ભટ્ટ વિરાજ, વિદ્યાર્થીની, મનોવિજ્ઞાન ભવન, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી
ડો.ધારા આર. દોશી, અધ્યાપક,મનોવિજ્ઞાન ભવન, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી
સેલ્ફી સિન્ડ્રોમ કે સેલ્ફીટીસ સોશિયલ મિડીયા સાથે જોડાયેલો એક પ્રકારનો માનસિક વિકાર જ છે. વ્યક્તિ પોતાને ‘ખાસ મહત્વ’ મેળવવાની ઘેલછા માટે સતત પોતાની સેલ્ફી, ફોટાઓ અને એવી અનેક પોસ્ટ સોશિયલ મિડીયા પર કાયમ અવિરતપણે અપલોડ કરતા જ રહે છે, આ કુટેવને ‘સોશિયલ નાર્સિઝમ’ કહેવાય છે. આવી કુટેવ ધરાવતી વ્યક્તિ સોશિયલ મિડીયામાં પોતાનું પ્રોફાઇલ પિક્ચર સતત બદલ્યા કરે છે, ઢગલાબંધ સ્ટેટસ, ફોટાઓ અને કંઈને કંઈ પોસ્ટ કર્યા કરે છે, દિવસમાં ૭૦, ૮૦, ૧૦૦ કે એથી પણ વધુ વાર પોતાનું ઍકાઉન્ટ વારંવાર જોયા કરે છે, કૉમેન્ટ/ચેટ કર્યા જ કરીને વધુને વધુ લોકો સાથે જોડાઈને રહે છે, વાતચીત કર્યા જ કરે છે, કૉમેન્ટ કરવામાં ગુસ્સામાં આવીને આવેશપૂર્ણ અને બિનજરૂરી આક્રમક થઈ જાય છે. આવી બધી જ કુટેવો, એક પ્રકારનો માનસિક વિકાર(મૅન્ટલ ડિસઑર્ડર) કહી શકાય. આવી માનસિકતા ધરાવનાર વ્યક્તિ દિવસમાં અનેકવાર સેલ્ફી લેવાથી પણ ક્યારેય થાકતો કે કંટાળતો નથી. આના લીધે જ એના મગજ પર અને તેના વ્યવહાર પર ચોક્કસપણે નકારાત્મક અસર પડે છે.
સ્માર્ટફોનનો ઉપયોગ કરતા મોટાભાગના બાળકો અને યુવાનો કાંતો સેલ્ફીટીસ ડિસઓર્ડરની બોર્ડર લાઇન પર છે અથવા તો તેનો ભોગ બની ચૂક્યા છે.
સારી સેલ્ફી લેવાના પ્રયાસમાં વ્યક્તિ દ્વારા વારંવાર તસવીરો ખેંચવી, લોકોનું ધ્યાન ખેંચવું, એ દર્શાવે છે કે વ્યક્તિમાં વિશ્વાસનો અભાવ અને ફિટ હોવાનો અને શ્રેષ્ઠ દેખાવાની લાગણી, સામાજિક રીતે દોટ મૂકવામાં સ્પર્ધા, સોશિયલ મીડિયા પર વધુને વધુ લાઇક્સ મેળવવાની ઇચ્છા, કૉમેન્ટ્સ મેળવવાની પ્રબળ ચાહના અને પ્રશંસા મેળવવા માટેની સ્પર્ધા વગેરે બાબતો વારંવાર સેલ્ફી લેવાનું કારણ બને છે.
