ભચાઉ સમાચાર
ભચાઉ તાલુકાના સામખયારી નેશનલ હાઈવે પર આજે સવારના 10:30 વાગ્યાથી પરિવહન કરતાં માલવાહક વાહનોના ડ્રાઇવરો દ્વારા ચક્કાજામ કરી મૂકવામાં આવ્યો છે, જેના કારણે બંને તરફના માર્ગે વાહનોની લાંબી કતારો સર્જાઈ જવા પામી છે. કેન્દ્ર સરકાર દ્વારા અકસ્માત કેસમાં માલવાહક વાહન ચાલકો સામે દસ વર્ષની કેદની સજા અને રૂપિયા 5થી 10 લાખના દંડની જોગવાઈ સામે ટ્રક ડ્રાઇવર એકતા ગ્રુપના નેજા હેઠળ અંદાજિત 400 થી 500 જેટલા ટ્રક ચાલકો હાલ ધોરીમાર્ગ પર ઉતરી આવ્યા છે અને કેન્દ્ર સરકાર દ્વારા કાયદામાં ફેરફાર કરવામાં આવે એવી માંગ કરી રહ્યા છે.આ મામલે સામે આવેલા વિડીયોમાં ટ્રક ચાલકો દ્વારા છ માર્ગીય ધોરીમાર્ગ ઉપર કરાયેલા ચક્કાજામના કારણે બંને તરફના માર્ગે સેંકડો વાહનોની લાંબી કતારો જમા થઈ છે. માર્ગ વચ્ચે આડશો મૂકી ટ્રક ચાલકો વિરોધમાં ઉતરી આવ્યા છે.
ટ્રક ચાલક નાગજી દેસાઈના જણાવ્યા અનુસાર ગરીબ ટ્રક ચાલકો સામે અકસ્માત વેળાએ જો સ્થળ પરથી ફરાર થશે તો દસ વર્ષની કેદની સજાની જોગવાઈની જાહેરાત કરવામાં આગી છે તેમજ આ પ્રકારના કેસમાં ગનેગાર ઠરેલા ચાલકો ને રૂ 5 થી 10 લાખની જોગવાઈ છે. ત્યારે અકસ્માત ઇરાદાપૂર્વક થતા નથી. તેમાં રૂ. 10 થી 15 હજારનું વેતન ધતાવતા ચાલકો આટલી મોટી રકમ દંડ ભરી શકે તે અશક્ય છે. સરકાર દ્વારા અકસ્માતના નવા કાયદા બનાવતા પૂર્વે ફેર વિચાર કરવામાં આવે એવી માગ છે.આ દરમિયાન ચક્કજામના પગલે ખાનગી, સરકારી બસો, ટ્રકો સહિત ના વાહનોની કતારો માં વધારો થઈ રહ્યા છે. ટ્રક ચાલકો પણ પોતાના કે અન્ય ખાનગી વાહનો સાથે હજુ સાંમખીયાળી પહોંચી રહ્યા છે.