જૂનાગઢમાં ચાલી રહેલ ભૂગર્ભ ગટરની કામગીરી દરમિયાન જોષીપરા વિસ્તારમાં ખોદકામ થઈ રહ્યું હતું ત્યારે બે માનવ હાડપિંજર મળી આવતા જોષીપરા સહિત સમગ્ર જૂનાગઢમાં આ બાબત ચર્ચાના ચકડોળે ચડી છે.
સોશિયલ મીડિયામાં ચાલી રહેલી જોર શોરની ચર્ચા મુજબ, જોશીપરાના હનુમાન પરા વિસ્તારમાં ભૂગર્ભ ગટરની કામગીરી દરમિયાન જે બે માનવ હાડપિંજર મળી રહ્યા મળી આવ્યા છે તેની તપાસ થવી જોઈએ. જો કે બીજી એક ચર્ચા એવી પણ ચાલી રહી છે કે, અગાઉ રાજાશાહી વખતે અહીં બાળ સ્મશાન ગૃહ હતું. તેથી મૃત્યુ પામેલા બાળકોને ડાટ્યા હોય તેથી તેમના મૃતદેહ હોવાના અનુમાનો સાથે ચર્ચા ચાલી રહી છે. તો સ્થાનિક લોકો જણાવી રહ્યા છે કે, ભૂતકાળમાં જોષીપરાના હનુમાન પરા વિસ્તારમાં મકાનના બાંધકામ માટે જ્યારે ખોદકામ થતાં ત્યારે પણ માનવ ખોપરી અને હાડપિંજર મળી આવ્યા હતા.
દરમિયાન જૂનાગઢના જોષીપરા વિસ્તારમાં ભૂગર્ભ ગટરની કામગીરી માટે ખોદકામા ચાલી રહ્યું છે તે દરમિયાન બે હાડપિંજર મળી આવ્યા હોવાનું વોર્ડ નંબર 6 ના કોંગ્રેસી કોર્પોરેટર લલિતભાઈ પરસાણાએ જણાવ્યું છે. તેમના જણાવ્યા અનુસાર ગટર માટે જેસીબીથી ખોદકામ કરાતું હતું ત્યારે બે હાડપિંજર મળી આવ્યા છે.
જો કે, આ હાડપિંજર વેર વિખેર થઈ ગયા હતા. જેમાં એક હાડપિંજર કમરથી નીચેના ભાગનું હતું અને જેમાં બે પગ ગોઠણ વગેરે નજરે પડતા હતા જ્યારે બીજા હાડપિંજરમાં કમરનો ઉપરનો ભાગ હતો.