અધિકારીઓ કામગીરી કરે છે કેમ ? તેનું જયમીન ઠાકર સરપ્રાઈઝ ચેકિંગ કરશે
સાતમ-આઠમના તહેવારોના દિવસોમાં શહેરીજનોને આરોગ્યપ્રદ ખાદ્ય-પદાર્થો મળી રહે તે માટે તાજેતરમાં આરોગ્ય સમિતિના ચેરમેન જયમીન ઠાકરે આરોગ્ય શાખાના અધિકારીઓ સાથે તાકીદની બેઠક બોલાવી હતી અને તમામને લોકમેળા તથા ખાનગી મેળામાં રાઉન્ડ ધી કલોક ચેકિંગ હાથ ધરવા કડક સુચના આપી દેવામાં આવી છે. કર્મચારીઓ અને અધિકારીઓ ફિલ્ડમાં કામગીરી કરે છે કેમ ? તેની ચકાસણી માટે ખુદ ચેરમેન સરપ્રાઈઝ ચેકિંગમાં નિકળશે.
આરોગ્ય સમિતિના ચેરમેન જયમીન ઠાકરે આરોગ્ય શાખાના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. જેમાં અલગ-અલગ સુચના આપવામાં આવી હતી જેવી કે લોકમેળો સવારે શરૂ થાય અને રાત્રે પૂર્ણ થાય ત્યાં સુધી રાઉન્ડ ધી કલોક ફુડ ચેકિંગની વ્યવસ્થા ગોઠવવી, વાસી, સડેલા અને એકસપાયરી ખાદ્યપદાર્થ મળી આવે તો ધોરણસરની કાર્યવાહી હાથ ધરવી, ખાદ્ય ચીજ અંગેની કોઈ પણ ફરિયાદ મળ્યે તેની ચકાસણી કરી તાત્કાલિક નિવેડો લાવવો, લોકમેળામાં ધંધાર્થીઓને ફુડ લાયસન્સ અને રજીસ્ટ્રેશન ઈસ્યુ કરવા, આજીડેમ સાઈટ તથા અન્ય ધાર્મિક સ્થળોએ યોજાતા મેળામાં ખાદ્ય ચીજવસ્તુઓની ચકાસણી કરવી, મહાપાલિકાના વિસ્તારમાં આવેલા ખાનગી મેળામાં પણ નિયમિત ચેકિંગ હાથ ધરવું, ફરસાણના ઉત્પાદકોને ત્યાંથી લોટ, ખાદ્યતેલ અને ફરસાણના નમુના લેવા સુચના આપવામાં આવી છે. અધિકારીઓ કે કર્મચારીઓ કામમાં ડાંડાઈ ન કરે તે માટે ખુદ ચેરમેન તહેવારોના દિવસોમાં સરપ્રાઈ વિઝીટમાં નિકળશે.
તહેવારોના દિવસોમાં શહેરીજનોને પણ સ્વાસ્થ્યની જાળવણી માટે વાસી તથા ખુલ્લા રાખેલા ખાદ્ય પદાર્થોનો ઉપયોગ ન કરવા, કાપીને ખુલ્લામાં રાખેલા ફળ-ફળાદી ન ખાવા, ઉત્પાદન તારીખ અને એકસપાયરી ચકાસીને ખરીદી કરવી અને આકર્ષક રંગો ધરાવતી મીઠાઈનો ઉપયોગ ટાળવા સહિતની બાબતની કાળજી રાખવા ચેરમેને અનુરોધ કર્યો છે.