ઇંગોરાળાના પિતા અને તેના ત્રણ પુત્રના ડરથી ઘવાયેલા વૃધ્ધને કોઇ હોસ્પિટલ ન લઇ ગયું: ખેતરે આવીશ તો ત્યાં જ તારી સમાધિ કરી નાખવાની ધમકી દીધી
અમરેલી જિલ્લા પોલીસ વડા નિલિપ્ત રાયની બદલી થયા બાદ ફરી કેટલાક માથાભારે શખ્સોએ માથુ ઉચકુયી હોય તેમ ધાક ધમકી દઇ મિલકત પડાવી લેવાની ઘટના બની રહી છે. ચલાલા તાલુકાના ગરમલી ગામના 80 વર્ષના વૃધ્ધ પર સરા જાહેર કોદારી અને લાકડીથી હુમલો કરી ખેતીની જમીન પાણીના ભાવે પડાવી લેવા પ્રયાસ થતા ખેડુતોમાં ફફડાટ મચી ગયો છે. ઇંગોરળાના માથાભારે ગણાતા પિતા અને તેના ત્રણ પુત્રોના ડરથી ઘવાયેલા વૃધ્ધને કોઇ હોસ્પિટલ લઇ ગયું ન હતું. પોલીસે ચારેય સામે બળજબરીથી મિલકત પડાવી લેવા અંગેનો ગુનો નોંધી તપાસ હાથધરી છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ચલાલા તાલુકાના ગરમલી ગામે રહેતા મનુભાઇ કુરજીભાઇ માંડણકા નામના 80 વર્ષના વૃધ્ધે ઇંગોરાળા ગામના જોરુભાઇ આપાભાઇ વાળા, તેના પુત્ર અશોક વાળા, રવુ વાળા અને ઉમેશ વાળાએ કોદારી અને લાકડીથી માર માર્યાની અને ખેતીની જમીન પડાવી લેવા પ્રયાસ કર્યા અંગેની ચલાલા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
મનુભાઇ માંડણકાના પત્નીને હૃદયની બીમારી હોવાથી પોતાના પુત્ર પ્રફુલ સાથે સુરત રહે છે. મનુભાઇ માંડણકાની ઇંગોરાળાના શેઠે 34 વિઘા જમીનમાં ખેતી કામ કરાવી જમીનની દેખભાળ કરે છે. આ જમીન પોતાને વેચાણ કરવી ન હોવા છતાં ઇંગોરાળાના જોરુભાઇ વાળાએ પોતાને વેચાણ આપવા ધમકી આવે છે. જમીનની તેઓ કહે તે મજુબ કિંમત આપશે તેમ કહી જમીનમાં આવી તો તારી સમાધિ ખેતરમાં જ કરી નાખીશ તેમ છેલ્લા પંદર દિવસથી ધમકી આપે છે. આથી પોતાના પુત્ર પ્રફુલને આ અંગે જાણ કરતા પ્રફુલે ઇંગોરાળાના જોરુભાઇ વાળા સાથે મોબાઇલમાં વાત કરતા તેને પણ મારી નાખવાની ધમકી દીધી હતી.
ગત તા.6 એપ્રિલે સાંજના સાડા પાંચ વાગે મનુભાઇ માંડણકા પોતાના ગામમાં હિન્દી ફિલ્મના વિલનની જેમ ફોર વ્હીલ લઇને ગરમલી આવ્યા હતા અને જાહેરમાં મનુભાઇાંડણકા પર કોદારી અને લાકડીથી જોરુભા વાળા અને તેના ત્રણ પુત્રોએ સરા જાહેર હુમલો કરી જમીન તારે અને જ આપવી પડશે તેમ ધમકી દઇ જમીન પર આવીશ તો મારી નાખશુ તેવી ધમકી દઇ ભાગી ગયા હતા. જોરુભાઇ વાળા અને તેના ત્રણેય પુત્ર માથાભારે હોવાથી ગંભીર રીતે ઘવાયેલા મનુભાઇ માંડણકાને સારવાર માટે કોઇ લઇ ગયુ ન હતું.
મનુભાઇ માંડણકા પ્રાઇવેટ વાહનમાં અમરેલી હોસ્પિટલમાં દાખલ થયા બાદ પોતાના પુત્ર પ્રફુલને જાણ કરી હતી અને ઇંગોરાળાના ચારેય માથાભારે શખ્સો સામે બળજબરીથી ખેતીની જમીન પડાવી લેવા હુમલો કર્યાનું ફરિયાદમાં જણાવ્યું છે. ચલાલા પોલીસ મથકના પી.એસ.આઇ. કે.એલ.ગળચર સહિતના સ્ટાફે ઇંગોરાળાના જોરુભાઇ વાળા અને તેના ત્રણ પુત્ર સામે ગુનો નોંધી શોધખોળ હાથધરી છે.