વિશ્વમાં આખું વર્ષ અલગ-અલગ દેશોમાં ઉડતી રહે છે ‘પતંગ’!!.
હડપ્પા અને મોહેં-જો-દરોની સિંધુ સંસ્કૃતિના મળી આવેલા અવશેષોમાં અમુક ચિત્રલિપીમાં પતંગની આકૃતિ જોવા મળે છે: ભારતમાં પતંગ નામનો સર્વપ્રથમ ઉલ્લેખ મંઝન નામના કવિએ તેની કવિતા મધુમાલતીમાં કર્યો હતો
આપણે મકરસંક્રાંતિએ પતંગ ઉડાડીએ છીએ પણ આજે કે કાલે કે આવતા મહિને પણ વિશ્ર્વનાં અલગ-અલગ દેશોના પ્રદેશોમાં પતંગ ઉડતી જ રહે છે. આપણાં દેશમાં પતંગને તિલંગી, પાવોલ, મકડા, ગાલપિટ્ટ અને પડાઇ જેવા નામોથી બોલાવાય છે. વિશ્ર્વમાં અલગ-અલગ દેશોમાં તેના આકાર, કદ, દેખાવ મુજબ તેના નામે જાણિતા છે. પતંગ શબ્દ હકિકતમાં સંસ્કૃત શબ્દ છે. આપણા દેશમાં કે વિશ્ર્વમાં તેના આકાર-કદ મુજબ વિવિધ નામો છે તેમ આપણા ગુજરાતમાં પણ તેને ફૂમતાવાળા, પૂછડીવાળા, કાગડી, આંખદાર, પીળી, બગલું, ભૂરી ભાતવાળા જેવા વિવિધ નામો છે. તેના ઝુંડને પંજો અને 20 પતંગોને કે જથ્થાને ફૂડી કહેવાય છે.
પતંગો વિશેની અનેક કથા અને વાતો જાણીતી છે. તુલસીદાસ કૃત રામાયણના બાલકાંડની ચોપાઇ તેનો ઉલ્લેખ અને રામે પતંગ ઉડાડી હોવાનો ઉલ્લેખ જોવા મળે છે. ત્રણ હજાર વર્ષ પહેલા વનસ્પતિના પાંદડામાંથી પણ પતંગો બનતી હોવાનું માનવામાં આવે છે. સૌ પ્રથમ વિશ્ર્વમાં ઇ.સ.પૂર્વે 206માં પ્રથમ પતંગ ચગાવનાર ચીગના હુઆન થેંગ હતા. વિશ્ર્વનો સૌથી મોટો પતંગ 630 ચોરસ મીટરનું કદ ધરાવતો હતો, જ્યારે લાંબો પતંગ 1034 મીટરની લંબાઇ ધરાવતો હતો. જાપાનના એક પતંગ બાજે એક જ દોરી ઉપર 11284 પતંગ ઉડાડવાનો વર્લ્ડ રેકોર્ડ ધરાવે છે. સૌથી દૂર ઉડાવવાનો વર્લ્ડ રેકોર્ડ 3801 મીટરનો છે. અત્યાર સુધી ઝડપી પતંગ ઉડાડવાના રેકોર્ડમાં કલાકની 193 કિ.મી. ઝડપે પતંગ ઉડાડવાનો છે. થાઇલેન્ડમાં પતંગ ઉડાડવાના 78 નિયમો નક્કી કરાયા છે.
આકાશમાં રંગબેરંગી પતંગ ચગાવવાના અનેરા અવસરનું ઉત્સવ પર્વ મકર સંક્રાંતિને આડે હવે વેઢે ગણી શકાય તેટલા દિવસો બાકી રહ્યા છે ત્યારે પતંગ રસિયાનો ઉમંગ, ઉત્સાહ પતંગની જેમ જ આભને આંબી રહ્યો છે. જો કે આ વર્ષે કોરોનાની મહામારીને કારણે ડરના માર્યા લોકો પતંગ ચગાવવા અગાશી ઉપર આવશે કે પછી ડરથી ઘરમાં પૂરાઇ રહેશે તે તો 14મીએ જ ખબર પડશે. સરકારે પણ ધાબા ઉપર 50 થી વધુ માણસોને ભેગા થવા ગાઇડ લાઇન જાહેર કરી છે.