જ્યારે અન્ય લોકોની સરખામણીમાં તેના ફોટાઓ જરાય સારા નથી આવ્યા, તેમ તેને લાગે, અથવા તો અન્યની સરખામણીમાં તે પોતાની તસવીરોથી સંતુષ્ટ ન હોય તો પણ તેનો આત્મવિશ્વાસ ઓછો થવા લાગે છે. વ્યક્તિ હતાશ થઈ જાય, સ્વભાવ ચિડીયો થઈ જાય છે. જ્યારે તે વ્યક્તિને ઇચ્છિત વખાણ અથવા પોતાને જરૂરી લાગે એટલું ધ્યાન મળતું નથી, એના આત્મવિશ્વાસમાં પણ ઉણપ આવે છે તે એકાંતપ્રિય થઈ જાય છે, પોતાના જ પરિવાર અને નજીકના મિત્રોથી દૂર રહેવા લાગે છે અથવા તો નશાનો વ્યસની બની જાય છે. આનાથી ડિપ્રેશનની શરૂઆત થાય છે, જે બાબત વ્યક્તિને આત્મહત્યા સુધી લઈ જઈ શકે છે.
સેલ્ફી સિન્ડ્રોમના પ્રકારો
રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય અભ્યાસો પરથી સાબિત થયું કે એક ને એક જગ્યા પર ત્રણથી વધુ વખત સેલ્ફી લઈને મોબાઈલમાં રાખવી એ ‘સેલ્ફીટીસ ડિસઓર્ડર’ કહેવાય છે. જો વ્યક્તિ દિવસમાં 5 થી વધુ વખત મોબાઈલમાંથી સેલ્ફી લે અને તેને સોશિયલ મીડિયા પર શેર કરે છે, તો શકયતા છે કે તે ‘સેલ્ફાઈટિસ ડિસઓર્ડર’ની નજીક પહોંચી ગયા છે. મનોચિકિત્સકોએ ‘સેલ્ફિટિસ’ને મનોવિકૃતિની શ્રેણીમાં મૂક્યો છે
સ્માર્ટફોનનો ઉપયોગ કરતા મોટાભાગના બાળકો અને યુવાનો કાં તો તેની બોર્ડર લાઇન પર છે અથવા તો તેનો ભોગ બની ચૂક્યા છે. પરંતુ તેઓ પોતે આ રોગ સ્વીકારવા તૈયાર નથી. તેને પ્રથમ બે તબક્કામાં રોકી શકાય છે. ત્રીજા તબક્કામાં પહોંચ્યા પછી, આ મનોવિકૃતિ જીવન માટે જોખમી પણ બની શકે છે.
પ્રથમ તબક્કામાં પીડિતા ત્રણ સેલ્ફી લે છે અને તેને પોતાના મોબાઈલમાં રાખે છે. આ પછી બીજો તબક્કો આવે છે, જ્યારે તે સેલ્ફી લઈને તરત જ આ સેલ્ફી સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરવાનું શરૂ કરી દે છે. આ રોગે વધુ ખતરનાક સ્વરૂપ ધારણ કર્યું ત્યારે મનાય છે જ્યારે વ્યક્તિ એક દિવસમાં છથી વધુ ફોટાઓ લઈને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવાનું શરૂ કરે છે. આ પછી, તે સેલ્ફી પર વધુને વધુ લાઇક્સ અને કોમેન્ટ્સ એકત્રિત કરવા માટે વ્યક્તિ પોતાનો જીવ જોખમમાં મૂકતા શરમાતો નથી. ખતરનાક સ્થળોએ પણ ફોટા લેવાનું શરૂ કરે છે. ઘણી જગ્યાએ, ટ્રેનની ઉપર ઊભા રહીને, ઊંચી ઊંચી ઈમારતો, પહાડો કે એવી કોઈ જોખમી જગ્યા પર સેલ્ફી લેવી કે ફોટાઓ લેવા એ અત્યંત જોખમી બની જાય છે. તેના પ્રકારો જોઈએ તો
બૉડરલાઇન સિન્ડ્રોમ- આમાં વ્યક્તિ ઘણી બધી સેલ્ફીઝ લે છે, પરંતુ તેને સોશિયલ મીડિયા પર મૂકતો નથી.
