ ફોર્મની ચકાસણી કરવામાં આવશે અને તેમાંથી વિસંગતતા લાગતાં ફોર્મને રિજેકટ કરવામાં આવશે. જયારે ફોર્મ પરત ખેંચવાની છેલ્લી તારીખ 18 ફેબ્રુઆરી છે ત્યારે ચેમ્બરની ચુંટણી લડવા માંગતા ઉમેદવારોનું ચિત્ર એકદમ સ્પષ્ટ થઈ જશે. અને 26 ફેબ્રુઆરીના રોજ સૌરાષ્ટ્ર હાઈસ્કૂલ ખાતે ચેમ્બરની ચૂંટણીનું મતદાન યોજાશે અને 27મીએ તેનું પરિણામ જાહેર કરવામાં આવશે.