અમદાવાદ 41 ડીગ્રી: સુરેન્દ્રનગર 40.7 ડિગ્રી સાથે સૌરાષ્ટ્રમાં સૌથી ગરમ
સોમવારથી ચૈત્રી દનૈયા શરૂ થઇ ગયા છે. દનૈયા જેટલા તપે તેટલું ચોમાસુ સારૂ રહે તેવું માનવામાં આવે છે. છેલ્લા બે દિવસથી રાજયભરમાં ગરમીનું જોર વધી રહ્યું છે. અમદાવાદ 41 ડીગ્રી સાથે રાજયનું સૌથી ગરમ શહેર રહ્યું હતું. જયારે સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર 40.7 ડિગ્રી સાથે સૌથી વધુ તાપ પડયો હતો. દરમિયાન આજથી વાતાવરણમાં પલટો આવશે ત્રણ દિવસ સુધી કમોસમી વરસાદની આગાહી આપવામાં આવી છે.
ચૈત્ર વદ પાંચમથી ચૈત્ર વદ તેરસ સુધી ચૈત્રી દનૈયા છે આ દિવસોમાં ગરમીનું જોર રહે છે. દનૈયા જેટલા તપે તેટલું ચોમાસુ સારુ રહે છે પ્રથમ બે દનૈયાઓ સાતરા તપ્પા છે. જો કે આજથી વાતાવરણમાં પલટો આવે તેવી શકયતા છે. મંગળવારે અમદાવાદનું તાપમાન 41 ડીગ્રી નોંધાયું હતું. જયારે સુરેન્દ્રનગરનું તાપમાન 40.7 ડિગ્રી, અમરેલીનું તાપમાન 40.5 ડિગ્રી અને ગાંધીનગરનું તાપમાન 40 ડિગ્રી નોંધાયું હતું.
રાજકોટ શહેરનું તાપમાન 39.7 ડિગ્રી, વડોદરાનું તાપમાન 39.4 ડિગ્રી, કેશોદનું તાપમાન 39.2 ડિગ્રી, સુરતનું તાપમાન 39 ડિગ્રી, મહુવાનું તાપમાન 38.8 ડિગ્રી, ભાવનગરનું તાપમાન 38.8 ડિગ્રી, ડિસાનું તાપમાન 38.6 ડિગ્રી, સુરતનું તાપમાન 39 ડિગ્રી, ભુજનું તાપમાન 38.3 ડિગ્રી, કંડલાનું તાપમાન 37.4 ડિગ્રી નલીયાનું તાપમાન 33.8 ડિગ્રી અને પોરબંદરનું તાપમાન 35.4 ડિગ્રી નોંધાયું હતું.