ચડ્ડી બનિયાનધારીઓએ પોલીસની આબરુ લૂંટી: જોરાવરનગર પોલીસ મથકથી માત્ર બે કિ.મી.નું અંતર રાત્રે 20 ખાખી ધારી ડ્યુટી પર છતાં ગેંગ કળા કરી ગઇ
સુરેન્દ્રનગર મુળી રોડ ઉપર આવેલા મેકસન સર્કલની આજુ બાજુમાં આવેલી ફેકટરીઓને નિશાન બનાવીને તસ્કર ગેંગ ત્રાટકી હતી.એક જ રાતમાં માત્ર 2.30 કલાકમાં જ 15થી વધુ ફેકટરીના તાળાં તોડીને રોકડ સહિત અંદાજે રૂ.3 લાખની વધુની મતાનો સફાયો કરી જતા ઉદ્યોગકારોમાં ભય સાથે રોષની લાગણી ફેલાઇ છે. ચડ્ડી બનિયાનધારી ગેંગ (સીબીડી ગેંગ) જાણે પોલીસને પડકાર ફેંકતી હોય એમ ગણતરીના સમયમાં આતંક મચાવી ફરાર થઇ ગઇ હતી.
સુરેન્દ્રનગર મુળી રોડ ઉપર આવેલી અંતરિયાળ ફેકટરીને નિશાન બનાવીને તસ્કરો ત્રાટકયા હતા. જેમાં આશરે 6 થી 7 લોકોની આ ગેંગ સીસી ટીવીમાં કેદ થઇ ગઇ હતી.ફેકટરીના શટર તોડવા માટે કોંસ અને હાથમાં ધારિયા અને તલવાર જેવા હથિયારો સાથે આ ગેંગ ત્રાટકી હતી. જો ફેકટરીમાં કોઇ હોય અને સામનો કરે તો દૂરથી બચાવ માટે આરોપીઓએ હાથમાં પથ્થરો પણ રાખ્યા હતા.
અંદાજે દોઢ વાગ્યાના સમયે પહેલા કારખાનામાં પ્રવેશ કરીને વહેલી સવારે 4 વાગ્યાના અરસામાં તો તમામ જગ્યાએ તાળા તોડીને તસ્કર ગેંગ રવાના થઇ ગઇ હતી. કોઇની ફેકટરીમાંથી રૂ.25 હજાર તો કોઇની ફેકટરી માંથી રૂ.1 લાખ મળીને કુલ 3 લાખ જેટલી મતાનો હાથ સાફ કરી ગયા હતા.તો ઘણા કારખાનાઓમાં તો ચોરને ફોગટનો ફેરો પણ થયો હતો.આ બનાવ અંગે જોરાવરનગર પોલીસે ફેકટરીના માલિકોની અરજી લઇને તસ્કરોનુ પગેરૂ દબાવવા માટે દોડધામ શરૂ કરી છે.
ફેકટરીના માલિકના ઘરેથી સોનાનો ચેઇન તુટી ગયો હતો. આથી આ ચેન રીપેર કરવા માટે આપ્યો હતો. પરંતુ માલિકને કંપનીમાં કામ વધુ હોય સોનીને ત્યા ચેઇન રીપેર કરવા માટે આપવા જઇ શકયા ન હતા. બીજા દિવસે સોનીને ત્યા જઇને ચેઇન રીપેર કરાવી શુ તેમ કહીને સોનાનો ચેઇન ઓફિસમાં રાખ્યો હતો. તે ચેઇન પણ ચોરાયો.