- શા માટે મહાદેવ એપ જેવી લૂંટફાટ કરતી એપ્લિકેશનને રોકી નથી શકતા ?
- વિદેશથી ગેરકાયદે પ્રવૃતિ ચલાવનારાઓને મોકળું મેદાન મળતું હોય તેવો ઘાટ : સરકારે આ માટે વિશેષ નીતિઓ ઘડવાની જરૂર
મહાદેવ એપ જેવી લૂંટફાટ કરતી એપ્લિકેશનને રોકી શકાતી નથી. તેની પાછળનું કારણ એ પણ છે કે ચકચારી મહાદેવ એપ જર્મનીથી ઓપરેટ થતી હતી. વિદેશથી ગેરકાયદે પ્રવૃતિ ચલાવનારાઓને મોકળું મેદાન મળતું હોય તેવો ઘાટ સર્જાયો હોય, સરકારે આ માટે વિશેષ નીતિઓ ઘડવાની જરૂર જણાઈ રહી છે.
મહાદેવ ગ્રૂપના પ્રમોટરોને સંડોવતા મની લોન્ડરિંગ કેસની તપાસ કરી રહેલા ઇડીએ જણાવ્યું હતું કે, એક જર્મન નાગરિક મહાદેવ ઓનલાઈન બુક ગેમિંગ-સ ટ્ટાબાજીની એપ તેમજ વિવિધ દેશોમાં ઘણી સમાન એપ્સનો માસ્ટર માઈન્ડ છે. આ જર્મન નાગરિક માત્ર એપના પ્રોગ્રામિંગ પાછળનો માસ્ટરમાઈન્ડ નથી પણ મહાદેવ ગ્રુપના મુખ્ય પ્રમોટરોમાંનો એક છે. ઇડી જર્મન નાગરિકને તેના વતન અને અન્ય વિદેશી સંસ્થાઓમાં ભંડોળના ટ્રાન્સફરની તપાસ કરી રહી છે.
ઇડીના સૂત્રોના જણાવ્યા અનુસાર મહાદેવ ગ્રુપ ત્રણ સ્તરે કામ કરે છે. પ્રથમ સ્તરમાં એવા ડેવલપર્સનો સમાવેશ થાય છે કે જેમણે સ્થાનિક જરૂરિયાતોને આધારે ગેમિંગ-સટ્ટાબાજીનો પ્રોગ્રામ બનાવ્યો છે, જે સુનિશ્ચિત કરે છે કે એકત્રિત કરેલા નાણાંનો 40% એપનો ઉપયોગ કરીને વિજેતા ખેલાડીઓ-વપરાશકર્તાઓને વહેંચવામાં આવે છે, જ્યારે બાકીના 60% મહાદેવ જૂથમાં જાય છે. બીજા સ્તરમાં સૌરભ ચંદ્રાકર અને રવિ ઉપ્પલ જેવી વ્યક્તિઓનો સમાવેશ થાય છે, જેઓ એપ અને ગ્રુપની કામગીરીનું સંચાલન કરે છે. તેઓ હવાલા અને શેલ કંપનીઓ દ્વારા ભંડોળના સંગ્રહ અને ટ્રાન્સફરનું સંચાલન કરે છે. ત્રીજા સ્તરમાં પેનલ ઓપરેટર્સનો સમાવેશ થાય છે જેઓ જૂથની કામગીરી જમીન પર ચલાવે છે. ઇડીએ કહ્યું કે તેઓ યુઝર્સને બેટ્સ લગાવવા અને ગેમ રમવા, પૈસા એકઠા કરવા અને બીજા લેયરમાં ટ્રાન્સફર કરવા માટે ઓનલાઈન લિંક્સ આપે છે.