ભૂમાફિયા જયેશ પટેલે મોબાઇલમાં ધમકી દીધાનો ઓડિયો વાયરલ થયો’તો
જામનગરના ભૂ માફિયા જયેશ પટેલ તંત્ર માટે મોટો પડકાર બન્યો હોય તેમ તેના મનાતા ચાર સાગરિતોએ વહેલી સવારે પટેલ અગ્રણી પર ફાયરિંગ કર્યાનું પ્રકાશમાં આવતા સનસનાટી મચી ગઇ છે. ફાયરિંગ કરી ફરાર થયેલા ચારેય શખ્સોને ઝડપી લેવા પોલીસે નાકાબંધી કરી વિવિધ દિશામાં તપાસ હાથધરી છે.આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ રણજીત સાગર રોડ પર આવેલા ઇવા પાર્ક પાસે ટીના પેઢડીયા નામના પટેલ અગ્રણી પર સવારે ઘસી આવેલા ચાર શખ્સોએ ફાયરિંગ કરતા ટીનાભાઇ પેઢડીયાના ચહેરા પર ગોળી લાગતા ઘવાયા હતા.
તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.ટીનાભાઇ પેઢડીયા પર અચાનકર સરા જાહેર ફાયરિંગ થતા નાસભાગ મચી ગઇ હતી. ગોળીબારની ઘટનાની પોલીસને જાણ થતા એલસીબી અને એસઓજી સહિતનો પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોચી ફાયરિંગ કરી ભાગી છુટેલા ચારેય શખ્સોને ઝડપી લેવા શહેરભરમાં નાકાબંધી કરાવી છે.હુમલાખોર કયા વાહનમાં આવ્યા હતા અને કંઇ તરફ ભાગ્યા તે અંગેની વિગતો પણ પોલીસ દ્વારા તપાસ શ કરાઇ છે. ત્યારે પોલીસ સુત્રોમાંથી પ્રાપ્ત વિગત મુજબ ટીનાભાઇ પેઢડીયા કોંગ્રેસ સાથે જોડાયેલા હોવાનું અને તેમને ભૂ માફિયા જયેશ પટેલ દ્વારા મોબાઇલમાં ખૂનની ધમકી દીધા અંગેનો ઓડિયો વાયરલ થયો હોવાનું બહાર આવતા જયેશ પટેલના સાગરિતો દ્વારા ફાયરિંગ કર્યાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જયેશ પટેલ સામે જમીન કૌભાંડ અને એડવોકેટ કિરીટભાઇ જોષીની હત્યા સહિત અનેક ગુનામાં સંડોવાયેલો હોવાનું અને તેને તંત્ર દ્વારા ભાગેડુ જાહેર કરવા છતાં વાયા નેપાળ થઇ ભારતમાં આવી ગુનાખોરી આચરતો હોવાની ચર્ચાએ પણ ચકચાર જગાડી છે. ત્યારે જયેશ પટેલ તંત્ર માટે મોટો પડકાર બની ગયો છે. જયેશ પટેલ ઝડપાય તો કેટલાય પગ તળે રેલો આવે તેમ હોવાનું જાણકારો કહી રહ્યા છે.