એક્યુટ સિન્ડ્રોમ- આ સ્થિતિમાં વ્યક્તિ ઘણી બધી સેલ્ફીઝ લે છે અને તેને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, સ્નેપચેટ વગેરે જેવી બધી જગ્યાએ પોસ્ટ કરે છે.
ક્રોનિક સિન્ડ્રોમ- આ સ્થિતિમાં વ્યક્તિ ઘણી સેલ્ફીઝ લીધા પછી પણ સંતુષ્ટ નથી થતો. વધુને વધુ સેલ્ફીઝ લીધા કરવાનો વિચાર તેના મગજમાં રહે છે.
‘નોમોફોબિયા’ (નો મોબાઈલ ફોબિયા) થી પીડિત વ્યક્તિ મોબાઈલને તેનાથી દૂર રાખવાથી કાયમ ડરે છે. સૂતી વખતે પણ તે ન માત્ર ફોન પોતાની સાથે રાખે છે, પરંતુ તેને પોતાની સાથે બાથરૂમ, ટોયલેટમાં પણ સાથે જ લઈ જાય છે. ઘણા યુવાનો આ રોગની અસરમાં આવી ચૂક્યા છે. સામાન્ય રીતે પાંચ યુવાનોમાં માં એકાદ વ્યક્તિ તો તેની પકડમાં જરૂરથી હોય જ છે. પીડિત વ્યક્તિને આ રોગમાંથી બહાર આવવું હોય તો તેના માટે પોતાની જ મજબૂત ઇચ્છાશક્તિ અને સાથે અસરકારક કાઉન્સેલિંગની જરૂર હોય છે. કેટલાક લોકોને માનસિક વિકૃતિઓ હોય છે અને લોકો તેને હળવાશથી લેવાની મોટી ભૂલ કરે છે. પાછળથી આ જ ભૂલ તેમના જીવનની સૌથી મોટી ભૂલ બની જાય છે. આવી માનસિક વિકૃતિ પર લોકો શરૂઆતમાં તેને અત્યંત સામાન્ય ગણીને સહજ ટેવ તરીકે લઈને તેના પર ધ્યાન આપતા નથી. પરંતુ તે જ માનસિક વિકૃતિ આગળના ભવિષ્યમાં ગંભીર સમસ્યા બનીને સામે આવી જાય છે.
સ્માર્ટ ફોન અને ટેબ્લેટના વધુ પડતા ઉપયોગને કારણે તણાવ, કાર્પલ ટનલ સિન્ડ્રોમ, ટેન્ડી નૈટીસ (અંગૂઠાના સ્નાયુમાં દબાણ અને તાણ) અને ઈન્ક્રિઝ ધ થંબ-અંગૂઠો વધવો (અંગૂઠાના આકારમાં ફેરફાર)આ બધી સમસ્યાઓ હવે તો સામાન્ય સમસ્યાઓ બની ચૂકી છે. ખાસ પ્રસંગે સેલ્ફી લેવી, એ સામાન્ય બાબત છે. પરંતુ જો કોઈ વ્યક્તિ તેના વ્યાવસાયિક અને અંગત જીવનના મુખ્ય કાર્યો કરતાં પણ સેલ્ફી લેવામાં વધુ સમય વિતાવે છે, તો તે ‘મનોરોગી’ હોવાનું બહાર આવ્યું છે. આમાં જ તેને સેલ્ફી લેવાની લત લાગી જાય છે
દરેક વ્યક્તિ સુંદર દેખાવું અને સુંદર તસવીરોનો યાદોનો સંગ્રહ કરવો ગમતો હોય છે. વિવિધ પ્રકારની તસવીરોનો સંગ્રહએ આપણી યાદોને સંગ્રહી રાખે છે અને એ તસવીરો જોઈને જૂની યાદો ફરી તાજી થાય છે. પણ વાત હોય જ્યારે સેલ્ફીની તો એક ક્રેઝ આજે વધતો જણાય છે અને આપણે સહુ જાણીએ છીએ કે ભયજનક જગ્યાએ સેલ્ફી લેવા જતા ઘણા અકસ્માત અને મૃત્યુ પણ થયા છે. તો આ જ ક્રેઝ વિશે જાણવા મનોવિજ્ઞાન ભવનની વિદ્યાર્થીની ભટ્ટ વિરાજે અધ્યાપક ડો.ધારા આર.દોશીના માર્ગદર્શનમાં 961 લોકો પર ગુગલફોર્મના માધ્યમથી સર્વે કર્યો જેમાં નીચે મુજબના તારણો જોવા મળ્યા.
