ચૈત્રી નવરાત્રી વિક્રમ સંવત 2078ના ચૈત્રી નવરાત્રી મહોત્સવનો ગઈકાલે જ ભાવભેર પ્રારંભ થઈ ચૂક્યો છે ત્યારે જમ્મુ-કાશ્મીરના કટરામાં આવેલ માતા વૈષ્ણોદેવી મંદિર ભાવિકોના સ્વાગત માટે સોળે કળાએ સજાવવામાં આવ્યું છે. કોરોનાની વધતી જતી મહામારીને પગલે મંદિરને પુરી રીતે સેનેટાઈઝ કરવામાં આવ્યું છે. દેશભરમાંથી ભાવિકોનો પ્રવાહ માતા વૈષ્ણોદેવીના સાનિધ્યમાં જઈ રહ્યો છે ત્યારે ટ્રેન મારફત આવતા તમામ યાત્રાળુઓની ફરજિયાત કોરોના ટેસ્ટીંગની વ્યવસ્થા અને જેનો રિપોર્ટ નેગેટીવ આવે તેમને જ વૈષ્ણોદેવી મંદિરમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. શ્રધ્ધાળુઓ માટે કોવિડ ગાઈડ લાઈનનું પાલન કરવું અને પૂજા દર્શન માટે વિવિધ નિયમોનું અનુશાસન ફરજિયાત કરાવવામાં આવ્યું છે.
વૈષ્ણોદેવી મંદિરે ફૂલોના શણગાર કરવામાં આવ્યા છે, ભાવિકોની શ્રધ્ધામાં કોરોના મહામારીએ જરા પણ ઓટ આવવા દીધી ન હોય તેમ ફૂલોથી સજાવાયેલા વૈષ્ણોદેવીના મંદિરમાં કોવિડ ગાઈડ લાઈન સાથે દર્શન માટે પ્રવેશતા દરેક શ્રધ્ધાળુના મોઢા ઉપર માતાના દરબારમાં આવ્યાનો સંતોષ અને આ મહામારીમાંથી ભારત સહિતનું વિશ્ર્વ સાંગોપાંગ પાર ઉતરી જશે તેવી શ્રધ્ધા છલકાઈ રહી છે. ગઈકાલથી શરૂ થયેલી ચૈત્રી નવરાત્રીને લઈ માતા વૈષ્ણોદેવી શ્રાયન બોર્ડ દ્વારા માતા વૈષ્ણોદેવીના દર્શને આવતા ભાવિકોની તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે.
દર્શની દેવડી, બાળગંગા, અર્ધકુવારી, તારાકોટ માર્ગ, હિમકોટી માર્ગ, ભવન, ભૈરવ પરિસર અને કટરા સહિતના વિસ્તારોમાં વૈષ્ણોદેવી યાત્રાળુઓનો રજિસ્ટર સેન્ટર ઉભા કરવામાં આવ્યા છે. દરેકના કોરોના નેગેટીવ આવ્યા બાદ જ મંદિરમાં પ્રવેશ આપવાનો નિયમ પાળવામાં આવી રહ્યો છે. નવરાત્રી મહોત્સવ દરમિયાન સવારે 10 થી 12 યજ્ઞનું ટીવી પર જીવંત પ્રસારણ કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે. માતા વૈષ્ણોદેવી મંદિરમાં અત્યારે ભાવિકો કોવિડ ગાઈડ લાઈન સાથે દર્શન કરી રહ્યાં છે પરંતુ મંદિર પરિસરમાં ભક્તિના માહોલના ઘોડાપુર દેખાઈ રહ્યાં છે.