રાજકોટ – પડધરી – લોધીકા તાલુકાના ખેડૂતોએ પ્રતિ મણ રૂ. 1067 ભાવે ચણાનું વેચાણ કર્યુ

રાજકોટ – પડધરી – લોધિકાના 7000 ખેડૂતોએ જણસીના વેચાણ માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવ્યું

ખેડુતોને તેમના પાકના પોષણશ્રમ ભાવ મળી રહે તે માટે રવી પાકોની માકેટીંગ સીઝન 2023-24 માં રાજય સરકાર દ્વારા લધુતમ ટેકાના ભાવે આજથી રાયડો ચણા ખેત જણસોની ખરીદી ગુજરાત રાજય નાગરીક પુરવઠા નિગમ લી. મારફતે કરવામાં આવી છે. લધુતમ ટેકાના ભાવે વેચાણ કરવા ખેડુતોએ ઓનલાઇન નોંધણી કરી હતી.

જેમાં રાજકોટ – પડધરી – લોધિકા તાલુકાના 7000 ખેડુતોએ ટેકાના ભાવે જણસીનું વેચાણ કરવા ઓનલાઇન નોંધણી કરાવી હતી. જે અંતર્ગત રાજકોટ માકેટીંગ યાર્ડ ખાતે ચણાના ટેકાના ભાવ ખરીદી શરુ કરાઇ હતી. જેમાં આજે ક્રમશ: 150 ખેડુતોને બોલાવવામાં આવેલ  અને તેમને એક મણે રૂ. 1067 મળી રહ્યા છે. ખેડુતોને આ વર્ષે ટેકાના ભાવે ખુબ સારા રૂપિયા મળી રહ્યા હોવાથી ખેડુતોને સંતોષ થઇ રહ્યો છે.

માકેટીંગ યાર્ડમાં ખેડુતો 960-970 મળતા જયારે સરકારે આજથી ટેકાના ભાવે ખરીદી કરતા ખેડુતોને પ્રતિ મણ 1068 રૂપિયા મળી રહ્યાં છે. આજરોજ પોપટભાઇ સોરઠીયા સબ યાર્ડ (જુના માકેટ યાર્ડ) ખાતે રાજકોટ યાર્ડના ચેરમેન જયેશભાઇ બોધરા, ડીરેકટર જીતુભાઇ સખીયા, ભરતભાઇ ખુંટ દ્વારા ખરીદીનો શુભારંભ કરવામાં આવ્યો હતો.

આજથી ટેકાના ભાવે ખરીદી શરૂ દરરોજ 150 ખેડુતોને બોલાવાશે: જયેશભાઇ બોઘરા

‘અબતક’ સાથેની વાતચીતમાં રાજકોટ માર્કેટીંગ યાર્ડના ચેરમેન જયેશભાઇ બોધરાએ જણાવ્યું હતું કે, સમગ્ર ગુજરાતમાં સરકાર દ્વારા આજથી રવિ પાકમાં રાયડો, ચણાની ખરીદી  કરવાની શરુઆત કરાઇ છે. રાજકોટ, લોધીકા, પડધરી ત્રણેય તાલુકાના 7000 ખેડુતોએ ચણાના વેચાણ માટે રજીસ્ટ્રેશન કરાવેલ છે જેથી આજથી લોધીકા – રાજકોટ – પડધરી ત્રણેય તાલુકાના ખેડુતોને જુના યાર્ડના કેન્દ્રો પર રજીસ્ટેશન કરેલ ખેડુતોને બોલાવી આજથી દરરોજ ક્રમ મુજબ ખેડુતોને બોલાવી અને તેમના ચણાની સરકાર દ્વારા ખરીદી કરવામાં આવશે. રાજકોટ – પડધરી – લોધીકામાં 7000 ખેડુતોનું રજીસ્ટ્રેશન થયેલ જેમાં દરરોજ 1પ0 ખેડુતોને બોલાવવામાં આવશે અને તેમની પાસેથી ખરીદી કરવામાં આવશે.

ચણાના ટેકાના ભાવે ખરીદી થવાથી અમને સારૂ વળતર મળ્યું: જાડેજા વિરેન્દ્રસિંહ (ખેડૂત)

‘અબતક’ સાથેની વાતચીતમાં ખેડુત જાડેજા વિરેન્દ્રસિંહએ જણાવ્યું હતું કે સરકાર દ્વારા જે ટેકાના ભાવે ચણાની આજથી ખરીદી કરવામાં આવી છે. તે માટે અગાઉ અમે ફેબ્રુઆરીમાં ઓનલાઇન અરજી કરી હતી. અને રજીસ્ટ્રેશન મુજબ ખેડુતોને બોલાવવામાં આવે છે. માકેટીંગ યાર્ડ કરતા ખેડુતોને 70 થી 80 રૂપિયાનો ફાયદો રહેશે હાલ માકેટીંગ યાર્ડમાં 960 – 970 રૂપિયા આવી રહ્યાં છે.જયારે ટેકાના ભાવ સરકારે રૂ. 1067 બહાર પાડયા છે. જે મુજબ અમોને ચણાના 1067 રૂપિયા મળી રહ્યાં છે. ઘણા ખેડુતોના માલની ગુણવત્તા યોગ્ય ન હોય તો રીજેકટ કરે છે પરંતુ અમારું માનવું છે કે તેને સાફ કરી યોગ્ય રીતે આપીએ તો લઇ લેવું જોઇએ. જેથી ખેડુતોને ફાયદો થાય.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.