વર્તમાન પ્રમુખ વી.પી. વૈષ્ણવની પેનલ સામે હવે માત્ર ચાર ઉમેદવારો જ મેદાનમાં: આવતીકાલ સાંજ સુધીમાં ચૂંટણી ચિત્ર થશે સ્પષ્ટ
અબતક, રાજકોટ
રાજકોટની પ્રતિષ્ઠિત મહાજન સંસ્થા રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીની આગામી 26મીએ યોજાનારી ચૂંટણી પૂર્વે ચેમ્બર સમરસ થાય તેવા એંધાણ વર્તાઇ રહ્યા છે. વર્તમાન પ્રમુખ વી.પી. વૈષ્ણવની 24 ઉમેદવારોની પેનલ સામે હવે માત્ર 4 જ હરિફો મેદાનમાં છે. આવતીકાલ સાંજ સુધીમાં ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થઇ જશે. ચૂંટણી થશે તો પણ વી.પી.ની જીત નિશ્ર્ચિત થઇ જવા પામી છે. ચેમ્બરની ચૂંટણી લડવા માટે કુલ 59 ફોર્મ ઉપડ્યા હતા. જે પૈકી 56 ફોર્મ ભરાઇને પરત આવ્યા હતા. ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાની આડે હવે એક જ દિવસ બાકી રહ્યો છે. દરમિયાન આજે વધુ બે ઉમેદવારોએ પોતાના ફોર્મ પરત ખેંચી લીધા છે.
હવે વર્તમાન પ્રમુખ વી.પી. વૈષ્ણવની 24 સભ્યોની પેનલ સામે માત્ર ચાર ઉમેદવારો જ મેદાન રહ્યા છે. આવતીકાલ સાંજ સુધીમાં આ ચાર ઉમેદવારોને પણ પરત ખેંચી લેવા માટે મનાઇ લેવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ચેમ્બરની ચૂંટણી સમરસ થાય તેવી પ્રબળ સંભાવના હાલ જણાઇ રહી છે. જો કે, 26મીએ ચૂંટણી યોજાશે તો પણ વી.પી.ને મતદાન પહેલા જ બહુમતી મળી જવા પામી છે. ચેમ્બરના પ્રમુખ તરીકે ફરી એકવાર વી.પી. સત્તારૂઢ થશે. તે નિશ્ર્ચિત બની ગયું છે.