શું તમે સેલ્ફી લ્યો છો? જેમાં 71.5% એ હા જણાવી
શું મોટાભાગે પુરુષો કરતા સ્ત્રીઓ વધારે સેલ્ફી લેતી હોઈ છે? જેમાં 92.7% એ હા જણાવી
જ્યારે તમારી સેલ્ફી સારી ના આવી હોય ત્યારે તમારાં મનમાં ક્રોધ કે હતાશા જન્મે છે? જેમાં 78.9% એ હા જણાવી
જો કોઈ જાહેર સ્થળોએ સેલ્ફી લેવાની મનાઈ ફરમાવી હોઈ તો ત્યારે સ્ત્રી કે પુરુષ કોના મનમાં હતાશાનો ભાવ જન્મે છે? જેમાં 71% એ સ્ત્રીઓ જણાવ્યું
તમને શા માટે સેલ્ફી લેવી ગમે છે? જેમાં 38% એ જણાવ્યું આત્મ સંતોષ માટે, 27% એ કહ્યું બીજાને દેખાડવા માટે, 17% એ જણાવ્યું સોશિયલ મીડિયા પર લાઈક્સ અને કમેન્ટ્સ મેળવવા માટે અને 18% એ જણાવ્યું કે કોઈ અન્ય કારણે સેલ્ફી લેવી ગમે છે
છોકરીઓ/છોકરાઓ જૂની સેલ્ફીથી પ્રેરાઈને નવી સેલ્ફી લેતા હોય છે? જેમાં 72.4% એ હા જણાવી
જ્યારે મૂડ ખરાબ હોય ત્યારે જૂની લીધેલી સારી સેલ્ફી જોવાથી ફરી પાછા ખુશ થઈ જાવ છો? જેમાં 69.9%એ હા જણાવી
સ્ત્રી અને પુરુષોમાં કોણ પોતાની અપલોડ કરેલી સેલ્ફીને સોશિયલ મીડિયા પર કેટલી લાઈક્સ અને કોમેન્ટ્સ મળી તે જાણવા અત્યંત આતુર હોય છે? જેમાં 91 %એ સ્ત્રીઓ જણાવ્યું
છોકરીઓ શા માટે સોશિયલ મીડિયા પર પોતાની સેલ્ફી અપલોડ કરે છે? જેમાં 18% એ જણાવ્યું કે નિજાનંદ માટે, 13% એ જણાવ્યું કે અન્ય ને ઈર્ષા કરાવવા માટે, 48% એ જણાવ્યું કે બીજા પાસે પોતાની સુંદરતાના કે સાજ સજ્જાના વખાણ કરાવવા માટે જયારે 21% એ જણાવ્યું કે લોકોનું ધ્યાન પોતાના તરફ ખેચવા માટે છોકરીઓ સેલ્ફીઓ અપલોડ કરે છે
છોકરાઓ શા માટે સોશિયલ મીડિયા પર પોતાની સેલ્ફી અપલોડ કરે છે? જેમાં 22.8% એ જણાવ્યું કે પોતાની સ્ટાઈલ દેખાડવા, 51% એ જણાવ્યું કે વિજાતીય પાત્રને આકર્ષિત કરવા અને 26.2% એ જણાવ્યું કે ફેશન બતાવવા માટે છોકરાઓ સોશિયલ મીડિયા પર સેલ્ફીઓ અપલોડ કરે છે.
