ચકરડીવાળાએ ગાળાગાળી કરતા દબાણ હટાવ શાખાના કોન્ટ્રાક્ટ બેઇઝ કર્મચારીએ લાકડીઓ ફટકારી હોવાનો વીડિયો વાયરલ
કોર્પોરેશનની દબાણ હટાવ શાખાના કર્મચારીઓ અને અધિકારીઓ છાશવારે વિવાદમાં આવે છે. ગઇકાલે સવારે શહેરના આજીડેમ ચોકડી વિસ્તારમાં ચકરડીના ધંધાર્થીઓ અને દબાણ હટાવ શાખાના સ્ટાફ વચ્ચે જબ્બરી બબાલ સર્જાય હતી. ચકરડી સાઇડમાં લેવાનું કહેતા ગાળાગાળી પર ઉતરી આવેલા ચકરડીના ધંધાર્થીને દબાણ હટાવ શાખાના કોન્ટ્રાક્ટ બેઇઝ કર્મચારીએ લાકડીથી ફટકાર્યા હોવાનો વિડીયો વાયરલ થયો છે. આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ આજી ડેમ ચોકડી પાસે આવેલા હોકર્સ ઝોનમાં દર રવિવારે ગુજરી બજાર ભરાઇ છે.
ગઇકાલે સવારે ચકરડીવાળા અને પાટ પાથરણાવાળા ધંધાર્થીઓ રોડ સુધી આવી ગયા હોવાના કારણે હાઇવે બ્લોક થઇ ગયો હતો. આ અંગે ફરિયાદ મળતા દબાણ હટાવ શાખાનો કાફલો ત્રાટક્યો હતો. જેને રોડ ક્લિયર કરાવવાની કામગીરી હાથધરી હતી. રોડ પર જ આવી ગયેલા ચકરડીવાળાને ચકરડી સાઇડમાં લેવાનું કહેતા રોષે ભરાયેલા આ વ્યક્તિએ બેફામ ગાળાગાળી કરતા દબાણ હટાવ શાખામાં કોન્ટ્રાક્ટ બેઇઝ ડ્રાઇવર તરીકે ફરજ બજાવી રહેલા કર્મચારીએ આ વ્યક્તિને લાકડીથી ફટકાર્યો હતો.
દબાણ હટાવ શાખાના અધિકારીઓ એવું કહી રહ્યા છે કે આ ઘટનામાં દબાણ ઇન્સ્પેક્ટરનો કોઇ હાથ નથી પરંતુ વાયરલ થયેલા વિડીયોમાં એવું સ્પષ્ટ દેખાઇ રહ્યું છે કે દબાણ ઇન્સ્પેક્ટરો ચકરડીવાળાને પકડી રાખે છે અને ડ્રાઇવર લાકડી વડે આ વ્યક્તિને માર મારી રહ્યો હોય આ ઘટનાનો ઘેરા પડઘા પડ્યા છે. માનવતાના રૂહે કોર્પોરેશન દ્વારા ચકરડી કબ્જે કરવામાં આવી નથી. દરમિયાન કોન્ટ્રાક્ટરના માણસે લાકડી વડે માર માર્યાની ઘટના બાદ એજન્સી આર.આર.સિક્યુરિટીને સમગ્ર ઘટનાની જાણ કરી દેવામાં આવી છે અને કોન્ટ્રાક્ટ બેઇઝ ડ્રાઇવર સામે પગલાં લેવા સૂચના પણ આપી દેવાઇ છે.