ગુજરાતના અમદાવાદમાં તો બે દિવસ ઉત્સવ જેવો માહોલ હોય છે. અહિં વાસી ઉતરાયણનું વિશેષ મહત્વ છે. સુરત, બરોડા, રાજકોટ જેવા અનેક શહેરોમાં પતંગ રસીઓએ દોરો પાવાથી લઇને પતંગના આયોજન પણ કરી નાખ્યા છે. ધાબા ઉપર પરિવાર સાથે મિત્રો સાથે સવારથી સાંજ જલ્વામાં ડીજે, ચીકી, બોર, જીંજરા, ખજૂર, ઉંધીયુ જેવા વ્યંજનો પણ સામેલ થાય છે. અત્યારે તો બઝારમાં પતંગ દોરા, ફિરકી વિગેરેની ધૂમ લેવાલી નિકળી પડી છે. નિત નવા પતંગો પણ આ વર્ષે જોવા મળી રહ્યા છે.
વિશ્વમાં સૌથી પ્રાચિન ગ્રંથ ઋગવેદમાં સૂર્ય માટે પતંગ શબ્દ વપરાયો હતો: જાણકારોના મત મુજબ પતંગનું અસ્તિત્વ રામાયણઅને મહાભારત કાળમાં પણ હતું
આપણાં સૌરાષ્ટ્ર ગુજરાતમાં વર્ષમાં એક જ વખત મકર સંક્રાંતિ એજ પતંગ ચગાવાય છે પરંતુ દેશના અલગ-અલગ પ્રદેશોમાં કોઇને કોઇ પર્વને નિમિત્ત બનાવીને લોકો પતંગ ઉડાડે છે, તેથી દેશમાં આખુ વર્ષ કોઇને કોઇ તહેવારે પતંગ ઉડતી જ રહે છે. આ અંગેની વિગતો પતંગ, દોરા અને ખાસ માંજો પાવાવાળા ધંધા સાથે સંકળાયેલા અને ધંધાને કારણે દેશભરમાં ફરતા રહેતા ધંધાર્થીઓ પાસેથી ‘અબતક’ને જાણવા મળેલી વિગત મુજબ પશ્ર્ચિમ બંગાળમાં મૂળ બંગાળીઓ નવરાત્રી દરમ્યાન વિશ્ર્વકર્માં જયંતિ ઉજવણીએ પતંગ ઉડાવીને પતંગ પર્વ ઉજવે છે.
રાજસ્થાનમાં ખાસ કરીને બિકાનેર શહેરમાં અખાત્રીજે પતંગ રસીયા પતંગ ચગાવે છે. આ પાછળના કારણોમાં રાજસ્થાનના રાજવી રાવ બિકાજીએ અક્ષય તૃતિયાના દિવસે બિકાનેર શહેર વસાવેલ તેથી સ્થાપના દિવસે ઉજવણીના ભાગરૂપે પતંગ ઉડાડાય છે. આ દિવસે ખીચડો ખાવાનું વિશેષ મહત્વ છે. અખાત્રીજ પહેલા બીજના દિવસથી જ પતંગ ઉડાડાય છે. રાજસ્થાનના બીજા એક શહેર જોધપુરમાં અખાત્રીજે પતંગ ચગાવવાનો રિવાજ છે, પરંતુ અખાત્રીજ કરતાં રક્ષાબંધનના દિવસે પતંગો વધુ ચગાવાય છે. રાજ્યના જયપુરમાં મકર સંક્રાંતિએ જ પતંગ ઉડાડાય છે.
