ટ્રાન્સપોર્ટરોની હડતાલને કારણે કરોડાના ટર્નઓવરને અસર, લાખો શ્રમિકોની રોજગારી છીનવાઈ ખાનગી બસો હડતાલમાં જોડાતા એસ.ટીની આવક વધીમાંગણી નહીં સંતોષાય ત્યાં સુધી ટ્રાન્સપોર્ટરોની હડતાલ યથાવત રહેશે

સૌરાષ્ટ્ર સહિત રાજયભરમાં દેશવ્યાપી ટ્રક હડતાલ શ‚ થતા અનેક ઉધોગોને અસર થઈ છે. ટ્રાન્સપોર્ટરો દ્વારા ગઈકાલથી ટ્રકોના પૈડા થંભાવવામાં આવ્યા હતા બાદમાં આજથી ચકકાજામ સહિતનો વિરોધ કરવામાં આવનાર છે. આ હડતાલમાં ખાનગી બસો પણ જોડાતા એસ.ટીમાં મુસાફરોની સંખ્યા વધી હતી. જેના કારણે એસ.ટી.ને નોંધપાત્ર આવક થઈ છે.

અખિલ ભારતીય ટ્રક ટ્રાન્સપોર્ટ કોંગ્રેસના એલાન મુજબ સમગ્ર સૌરાષ્ટ્રમાં ટ્રાન્સપોર્ટરો દ્વારા ગઈકાલથી હડતાલ શરૂ કરવામાં આવી હતી. સૌરાષ્ટ્રભરના ટ્રક અને ટ્રાન્સપોર્ટના ધંધાર્થીઓએ ઓફિસો બંધ કરી દેતા અનેક ઉધોગોને અસર પહોંચી છે. એક જ દિવસમાં આ વેપાર સાથે સંકળાયેલા લાખો શ્રમિકો, ટ્રક ડ્રાઈવરો, બુકિંગ એજન્ટો સહિતના બેકાર બની ગયા છે. હડતાલના પ્રથમ દિવસે સૌરાષ્ટ્રના ડીઝલ એન્જીન, મશીન ટુલ્સ, સીરામીક, સાડી ઉધોગ, ઓટો મોબાઈલ સહિતના ઉધોગોને મોટો ફટકો પડયો છે.

સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટની સ્થિતિ જોઈએ તો રાજકોટ ટ્રક ટ્રાન્સપોર્ટ એસો.ના હડતાલના એલાન મુજબ ટ્રક ટ્રાન્સપોર્ટ ઉધોગોની ૯૦૦ જેટલી ઓફિસો દ્વારા બુકિંગ બંધ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત હાઈવે ઉપર ઠેક-ઠેકાણે અન્ય રાજયના ટ્રકોની લાંબી લાઈનો લાગી હતી. જયારે શાકભાજી, દુધ અને આવશ્યક ચીજ-વસ્તુઓની છુટછાટ અપાતા પ્રથમ દિવસે તે વસ્તુઓનું પરીવહન ચાલુ રહ્યું હતું. રાજકોટ જિલ્લાના અંદાજે ૪૦ હજાર ટ્રકો હડતાલના કારણે બંધ થતા લાખોનું ટર્નઓવર ઠપ્પ થયું હતું. આજરોજથી ટ્રાન્સપોર્ટરો દ્વારા હાઈવે પર ચકકાજામનો કાર્યક્રમ આપવામાં આવશે.

ડિઝલના રોજેરોજ થતા ભાવ વધારા, ટોલટેકસ, વાહન વિમામાં એજન્ટોના મોટા કમિશન સહિતના પ્રશ્નોના ઉકેલ લાવવાની માંગ સાથે ટ્રક ટ્રાન્સપોર્ટ હડતાલ ગઈકાલથી શરૂ કરવામાં આવી હતી. આ હડતાલના પગલે અનેક ઉધોગોને મોટો ફટકો પડયો છે. ઉપરાંત થોડા સમય જો આ હડતાલ યથાવત રહેશે તો સામાન્ય લોકોના જીવનને પણ ગંભીર અસરો પહોંચશે. ટ્રક ટ્રાન્સપોર્ટરોની અચોકકસ મુદતની હડતાલમાં ખાનગી બસ ઓપરેટરોએ એક દિવસનો ટેકો જાહેર કર્યો હતો. ખાનગી બસો બંધ રહેતા એસ.ટી.બસોમાં મુસાફરોની ભારે ભીડ જોવા મળી હતી. અનેક ‚ટની બસોમાં પગ મુકવાની પણ જગ્યા ન રહેતા ઘણા મુસાફરોને હાલાકી વેઠવી પડી હતી.

ટ્રાવેલ્સ બંધ રહેતા એસ.ટી.બસોમાં ભીડ ખાનગી વાહનોએ મુસાફરોને લુંટયા

ટ્રક ટ્રાન્સપોર્ટરોની હડતાલ ગઈકાલથી શ‚ થઈ હતી ત્યારે પ્રથમ દિવસે ખાનગી બસોના ઓપરેટરોએ આ હડતાલને ટેકો જાહેર કર્યો હતો જેથી ખાનગી ટ્રાવેલ્સો બંધ રહી હતી. જેના કારણે એસ.ટી.બસોમાં મુસાફરોની ભારે ભીડ જોવા મળી હતી. એસ.ટી.બસોમાં પગ મુકવાની પણ જગ્યા મુસાફરોને મળી ન હતી સાથે ટ્રાવેલ્સો પણ બંધ હતી. આ સ્થિતિનો લાભ લઈને ખાનગી વાહનોએ મુસાફરો પાસેથી ઉંચા ભાડા વસુલ્યા હતા ત્યારે મુસાફરો પાસે પણ ખાનગી વાહનોને ઉંચા ભાડા ચુકવવા સિવાય બીજો કોઈ વિકલ્પ રહ્યો ન હતો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.