જો તમને પોતે લીધેલી સેલ્ફીમાં ધારેલો પ્રતિસાદ ન મળે તો વારંવાર તે સેલ્ફી વિશે વિચારો છો? જેમાં 79.7%એ હા જણાવી
શું તમને વારંવાર તમારી સારી આવેલી સેલ્ફી જોવાનું મન થાય છે? જેમાં 61% એ હા જણાવી
સોશિયલ મીડિયા પર અપલોડ કરેલી સેલ્ફીને લાઇક્સ્ કે કોમેન્ટ્સ ના મળે તો કોનામાં હતાશા કે બેચેની જોવા મળે છે? જેમાં 51% એ છોકરીઓ અને 49%એ છોકરાઓ જણાવ્યું
જો કોઈ બીજી વ્યક્તિને લીધે પોતાની સેલ્ફી બગડી હોય તો કોનો મૂડ ઓફ થઈ જાય છે? જેમાં 81%એ સ્ત્રીઓ જણાવ્યું
શું તમે ખાસ સેલ્ફી લેવા માટે તૈયાર થાવ છો? જેમાં 54% એ હા જણાવ્યું
સેલ્ફીમાં પોતાના વાસ્તવિક દેખાવ કરતા વધુ હટકે કે સુંદર દેખાવાની ઇચ્છા કોનામાં વધુ હોય છે? જેમાં 81% એ જણાવ્યું કે સ્ત્રીઓ માં વધુ ઈચ્છા હોય છે
બીજાની સારી સેલ્ફી જોઈને ઈર્ષ્યા કે તેનું અનુકરણ કરવાની ઇચ્છા થાય છે? જેમાં 70% એ હા જણાવ્યું
ભયજનક જગ્યાએ સેલ્ફી કોણ વધુ લે છે? જેમાં 66% એ જણાવ્યું કે છોકરાઓ ભયજનક જગ્યાએ વધુ સેલ્ફી લેવા પ્રેરાય છે.
ઉપયોગી ઉપચાર
પહેલા તો એ સ્વીકારવું ખૂબ જરૂરી છે એ પ્રકારનો પણ માનસિક રોગ હોઈ શકે. ઘણી વખત વ્યક્તિ અમુક બાબતોને ખૂબ સામાન્ય લેતી હોય છે જેની ભવિષ્યમાં ખૂબ નિષેધક અસર થાય છે. વિશ્વભરમાં કોગ્નિટિવ બિહેવિયરલ થેરાપી (CBT) નો ઉપયોગ સામાન્ય રીતે આ પ્રકારના વ્યસનથી છુટકારો મેળવવા માટે થાય છે. આ થેરાપી વ્યસનીને તેની આંતરિક વિચાર પ્રક્રિયા, લાગણી અને ક્રિયા વચ્ચેના સંબંધોને અને જોડાણને શોધવા માટે પ્રોત્સાહિત કરે છે. CBTના ઉપયોગથી ખોટી માન્યતાઓ અને અસુરક્ષાની લાગણીઓ દૂર કરવામાં મદદ લેવામાં આવે છે. ઉપરાંત જે વ્યક્તિ ડ્રગનો દુરુપયોગ, આત્મહત્યાના વિચારો, ડિપ્રેશન વગેરે તરફ જાય છે, તેને પણ આ પદ્ધતિની સારવાર આપવામાં આવે છે. જો કે, તેની સારવાર ખાસ કરીને વ્યક્તિની સ્થિતિ પર પણ નિર્ભર કરે છે. તેથી જ, જો કોઈ વ્યક્તિ સેલ્ફી અથવા સોશિયલ(સામાજિક) નાર્સિસિઝમથી પીડાય છે, તો ભોગ બનનાર વ્યક્તિને નિષ્ણાત પાસે લઈ જવા જરૂરી છે. આ સિવાય આત્મવિશ્વાસ વધારવા માટે નિયમિત કાઉન્સેલિંગ પણ કરી શકાય છે.