પાટનગર દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં સ્વાતંત્ર્ય પર્વે પતંગ ચગાવાય છે. જ્યારે મોહમયી બોલીવુડ નગરી મુંબઇમાં દિવાળી દરમ્યાન પતંગ રસીયા પતંગ ચગાવે છે. જો કે હવે મુંબઇમાં ગુજરાતી સ્થાય થયેલા ગુજ્જુ પરિવારો 14મી જાન્યુઆરી મકર સંક્રાંતિએ જ પતંગ ઉડાડે છે. દક્ષિણના પ્રમુખ રાજ્ય તામિલનાડુમાં પોંગલ ઉત્સવમાં પતંગ પ્રજા ચગાવે છે.
આખા દેશમાં પતંગ ઉડાડવાનું વિશેષ મહત્વ ઉત્તર પ્રદેશમાં છે. અહીં પતંગ રસીયાઓ બારેમાસ પતંગ ઉડાડતા જોવા મળે છે. લખનૌમાં દિવાળી પર્વે તો કાનપુરમાં રક્ષાબંધને, મુરાદાબાદમાં વસંત પંચમીએ પતંગ ઉડાવવાનો રિવાજ છે. આપણા ગુજરાતમાં અપવાદરૂપ પ્રભાષ પાટણમાં મકર સંક્રાંતિએ પતંગ નથી ઉડતી પણ ભર ચોમાસે પિતૃ શ્રાધ્ધના દિવસોથી પતંગ ઉડાવવાનું શરૂ કરાય છે જે છેક દેવ દિવાળી સુધી ચાલે છે. પંજાબ, હરિયાળામાં મકર સંક્રાંતિ ‘માઘી’ નામથી ઓળખાય છે. સંક્રાંતિનો એક દિવસ પહેલા ‘લોહિડી’નો ઉત્સવ મનાવે છે. આપણા દેશમાં અલગ-અલગ નામથી દેશભરમાં સંક્રાંતિનું પર્વ મનાવાય છે અને આખુ વર્ષ પતંગના પડછાયા દેશમાં ક્યાંયને ક્યાંક ઝીલાતા રહે છે.
પતંગ ચગાવવાની શરૂઆત ત્રણ હજાર વર્ષ પહેલા ચીનમાં થઇ હતી
ચીનમાં કાગળ અને રેશમની શોધ સૌપ્રથમ થઇ હતી અને ત્યાં વાંસ પણ પુષ્કળ પ્રમાણમાં થાય છે. આમ ત્રણેય વસ્તુ કાગળ, રેશમની ડોર અને વાંસની પાતળી સળી સહેલાયથી મળતા ચીનમાં પતંગ બનાવવાની શરૂઆત લગભગ ત્રણ હજાર વર્ષ પહેલા થઇ હતી. ચીનમાં પાંચમી સદીમાં મોઝી અને લુબાન નામના સાધુઓએ પ્રથમવાર પતંગ ચગાવ્યાની ઇતિહાસમાં નોંધ છે. 16મી સદીથી આ પ્રથા વિશ્ર્વના ઘણા દેશોમાં પરંપરા બની ગઇ હતી. રાઇટ ભાઇઓએ વિમાનની શોધ પણ પતંગની પ્રેરણા લઇને કરી હતી. ઇ.સ.1860 થી 1910નો ગાળો પતંગ માટે સુવર્ણકાળ બન્યો હતો. પતંગ ઉપરથી જ તેમની જેમ ઉડતા ગ્લાઇડરની શોધ થઇ હતી. બીજા વિશ્ર્વ યુધ્ધમાં પતંગનો ઉપયોગ સંદેશા મોકલવા માટે પણ થતો હતો. બેન્જામીન ફ્રેન્કલીને વાવાઝોડામાં પતંગ ચગાવી આકાશમાંથી થતી વિજળીના કરંટની શોધ કરી હતી. દેશ અને દુનિયામાં ગુજરાતનો પતંગોત્સવ ખૂબ જ મશહુર છે.