આગામી એક મહિનામાં રાજકોટ શહેર સંગઠનનું વિસ્તરણ કરાશે: રાજકોટવાસીઓને પજવી રહેલ ફરજિયાત હેલ્મેટ સહિતના મુદ્દાઓ પર કિમલોપ કામ કરશે
ગરીબ અને મધ્યમ વર્ગના પ્રાણપ્રશ્ર્નો માટે મેદાનમાં આવેલ નવરચિત કિશાન મજદૂર લોક પક્ષ-કિમલોપનું રાજકોટ શહેરનું કાર્યકર્તા સંમેલન વી.વી.પી. સ્કૂલ મવડી ખાતે યોજાયું હતું. જેમાં બહોળી સંખ્યામાં વિવિધ ક્ષેત્રમાં કાર્યરત સામાજિક અને રાજકીય કાર્યકરો ઉમટી પડયા હતા અને સંમેલનને અભૂતપૂર્વ આવકાર સાંપડ્યો હતો. કિમલોપના કાર્યકર્તા સંમેલનમાં રાજકોટ શહેરના કિમલોપના અધ્યક્ષ તરીકે શિવાજીભાઈ ડાંગરની વરણી કરવામાં આવી હતી. સંમેલનને કિમલોપના અગ્રણીઓ જિજ્ઞેશ કાલાવડીયા, ચિરાગ કાકડીયા, અશોક દલસાણીયા, અર્જૂનભાઈ ડાંગર, જિજ્ઞેશ ધામેલીયા (જીગાબાપુ), સમ્રાટ બૌદ્ધ, દર્શિત કંટારિયા, માયાબેન મલ્કાણ સહિતના આગેવાનોએ સંબોધિત કર્યા હતા.
રાજકોટ શહેરના લોકોને પજવતા પ્રશ્ર્નો જેવા કે ફરજિયાત હેલ્મેટ, ટ્રાફિકની અંધાધુંધી, પ્રદુષણ, ગુંડારાજ, વ્યાજનું વિષચક્ર, ખાડે ગયેલી આરોગ્ય સેવાઓ સહિતના પ્રશ્ર્નો પર લોકો વચ્ચે જઈ લોક આંદોલન ઉભુ કરવા માટે કાર્યકરોને અનુરોધ કરવામાં આવ્યો હતો.
રાજકોટ શહેરની નવગઠિત ટીમમાં અધ્યક્ષ તરીકે શિવાજી ડાંગરની વરણીને સૌએ આવકારી હતી. ત્યારબાદ અધ્યક્ષ દ્વારા પોતાની ટીમની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં રાજકોટના જાણીતા રાજકીય આગેવાન નરેન્દ્રભાઈ રાઠોડને રાજકોટ શહેર મહામંત્રી તેમજ સૌરાષ્ટ્ર-કચ્છના પ્રવકતાની જવાબદારી આપવામાં આવી હતી. ઈશ્ર્વરભાઈ મકવાણા, મોહિત ક્રેચા, સમીર બ્લોચને શહેર મહામંત્રી પદે તમેજ વિનુભાઈ પટોળીયા, પ્રતિક મકવાણા અને ગોહિલને શહેર મંત્રીપદની જવાબદારી સોંપવામાં આવી છે. ટીમ કિમલોપનું આગામી એક મહિનામાં વિસ્તરણ કરી શહેરની ૫૧ સભ્યોની કામગીરી ટીમની ઘોષણા કરવામાં આવશે.