ઓછું પાણી નહીં પરંતુ ‘વિતરણ’ વ્યવસ્થાની ગડબડે સમસ્યા ઉભી કરી
કલ્પસર યોજના પર સરકાર કામ કરી રહી છે: ભુપેન્દ્રસિંહ ચુડાસમા
સૌરાષ્ટ્ર અને રાજકોટ જિલ્લામાં પાણીની અછતની સમસ્યાનું નિરીક્ષણ કરવા માટે ગુજરાત કેબિનેટ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા સમીક્ષા બેઠક રાજકોટ કલેકટર ઓફિસ ખાતે યોજી હતી જેમાં પાણીની સમસ્યાનું નિરાકરણ અને તેનું નિવારણ કઈ રીતે કરી શકાય તે અંગે ઉચ્ચ અધિકારીઓ સાથે ચર્ચા-વિચારણા પણ કરી હતી. પત્રકારો સાથે વાતચીત કરતાં ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર અને રાજકોટ જિલ્લામાં વરસાદ ઓછો થવા છતાં સૌની યોજનાથી સૌરાષ્ટ્રને પાણીની સમસ્યાનો સામનો કરવો પડયો નથી અને રાજકોટ જિલ્લાની જો વાત કરવામાં આવે તો રાજકોટ જિલ્લાનાં મુખ્યત્વે બે જળસ્ત્રોત એવા આજી ડેમ અને ન્યારી ડેમમાં પણ નર્મદાનાં નીર આપવાથી જે પાણીની સમસ્યાનો સામનો જે ઉદભવિત થતો હતો.
તે હવે નહીં થાય એટલી કહી શકાય કે સૌની યોજનાથી રાજકોટ જિલ્લાને અને સૌરાષ્ટ્રને કોઈ માઠી અસર પડી નથી. વધુમાં તેઓએ વિતરણ વ્યવસ્થા અને સ્ટોરેજ કેપેસીટી વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે, તંત્રની કયાંક ખામી પણ દેખાઈ રહી છે. કારણકે જે સ્ટોરેજ વ્યવસ્થા હોવી જોઈએ તે જોવા મળતી નથી. આ સમસ્યા અને આ તકલીફને આગામી સમયમાં પૂર્ણ કરવામાં આવશે.
વધુમાં ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ માહિતી આપતા જણાવ્યું હતું કે, સરકાર નવા જળસ્ત્રોતો બનાવવાની કામગીરીને પણ હાથ પર લઈ લીધેલી છે જે આવનારા સમયમાં નવા જળસ્ત્રોતો પણ ઉભા થશે જેનાથી પાણીની સમસ્યા એક ભુતકાળ પણ બની જશે. કલ્પસર યોજના વિશે વિગત આપતા કેબિનેટ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, સરકાર કલ્પસર યોજનાને લઈ કાર્ય કરી રહી છે પરંતુ યોજના ખુબ જ મોટી હોવાથી તેમાં સમય વ્યતિત થઈ રહ્યો છે. જયારે કલ્પસર યોજના લાગુ થઈ જશે ત્યારબાદ ગુજરાતને સવિશેષ સૌરાષ્ટ્રને પાણી પ્રશ્ર્ને કોઈપણ પ્રકારની તકલીફ કે સમસ્યાનો સામનો નહીં કરવો પડે.